તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
રોબોટ હવે ‘મોક્ષ’ અપાવશે: દક્ષિણ કોરિયામાં વિશ્વના પ્રથમ રોબોટ સાધુ ‘ગાબી’નો દબદબો
ટેકનોલોજી અને ધર્મનો અનોખો સંગમ: મશીન દ્વારા મંત્રોચ્ચાર સાંભળી ભક્તો સ્તબ્ધ:શુદ્ધ ઉચ્ચારણ અને એકાગ્રતાથી સૌને ચોંકાવ્યા:શું ભવિષ્યમાં રોબોટ્સ મંદિર અને મઠો સંભાળશે? આધ્યાત્મિકતામાં ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’નો નવો અધ્યાય

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં અત્યાર સુધી તમે રોબોટ્સને ફેક્ટરી કે હોસ્પિટલમાં કામ કરતા જોયા હશે, પરંતુ દક્ષિણ કોરિયાએ દુનિયાને પ્રથમ 'રોબોટ સાધુ' આપીને અચંબિત કરી દીધી છે. 'ગાબી' નામનો આ રોબોટ બૌદ્ધ મઠમાં સાધુની જેમ જ મંત્રોચ્ચાર કરે છે અને ધાર્મિક વિધિઓમાં ભાગ લે છે.
સિઓલના પ્રસિદ્ધ જોગયે મંદિર (Jogyesa Temple)માં બુદ્ધ પૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે આ 4 ફૂટ (130 સેમી) ઊંચા હ્યુમનોઇડ રોબોટને રજૂ કરાયો હતો. ચીનની કંપની યુનિટ્રીના 'G1' પ્લેટફોર્મ પર તૈયાર કરાયેલો ગાબી પરંપરાગત રાખોડી અને ભૂરા રંગના સાધુ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યો હતો. તેનું માથું મુંડન કરેલા સાધુ જેવું દેખાય છે. તેણે અન્ય સાધુઓની જેમ જ ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો, નમન કર્યું અને ઉપસ્થિત લોકોના પ્રશ્નોના જવાબો પણ આપ્યા.
ગાબીની ભૂમિકા માત્ર પ્રદર્શન પૂરતી મર્યાદિત નથી. આ સમારોહ દરમિયાન તેણે બૌદ્ધ ઉપદેશોને અનુસરવાના શપથ પણ લીધા હતા. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે બુદ્ધના માર્ગે ચાલશે, ત્યારે તેણે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, ‘હા, હું મારી જાતને સમર્પિત કરીશ.’ એટલું જ નહીં, ગાબીએ 108 મણકાની માળા ધારણ કરી અને પેગોડાની પરિક્રમા પણ કરી હતી. સામાન્ય રીતે સાધુ બનતી વખતે વ્યક્તિના હાથ પર ધૂપથી નિશાન કરાય છે, પરંતુ ગાબી માટે તેની જગ્યાએ એક લોટસ ફાનસ ફેસ્ટિવલનું સ્ટીકર ચોંટાડાયું હતું.
'ગાબી' નામ ખૂબ જ વિચારપૂર્વક પસંદ કરાયું છે. તે ગૌતમ બુદ્ધના જન્મ વખતનું નામ 'સિદ્ધાર્થ' અને કોરિયન શબ્દ 'જબી' (જેનો અર્થ દયા અથવા કરુણા થાય છે)ના મિશ્રણમાંથી બન્યું છે. આ નામનો હેતુ બૌદ્ધ મૂલ્યોને સરળ અને આધુનિક રીતે લોકો સુધી પહોંચાડવાનો છે.
રસપ્રદ વાત એ છે કે, ગાબીએ આ સમારોહમાં બૌદ્ધ ‘પંચશીલ’ (પાંચ નિયમો) ગ્રહણ કર્યા. સામાન્ય સાધુઓ માટેના નિયમો કરતાં આ નિયમો અલગ છે. ગાબી માટે જેમિની અને ચેટજીપીટી જેવી AIની મદદથી ખાસ 'બૌદ્ધ આચારસંહિતા' તૈયાર કરાઈ છે, જેના મુખ્ય નિયમો આ મુજબ છે.
દક્ષિણ કોરિયા ખૂબ જ ઝડપથી ડિજિટલ સમાજ બની રહ્યો છે, અને યુવાનો ધર્મથી દૂર થઈ રહ્યા છે. ડિજિટલ યુગના યુવાનોને આકર્ષવા માટે ગાબી એક મહત્ત્વનું પગલું છે. આ ઉપરાંત સાધુઓની ઘટતી સંખ્યાને કારણે ઊભી થયેલી ખાલી જગ્યા ભરવામાં પણ આવા રોબોટ્સ મદદરૂપ થઈ શકે છે.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
