<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

રશિયાનો યુક્રેનની રાજધાની કીવ પર કાળજું ધ્રૂજાવતો ભયાનક હુમલોઃ એક ભારતીય સહિત ૧૨ નિર્દોષોના કરુણ મોતથી સમગ્ર વિશ્વમાં મોટો ધડાકો

યુક્રેનમાં યુદ્ધનો ભયાનક રક્તપાત: કીવ પર મિસાઈલો અને ડ્રોનનો રાક્ષસી મારોઃ ઝેલેન્સ્કીનો ધડાકો, ૧૨ લોકોના મોત અને અનેક ઈજાગ્રસ્તઃ મૃતકોમાં એક ભારતીય નાગરિક પણ સામેલ

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધમાં એક અત્યંત ચોંકાવનારા અને રક્તરંજિત સમાચારનો ધડાકો સામે આવ્યો છે. રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કીવ પર બોમ્બ, મિસાઈલો અને ડ્રોન વડે કાન ફાડી નાખે તેવો ઘાતક હુમલો કર્યો છે. યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સનસનાટીભર્યો દાવો કર્યો છે કે આ ભયાનક હુમલામાં એક ભારતીય નાગરિક સહિત કુલ ૧૨ નિર્દોષ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હુમલાને પગલે કીવ શહેરની અનેક ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે અને સમગ્ર વિશ્વમાં ભારે અરેરાટી સાથે સન્નાટો છવાઈ ગયો છે!

રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીના જણાવ્યા મુજબ, રશિયા દ્વારા કરવામાં આવેલા આ વિનાશક હુમલામાં જીવ ગુમાવનારા 12 નાગરિકોમાં એક ભારતીય નાગરિકનો પણ સમાવેશ થાય છે. સતત 6ઠ્ઠા દિવસે રશિયન દળોએ કીવને નિશાન બનાવીને હવાઈ હુમલા ચાલુ રાખ્યા છે. આ હુમલાના કારણે રાજધાની અને આસપાસના વિસ્તારોમાં યુદ્ધની ગંભીરતા અભૂતપૂર્વ સ્તરે પહોંચી ગઈ છે. જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રશિયન સેનાએ મધ્યરાત્રિએ કીવ શહેર અને સમગ્ર કીવ ક્ષેત્ર પર એકસાથે અનેક મિસાઇલો અને આત્મઘાતી ડ્રોન છોડ્યા હતા. ધમાકાના પ્રચંડ અવાજોથી આખું શહેર ગૂંજી ઊઠ્યું હતું. યુક્રેની સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, હુમલામાં અનેક બહુમાળી રહેણાંક ઇમારતો, નાગરિક પાયાની સુવિધાઓ અને અન્ય મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. હુમલા બાદ સ્થળ પર આગ ફાટી નીકળતાં ઇમરજન્સી સેવાઓ અને રાહત ટુકડીઓને તુરંત બચાવ કામગીરીમાં જોડવામાં આવી હતી.

ઘટનાસ્થળે પહોંચેલી ઇમરજન્સી ટીમો દ્વારા કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. યુક્રેનિય સત્તાવાળાઓએ નાગરિકોને એર રેડ એલર્ટ દરમિયાન સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરી છે. આ ભયાનક હુમલા બાદ ભારતીય નાગરિકના મોત અંગે વિદેશ મંત્રાલય દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

(6:17 PM IST)