તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
હે ભગવાન આવી ઘરવાળી કોઈને ન મળે! આ છે દુનિયાની સૌથી શંકાશીલ પત્નીઃ દરરોજ પતિને આપવી પડે છે પરીક્ષા
પતિ સ્ટીવને દરરોજ કામ પરથી પરત આવતા જ પોતાની વફાદારી સાબિત કરવી પડે છેઃ પ્રેમ માટે થઈને પતિ આ ટેસ્ટ દરરોજ આપે છે અને પાસ પણ થાય છે

લંડન,તા.૧૬: લગ્નજીવનમાં થોડી ઘણી શંકા તો ઘણા કપલમાં તમે જોઈ હશે, પણ બ્રિટનની એક મહિલાએ શંકા કરવાની આદતને એકદમ નવું રૂપ આપી દીધું છે. ડેબી વુડ નામની એ મહિલાને દુનિયાની સૌથી શંકાશીલ પત્ની કહેવામાં આવી રહી છે. તે પોતાના પતિ સ્ટીવ પર એટલી શંકા કરે છે કે ઘરે પરત ફરતા જ તેને લાઇ ડિટેક્ટર મશીનથી પરીક્ષા આપવી પડે છે.
ડેબીને ઓથેલો સિડ્રોમ નામની એક ગંભીર માનસિક સમસ્યા છે, જેમાં વ્યક્તિ પોતાના જીવનસાથી પર કારણ વગર વધારે પડતી શંકા કરે છે. આ બીમારીના કારણે ડેબીએ પોતાના પતિની જિદગી નરક જેવી બનાવી દીધી છે. સ્ટીવને દરરોજ કામ પરથી પરત આવતા જ પોતાની વફાદારી સાબિત કરવી પડે છે. પણ પ્રેમ માટે થઈને પતિ આ ટેસ્ટ દરરોજ આપે છે અને પાસ પણ થાય છે. એવું નથી કે લાઇ ડિટેક્ટર મશીનથી ટેસ્ટ બાદ પત્ની માની જાય છે. લાઇ ડિટેક્ટર ટેસ્ટ ઉપરાંત ડેબી પતિનો મોબાઇલ ફોન, મેસેજ, કોલ હિસ્ટ્રી અને સોશિયલ મીડિયા પણ નિયમિત રીતે ચેક કરે છે. સ્ટીવને ટીવી પર મહિલાઓવાળા કોઈ પણ કાર્યક્રમ જોવાની પણ છૂટ નથી. જો ક્યાંય કોઈ મહિલા દેખાઈ જાય તો ડેબી તરત ટીવી બંધ કરાવી નાખે છે.
આ ઉપરાંત આ મહિલાને પતિને બહાર એકલા જવાની પણ પરવાનગી નથી. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો અને રિપોર્ટ્સ અનુસાર, સ્ટીવે ખુદ જણાવ્યું છે કે તે આ સ્થિતિમાં ખૂબ જ હેરાન થાય છે. પણ પત્નીની બીમારીને સમજતા તે સાથ આપી રહ્યો છે. નિષ્ણાતો અનુસાર, ઓથેલો સિડ્રોમ એ દુર્લભ પણ ગંભીર માનસિક સ્થિતિ છે. તેમાં વ્યક્તિને સતત એવો ભ્રમ થાય છે કે તેનો સાથી તેને દગો આપી રહ્યો છે.
ડેબીનો મામલો એટલો ચર્ચિત થયો કે બ્રિટનના કેટલાય મીડિયા હાઉસે તેના પર સ્ટોરી પ્રકાશિત કરી. સ્ટીવ રોજ કામ પર જાય છે અને સાંજે ઘરે પરત ફરતા પત્નીની કોર્ટમાં હાજરી આપે છે. લાઇ ડિટેક્ટર મશીન પર સવાલ પૂછવામાં આવે છે- આજે કઈ મહિલા સાથે વાત કરી?, કોની સાથે ફલર્ટ કર્યું? મને દગો આપ્યો? વગેરે...ટેસ્ટ પાસ કર્યા બાદ જ ઘરમાં આરામ કરવા મળે છે.
સોશિયલ મીડિયા પર લોકો બે ભાગમાં વહેંચાયેલા છે. અમુક કહી રહ્યા છે કે આ પ્રેમ નથી, જેલ છે. જ્યારે અમુક મહિલા લખી રહી છે કે, પતિ પર શંકા કરવી તો સામાન્ય વાત છે, પણ રોજ લાઇ ડિટેક્ટર ટેસ્ટ થોડું વધારે થઈ ગયું. કેટલાય યુઝર્સે ડેબીને મદદ લેવાની સલાહ પણ આપી છે. મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે સારવાર વિના આ સમસ્યા વધારે ગંભીર થઈ શકે છે. ઓથેલો સિડ્રોમના દર્દીને ક્યારેક ક્યારેક હિંસા સુધીની નોબત પણ આવી જાય છે.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
