<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

પશ્ચિમ એશિયામાં મહાયુદ્ધના ભણકારા: ઈરાનના પરમાણુ હબ બુશહરમાં શ્રેણીબદ્ધ પ્રચંડ ધડાકા: ઇઝરાયલ-અમેરિકાના વડાઓ વચ્ચે ગુપ્ત મંત્રણાથી દુનિયાભરમાં ફફડાટ

ગમે ત્યારે ફાટી નીકળશે ભયાનક સૈન્ય સંઘર્ષ: તેહરાન હાઈ-એલર્ટ પર: ગ્લોબલ ક્રૂડ ઓઈલ માર્કેટમાં ઉછાળાની આશંકા:વ્હાઇટ હાઉસ અને તેલ અવીવ કઈ મોટી યોજના પર કરી રહ્યા છે કામ?

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે લશ્કરી તણાવ અત્યારે સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. ઈરાનના બુશહર શહેરમાં આવેલા ન્યુક્લિયર પાવર પ્લાન્ટની આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે એક પછી એક મોટા વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. સ્થાનિક અહેવાલો અનુસાર, ધડાકા એટલા પ્રચંડ હતા કે આસપાસના રહેણાંક વિસ્તારોની ધરતી ધ્રુજી ઉઠી હતી અને આકાશમાં ધુમાડાના ગોટેગોટે જોવા મળ્યા હતા. જોકે, ઈરાન સરકાર આ અકસ્માત હોવાનો કે ડિફેન્સ ડ્રિલ હોવાનો દાવો કરી રહી છે, પરંતુ વૈશ્વિક ડિફેન્સ એક્સપર્ટ્સ તેને ઇઝરાયલના ડ્રોન અથવા મિસાઇલ એટેક સાથે જોડીને જોઈ રહ્યા છે.

ઈરાની ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, દક્ષિણ ઈરાનના અતિ મહત્ત્વના ગણાતા બંદર અબ્બાસ, બુશેહર અને ચોગાદક શહેરોમાં પ્રચંડ ધડાકાઓ સંભળાયા છે. બુશેહર અને ચોગાદકમાં જ અંદાજે છ જેટલા બોમ્બ બ્લાસ્ટ થયા છે. જોકે, ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સીએ બંદર અબ્બાસમાં થયેલા ધડાકાઓનો ઈનકાર કર્યો છે અને જણાવ્યું છે કે, એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થવાને કારણે આ અવાજો આવ્યા હતા. તેમ છતાં, સરકારી અધિકારીઓએ સ્વીકાર્યું છે કે બુશેહર શહેરની બહાર આવેલા એક સૈન્ય અડ્ડા પર અમેરિકા અને ઈઝરાયલ તરફથી પ્રોજેક્ટાઈલ (મિસાઈલ કે રોકેટ) હુમલા કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના આ તાજા સૈન્ય એક્શનમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે અને 78 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જ્યારે મશહદનો રેલ સંપર્ક પણ તૂટી ગયો છે. પૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના અવસાનના 121 દિવસ બાદ તાજેતરમાં જ તેમને મશહદમાં દફનાવવામાં આવ્યા છે.

(5:10 PM IST)