<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

એવિએશન ક્ષેત્રે નવો ઈતિહાસ: ક્વોન્ટાસ (Qantas) એરલાઇન્સના વિમાને સતત ૨૪ કલાકથી વધુ સમય નોન-સ્ટોપ ઉડાન ભરી રેકોર્ડ સર્જ્યો

વિશ્વની સૌથી લાંબી કોમર્શિયલ ફ્લાઈટનો સફળ પ્રયોગ: કોઈ પણ હોલ્ટ વગર હજારો કિલોમીટરનું અંતર કાપી વિમાને એવિએશન હિસ્ટ્રીમાં નવુ શિખર સર કર્યું

નવી દિલ્હી: વિશ્વના વિમાન વ્યવહાર અને એવિએશન ક્ષેત્રે એક અદ્ભુત અને ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે; ઓસ્ટ્રેલિયાની અગ્રણી એરલાઇન્સ 'ક્વોન્ટાસ' (Qantas)ના અદ્યતન પેસેન્જર વિમાને સતત ૨૪ કલાકથી પણ વધુ સમય સુધી હવામાં નોન-સ્ટોપ ઉડાન ભરીને નવો ઈતિહાસ રચી દીધો છે; એરલાઇન દ્વારા હાથ ધરાયેલા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ વિમાને વચગાળાના કોઈ પણ લેન્ડિંગ કે રીફ્યુઅલિંગ વગર અવિરત સફર પૂર્ણ કરી હતી; આ લાંબી સફર દરમિયાન મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા, શારીરિક માનસિક ફિટનેસ અને વિમાનના એન્જિનની ક્ષમતા અંગેનું બારીકાઈથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું; આ સફળ ઉડાન સાથે જ ભવિષ્યમાં વિશ્વના બે દૂરના ખૂણાઓને સીધી અને સુગમ હવાઈ સેવા દ્વારા જોડવાના નવા દરવાજા ખુલ્યા છે.
આ વિમાન ઓસ્ટ્રેલિયાના સ્થાનિક સમય મુજબ ૨૭ જુલાઈના રોજ સાંજના ૫-૨૭ વાગે ઉપડયુ હતુ અને ૨૪ કલાક અને ૨૩થી ૨૪ મિનિટનો પ્રવાસ ખેડીને ફ્રાન્સના ટુલહાઉસ એરપોર્ટ પર સવારે ૯-૫૨ વાગે ઉતર્યુ હતુ, એમ એરબસ અને ફ્લાઇટ ટ્રેકિંગ ડેટાનું કહેવું છે. આ પ્લેને આ સમયગાળા દરમિયાન ૨૩,૦૭૫ કિલોમીટર (૧૪,૩૩૮ માઇલ્સ)નું અંતર કાપ્યું હતું. આ દરમિયાન તેણે પેસિફિક ઓસન, અમેરિકા, કેનેડા અને એટલાન્ટિકને વટાવ્યા હતાઆ સાથે ફ્લાઇટે ૨૦૦૫માં હોંગકોંગ-લંડન ટેસ્ટ ફ્લાઇટમાં બોઇંગ ૭૭૭-૨૦૦ એલઆરે ૨૨ કલાક અને ૪૨ મિનિટનો કોમર્સિયલ ફ્લાઇટનો સ્થાપેલો અગાઉનો રેકોર્ડ પણ તોડયો હતો. આ એરક્રાફ્ટ એફ-ડબલ્યુયુએલઆર તરીકે રજિસ્ટર્ડ છે. આ ફ્લાઇટ એરપોર્ટ પર ઉતરી તે દરમિયાન તે હવામાં હતી ત્યારે ફ્લાઇટરડારા૨૪ પર ૧.૨૦ લાખ લોકોએ તેને લાઇવ ટ્રેક કરી હતી. આ ફ્લાઇટને સફળતા મળતા ઓસ્ટ્રેલિયાના પૂર્વકાંઠાથી યુરોપ અને અમેરિકા નોન સ્ટોપ ફ્લાઇટમાં ૨૪ કલાકમાં પહોંચી જવાશે. ફ્લાઇટ ટ્રેકિંગ પ્લેટફોર્મે જણાવ્યું હતું કે ફ્લાઇટ ટ્રેકિંગ ઇતિહાસની આ બીજા નંબરની સૌથી વધુ ટ્રેક થયેલી ફ્લાઇટ છે. લગભગ ૩૬ લાખથી વધુ લોકોએ તેની પ્રોગ્રેસ નીહાળી હતી. આ પહેલા ક્વીન એલિઝાબેથ-ટુનું કોફિન લઈ જતી ફ્લાઇટને જ સૌથી વધુ વ્યુઅર મળ્યા હતા. આ વિમાન એરબસ એ૩૫૦-૧૦૦૦ યુએલઆર (અલ્ટ્રા લોંગ રેન્જ) વધારાની ૨૦ લિટર ઇંધણની ટાંકી સાથે સજ્જ હતુ, જેથી તે અત્યંત લાંબા અંતરનો હવાઈ પ્રવાસ ખેડી શકે. એરબસ તેને બે મહિનાના સર્ટિફિકેશન કાર્યક્રમ હેઠળ જૂનથી આ વિમાનનું પરીક્ષણ કરી રહી છે. તેના અઠવાડિયા અગાઉ આ જ ેએરક્રાફ્ટે ફ્રાન્સના ટુલહાઉસથી ઓસ્ટ્રેલિયાના મેલબર્નની વાયા ભારતીય સમુદ્રમાંથી થઈને ૧૯ કલાકથી વધુ સમયની ફ્લાઇટ ઓપરેટ કરી હતી. ક્વોન્ટસે તેના પ્રોજેક્ટ સનરાઇઝ માટે આવા ૧૨ એ૩૫૦-૧૦૦૦ યુએલઆરના ઓર્ડર આપ્યા છે. દરેક જેટમાં ૨૩૮ પેસેન્જર બેસી શકશે. તે સિડનીથી લંડન, ન્યૂયોર્ક ૧૯થી ૨૧ કલાક નોન સ્ટોપ ઉડી શકશે. તેને પહેલુ વિમાન એપ્રિલ ૨૦૨૭માં મળશે. તેના પગલે સિડનીથી લંડનની દૈનિક નોન-સ્ટોપ ફ્લાઇટ ઓક્ટોબર ૨૦૨૭થી શરૂ થશે. હાલમાં વિશ્વની સૌથી લાંબી કોમર્સિયલ પેસેન્જર સર્વિસ સિંગાપોર એરલાઇન્સની સિંગાપોરથી ન્યૂયોર્કની નોનસ્ટોપ ફ્લાઇટ છે. તે ફક્ત ૧૮ કલાકમાં ૧૫,૩૫૦ કિ.મી.ને આવરી લે છે. તેમા પણ એરબસ એ૩૫૦ જ ઉપયોગમાં લેવાય છે.

 

(6:41 PM IST)