તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
પ્રકૃતિના 'પયગંબર' ડેવિડ એટનબરો: જાણો ૧૦૦ વર્ષની સફર અને વન્ય જીવનના અનેરા રહસ્યો
ટીવીના પડદા પરથી જંગલનો અહેસાસ: જેમના અવાજમાં વન્ય સૃષ્ટિ જીવંત થાય છે:ડેવિડ એટનબરોની સદીની સફર: લુપ્ત થતી પ્રજાતિઓ અને ગ્લોબલ વોર્મિંગ સામે દુનિયાને જગાડનાર અવાજ, ૧૦૦ વર્ષની ઉંમરે પણ પર્યાવરણ માટે લડત ચાલુ

નવી દિલ્હી: જ્યારે આપણે ટીવીના પડદા પર ગાઢ જંગલો, અજીબોગરીબ પક્ષીઓ કે સમુદ્રના ઉંડાણમાં તરતી માછલીઓ જોઈએ છીએ, ત્યારે પાછળથી આવતો પેલો ગંભીર અને મધુર અવાજ એટલે સર ડેવિડ એટનબરો. આજે ૧૦૦ વર્ષની આરે પહોંચેલા આ વન્યજીવ પ્રેમીએ પોતાની આખી જિંદગી પૃથ્વીના જૈવવૈવિધ્યને બચાવવા અને તેને દુનિયા સમક્ષ લાવવા માટે ખર્ચી નાખી છે.
ઈંગ્લેન્ડના આઈલવર્થમાં 8 મે 1926ના રોજ જન્મેલા ડેવિડ એટનબરોનો પ્રકૃતિ પ્રેમ બાળપણમાં અશ્મિ (Fossils) એકઠા કરવાથી શરૂ થયો હતો. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં નેચરલ સાયન્સનો અભ્યાસ કર્યો અને 1947માં સ્નાતક થયા. ટૂંકી નેવલ સર્વિસ બાદ તેઓ શૈક્ષણિક પ્રકાશનમાં કામ કરતા હતા. પ્રસારણ (Broadcasting) પ્રત્યેનું આકર્ષણ તેમને 1952માં બીબીસીમાં લઈ ગયું.
વર્ષ 1950ના દાયકામાં વન્ય જીવન આધારિત કાર્યક્રમો સ્ટુડિયો પૂરતા મર્યાદિત હતા, જેમાં ફક્ત પ્રાણીઓના નમૂના બતાવાતા. એટનબરોએ આ કંટાળાજનક ફોર્મેટને અલવિદા કહી અને 1954માં શરૂ થયેલી શ્રેણી ‘ઝૂ ક્વેસ્ટ’ (Zoo Quest)એ પ્રથમ વખત સ્ટુડિયોની બહાર જંગલમાં જઈને ફિલ્માંકનને લાઈવ (જીવંત) પ્રસ્તુતિ સાથે જોડ્યું. તેઓ પોતે જોખમી અભિયાનોમાં જતા અને દુર્લભ પ્રાણીઓને લંડન ઝૂમાં લાવતા. આ તેમના માટે એક મોટું સાહસ હતું અને આ કારણસર તેઓ ઘરે ઘરે જાણીતા થઈ ગયા.
એટનબરો માત્ર હોસ્ટ જ નહોતા, પરંતુ એક દૂરદ્રષ્ટા એક્ઝિક્યુટિવ પણ હતા. 1965થી 1969 દરમિયાન તેઓ બીબીસી ટુ (BBC Two)ના કન્ટ્રોલર હતા. તેમના નેતૃત્વ હેઠળ જ યુરોપમાં પહેલીવાર કલર ટેલિવિઝનની શરૂઆત થઈ. તેમણે 'મોન્ટી પાયથોન ફ્લાઈંગ સર્કસ' જેવી અનોખી કોમેડી શ્રેણીને પ્રોત્સાહન આપીને દર્શાવ્યું કે તેમની નજર માત્ર પ્રકૃતિ પૂરતી સીમિત નહોતી. 1970ના દાયકાના મધ્યમાં તેઓ બીબીસી ટુમાં ઉચ્ચ હોદ્દો છોડીને ફરી પ્રોગ્રામ બનાવવા લાગ્યા.
સર ડેવિડ એટનબરોએ 91 વર્ષની વયે 'ગ્રેટ બેરિયર રીફ' શ્રેણીના શૂટિંગ વખતે 'ટ્રાઇટોન' નામની સબમરીનમાં બેસીને સમુદ્રમાં 1,000 ફૂટ (300 મીટર)ની ઊંડાઈ સુધી ડાઇવ લગાવીને એક અનોખો વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. આટલી ઊંડાઈએ પહોંચનારા તેઓ સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ બન્યા હતા, જ્યાં તેમણે અત્યંત પરવાળાના દુર્લભ ખડકો અને દરિયાઈ જીવોનો અભ્યાસ કર્યો હતો. આ સાહસ ક્લાઈમેટ ચેન્જના કારણે જોખમમાં મુકાયેલા સમુદ્રી જીવતંત્ર તરફ વિશ્વનું ધ્યાન દોરવાનો તેમનો મજબૂત પ્રયાસ હતો.
એટનબરોની કારકિર્દીની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તેઓ એકમાત્ર એવી વ્યક્તિ છે જેમણે બ્લેક એન્ડ વ્હાઈટ, કલર, HD, 3D અને 4K – એમ પાંચેય ટેક્નોલોજી ફોર્મેટમાં BAFTA એવોર્ડ જીત્યા છે. આ અનોખો રેકોર્ડ એ વાતની સાબિતી છે કે બદલાતી પ્રસારણ ટેકનોલોજી સાથે કદમતાલ મેળવવામાં એટનબરો ખૂબ સફળ રહ્યા. તેમને વર્ષ 1985માં ‘નાઈટહૂડ’, 2022માં ‘સેન્ટ માઈકલ એન્ડ સેન્ટ જ્યોર્જ’નો બીજો ખિતાબ અને 2022માં સંયુક્ત રાષ્ટ્રો (UN)નો 'ચેમ્પિયન ઓફ ધ અર્થ' એવોર્ડ મળી ચૂક્યો છે. આ ઉપરાંત દુનિયાની 32 પ્રતિષ્ઠિત યુનિવર્સિટીની માનદ ડિગ્રીઓ છે.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
