<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

હિન્દુકુશમાં કુદરતનો પ્રકોપ: સફેદ સોના જેવો બરફ અદ્રશ્ય થતા હાહાકાર:૨૦૦ કરોડ લોકોના માથે જોખમ

પૃથ્વીનો 'ત્રીજો ધ્રુવ' ઓગળ્યો: ગ્લોબલ વોર્મિંગની ભયાનક અસર:ગંગા, બ્રહ્મપુત્રા અને સિંધુ નદીઓના અસ્તિત્વ પર સવાલ: પાણી માટે યુદ્ધ થશે? વૈજ્ઞાનિકોની ચોંકાવનારી ચેતવણી:હિન્દુકુશમાં બરફનું પ્રમાણ ઘટતા એશિયાના ૧૦ દેશોમાં જળસંકટના વાદળો ઘેરાયા:શું માનવી હજુ પણ નહીં જાગે?

નવી દિલ્હી: હિન્દુકુશ-હિમાલય પર્વતમાળામાં બરફનું પ્રમાણ જે ઝડપે ઘટી રહ્યું છે, તેનાથી વૈજ્ઞાનિક જગતમાં ખળભળાટ મચી ગયો છે. એક તાજા રિપોર્ટ મુજબ, અહીં બરફ ઓગળવાની ઝડપ પહેલા કરતા અનેકગણી વધી ગઈ છે. હિન્દુકુશ પર્વતો એશિયાની મોટી નદીઓ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે. જો આ રીતે જ બરફ ઓગળતો રહ્યો, તો ભારત, પાકિસ્તાન, ચીન અને અફઘાનિસ્તાન સહિતના દેશોમાં ૨૦૦ કરોડથી વધુ લોકો પીવાના પાણી અને ખેતી માટે તરસી જશે.
સંશોધકો માને છે કે, ગ્લોબલ વોર્મિંગની અસર હવે માત્ર તાપમાન સુધી જ સિમિત રહી છે તેવું નથી, ધીમે ધીમે તેના કારણે પાણીના સ્ત્રોત ઉપર વ્યાપક અસર પડવા લાગી છે. હિમાલય કે જેને વોટર ટાવર ઓફ એશિયા કહેવામાં આવે છે તે હવે ધીમે ધીમે નબળો પડી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગ કે ક્લાઈમેટ ચેન્જના કારણે સર્જાયેલી આ માત્ર એક કુદરતી સમસ્યા નથી પણ તેની અસર સામાજિક અને આર્થિક સ્તરે પણ જોવા મળશે. હિમાલય અને હિંદુકુશમાં બરફનું સ્તર સતત ઘટી રહ્યું છે. જાણકારો માને છે કે, જો આ રીતે જ બરફનું પ્રમાણ ઘટતું રહેશે તો આવનારા સમયમાં કરોડો લોકો સામે પાણીની સમસ્યા ઊભી થશે. આ ઉપરાંત લોકોને ખેતી માટે, વપરાશ માટે પાણી નહીં મળે અને વીજળીનું પણ મોટું સંકટ સર્જાશે.
ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ દ્વારા તાજેતરમાં જ રજૂ કરવામાં આવેલા ૨૦૨૬ના અહેવાલમાં આ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. આ અહેવાલ જણાવે છે કે, હિંદુકુશમાં બરફ રહેવાનો સમય સામાન્ય કરતા ૨૭.૮ ટકા જેટલો ઘટી ગયો છે. છેલ્લાં ૨૦ વર્ષોમાં આ સ્તર સૌથી નીચે આવી ગયું છે. ચિંતાજનક વાત એવી પણ છે કે, હિમાલયમાં સતત ચોથા વર્ષે ઓછો બરફ પડવાનું અને ત્યારબાદ ઓછા સમય માટે આ બરફ ટકવાનું નોંધવામાં આવ્યું છે. બરફનું સ્તર ઘટવાની સીધી અસર ગંગા, સિંધુ, બ્રહ્મપુત્રા અને મેકાંગ જેવી નદીઓ ઉપર પડી રહી છે.
હિમાલયના પર્વતો ઉપર શિયાળા દરમિયાન જે બરફ પડે છે તે ઉનાળો આવતા ઓગળવા લાગે છે. તેના કારણે હિમાલય ક્ષેત્રની નદીઓમાં પાણીમાં ઉમેરો થાય છે. અહીંયાની મોટાભાગની નદીઓ ઉનાળામાં બરફ ઓગળતા આવતા પાણી ઉપર જ આધાર રાખે છે. છેલ્લાં કેટલાક વખતથી આ વિસ્તારમાં બરફ ઓછો પડી રહ્યો છે. આ ઉપરાંત જે બરફ જમા થવો જોઈએ તે પણ થઈ રહ્યો નથી. તેના કારણે તેની સાથે જોડાયેલી નદીઓમાં પાણી ઓછું આવી રહ્યું છે. તેના પ્રવાહને પણ અસર પડી છે. સિંધુ અને હેલમંદ જેવી નદીઓમાં અંદાજે ૧૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ આંકડા સ્પષ્ટ રીતે આગામી સમયમાં ભયાનક જળસંકટ તરફ ઈશારા કરી રહ્યા છે.

 

(6:29 PM IST)