<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

અરબી સમુદ્રમાં પાકિસ્તાનનું બોઇંગ ૭૩૭ વિમાન કડાકાભેર તૂટી પડ્યું: ૩૬,૦૦૦ ફૂટની ઊંચાઈએથી ગણતરીની સેકન્ડોમાં પ્લેન સમુદ્રમાં ખાબક્યું:પાક. નેવીને મળ્યો 'K2 AIR' લખેલો કાટમાળ

પાયલટના છેલ્લા શબ્દો 'નેવિગેશન સિસ્ટમ ફેઇલ': ઓરમરા કોસ્ટથી ૫૩ નોટિકલ માઇલ દૂર મળ્યો વિમાનનો હિસ્સો: કેપ્ટન રિઝવાન સહિત ૫ પાકિસ્તાની ક્રૂ મેમ્બરની દરિયામાં શોધખોળ જારી

નવી દિલ્હી: પાકિસ્તાનની ખાનગી કાર્ગો કંપની 'K2 એરવેઝ' નું ફ્લાઇટ નંબર KTA1732 (બોઇંગ 737-400) વિમાન શારજાહ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સામાન ભરીને કરાચીના જિન્નાહ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ આવી રહ્યું હતું. રાત્રે અંદાજે ૯:૧૮ વાગ્યે (પાકિસ્તાની સમય મુજબ) કરાચી એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને પાયલટે છેલ્લો મેસેજ આપ્યો હતો કે વિમાનની નેવિગેશન સિસ્ટમમાં મોટી તકનીકી ખામી સર્જાઈ છે. એટીસી તેને ગાઇડ કરી રહ્યું હતું તે દરમિયાન જ ૯:૨૧ વાગ્યે અચાનક વિમાને હવામાં જ વિચિત્ર દિશા બદલી હતી.

કરાચીની ખાનગી એરલાઈન્સ કે-૨ એરવેઝનું કાર્ગો વિમાન બોઈંગ ૭૩૭ યુએઈના શારજાહથી કરાચી આવવા નીકળ્યું હતું. ટેકઓફ થયાની ત્રણ મિનિટ પછી જ વિમાન સાથે સંપર્ક તૂટી ગયો હતો. પાયલટે નેવિગેશન સિસ્ટમમાં ગરબડ થયાની જાણકારી આપી પછી કંટ્રોલ રૂમમાંથી વિમાનને ગાઈડ કરવાની કોશિશ થઈ હતી, પરંતુ સદંતર સંપર્ક તૂટી જતાં તેની શોધખોળ આદરી હતી. છેલ્લે વિમાનને કરાચીથી ૨૮૭ કિલોમીટર દૂર ટ્રેક કરવામાં આવ્યું હતું. એના આધારે શોધખોળ શરૂ થઈ હતી.
વિમાનના છેલ્લાં ડેટા પ્રમાણે વિમાને ઊંચાઈ ગુમાવી હતી, પણ પછી અચાનક ઉપર ઉડયું હતું. એ પછી ફરીથી તીવ્ર ઝડપે નીચે ખાબક્યું હતું અને એક મિનિટના સમયગાળામાં પાંચ હજાર ફૂટ નીચે આવ્યું હતું. વિમાનનું એન્જિન ફેલ થયું હોય એવી પણ અટકળો થઈ રહી છે. પાકિસ્તાનના એવિએશન એક્સપર્ટ્સે કહ્યું હતું કે આ રીતે તેજ ગતિથી નીચે આવે તે અસામાન્ય છે. તેની યોગ્ય તપાસ પછી જ આ દુર્ઘટનાની માહિતી મળશે.
કે-૨ એરવેઝ ૨૦૧૮માં શરૂ થયેલી કંપની છે. જે વિમાન તૂટી પડયું એ બોઈંગ ૭૩૭ ૨૭ વર્ષ જૂનું વિમાન હતું અને ૨૦૨૪માં એરલાઈન્સે તેને ખરીદ્યું હતું. પાયલટે નેવિગેશન સિસ્ટમમાં ગરબડીની ફરિયાદ કરી હતી, પરંતુ જો માત્ર નેવિગેશન સિસ્ટમ ખરાબ હોય તો બેકઅપ સિસ્ટમ અને કંટ્રોલ રૂમની મદદથી વિમાનનું લેન્ડિંગ શક્ય બની જાય છે. આ વિમાનમાં બીજી કોઈ ખામી હોવાની શક્યતા છે.
આખરે બલૂચિસ્તાનથી ૯૮ કિલોમીટર દૂર અરબી સાગરમાં કાર્ગો વિમાનનો કાટમાળ મળ્યો હતો. જોકે, વિમાનમાં સવાર પાંચ ક્રૂ મેમ્બર્સનો કોઈ પત્તો નથી લાગ્યો. પાકિસ્તાન નેવી, એરફોર્સ અને બીજી એજન્સીઓએ વિમાન તેમ જ ક્રૂ મેમ્બર્સને શોધવા માટે ઓપરેશન શરૂ કર્યું છે. વિમાન જ્યાં તૂટી પડયું તે સ્થળે દરિયાની ઊંડાઈ ૯૮૦૦ ફૂટ જેટલી છે એટલે શોધખોળનું કામ કપરું બન્યું છે.

(5:11 PM IST)