<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

એનવીડિયા (NVIDIA) નો ટેકનોલોજી જગતમાં પ્રચંડ ધડાકો: ક્લાઉડ સર્વરની બાદબાકી, હવે લેપટોપની અંદર જ ઇન-બિલ્ટ AI દોડાવતી સુપર ચિપ લોન્ચ: વૈશ્વિક માર્કેટમાં ભારે ખળભળાટ

ઇન્ટરનેટ વગર પણ કમ્પ્યુટર બનશે સુપર કોમ્પ્યુટર: ડેટા ચોરીના જોખમનો કાયમી અંત: હાઈટેક ચિપસેટના આગમનથી એપલ અને ઇન્ટેલ જેવી દિગ્ગજ કંપનીઓના સામ્રાજ્ય પર મોટો ખતરો

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રે એકચક્રી શાસન ભોગવતી અમેરિકન ટેક કંપની એનવીડિયા (Nvidia) એ કમ્પ્યુટર જગતનો ઇતિહાસ બદલી નાખતી એક અત્યંત શક્તિશાળી લોકલ AI ચિપ માર્કેટમાં ઉતારી દીધી છે. અત્યાર સુધી ચેટજીપીટી (ChatGPT) કે અન્ય મોટા AI ટૂલ્સ ચલાવવા માટે યુઝર્સે ક્લાઉડ સ્ટોરેજ અને હાઈ-સ્પીડ ઈન્ટરનેટ કનેક્શન પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ એનવીડિયાની આ નવી ગ્રાઉન્ડબ્રેકિંગ ચિપ ટેકનોલોજીની મદદથી હવે યુઝર્સ પોતાના સામાન્ય લેપટોપમાં જ ઓફલાઇન મોડમાં પણ મસમોટા અને જટિલ AI ટાસ્ક સેકન્ડોમાં પૂરા કરી શકશે.

 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં ક્રાંતિ સર્જનાર કંપની એનવીડિયા હવે પર્સનલ કમ્પ્યુટરને પણ નવી ઓળખ આપવા તૈયાર છે. કંપનીએ તાઈવાનમાં યોજાયેલા કોમ્પ્યુટેક્સ ૨૦૨૬ ટેક ફેરમાં નવી આરટીએક્સ સ્પાર્ક્સ સુપરચિપ રજૂ કરી છે. આ ચિપ નેક્સ્ટ જનરેશન એઆઈ સંચાલિત લેપટોપ અને ડેસ્કટોપ કમ્પ્યુટર્સનું હૃદય બનશે. એનવીડિયાના ફાઉન્ડર અને સીઈઓ જેનસન હુઆંગે આરટીએક્સ સ્પાર્ક્સનું અનાવરણ કરતાં જણાવ્યું કે, અમે છેલ્લા ચાર દાયકામાં પહેલી વખત પર્સનલ કમ્પ્યુટરને ફરીથી શોધી રહ્યા છીએ. કમ્પ્યુટર હવે માત્ર સોફ્ટવેર ચલાવવાનું સાધન નહીં રહે, પરંતુ યુઝર્સ માટે વિચારી અને કાર્ય કરી શકતા એઆઈ આસિસ્ટન્ટમાં પરિવર્તિત થશે.

અત્યાર સુધી ચેટજીપીટી, જેમિની જેવા મોટા એઆઈ મોડલ્સ ચલાવવા માટે ક્લાઉડ સર્વર અને વિશાળ ડેટા સેન્ટરોની જરૂર પડતી હતી. પરંતુ આરટીએક્સ સ્પાર્ક્સ ચિપથી એઆઈ મોડલ્સને સીધા લેપટોપમાં ચલાવી શકાય છે. જેના કારણે યુઝર્સને વધુ સ્પીડ, પ્રાઈવસી મળશે અને તેમની ઈન્ટરનેટ પર નિર્ભરતા ઓછી થશે.  જેમ, સ્માર્ટફોને બે દાયકા પહેલા મોબાઈલ ફોનની વ્યાખ્યા બદલી નાખી હતી, તેમ એઆઈ આધારિત પર્સનલ કમ્પ્યુટર્સ આગામી વર્ષોમાં કમ્પ્યુટિંગની દુનિયાને નવી દિશા આપી શકે છે.  

(6:10 PM IST)