તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
કુદરતની કરુણતા: એન્ટાર્કટિકાના ‘રાજા’ એવા એમ્પરર પેંગ્વિન વિનાશને આરે:અસ્તિત્વ ભૂંસાઈ જવાની ભીતિ
ગ્લોબલ વોર્મિંગનો ભયાનક પંજો: દરિયાઈ બરફ પીગળતા હજારો પેંગ્વિનનાં બચ્ચાઓના કરુણ મોત:૨૧૦૦ સુધીમાં ૯૦% વસ્તી લુપ્ત થવાની વૈજ્ઞાનિકોની ચેતવણી: પર્યાવરણ પ્રેમીઓમાં ભારે ચિંતા

નવી દિલ્હી: ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જ હવે કલ્પના નહીં પણ એક ભયાનક હકીકત બની ચૂક્યું છે. એન્ટાર્કટિકાના ઠંડા પ્રદેશોમાં રહેતા અને 'કિંગ ઓફ બર્ડ્સ' ગણાતા એમ્પરર પેંગ્વિન અત્યારે ઈતિહાસના સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યા છે. તાજેતરના રિપોર્ટ મુજબ, દરિયાઈ બરફ સતત પીગળવાને કારણે પેંગ્વિનની અનેક વસાહતો સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ છે.
સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, જે બરફ પર પેંગ્વિન પોતાના બચ્ચાઓને ઉછેરે છે, તે બરફ સમય કરતા વહેલો પીગળી જવાથી હજારો નવજાત બચ્ચાઓ સમુદ્રમાં ડૂબીને મોતને ભેટી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ એવી ગંભીર ચેતવણી આપી છે કે જો પૃથ્વીના તાપમાનમાં વધારો અટકાવવામાં નહીં આવે તો આ સદીના અંત સુધીમાં ૯૦ ટકાથી વધુ એમ્પરર પેંગ્વિન વિલુપ્ત થઈ જશે. બરફ વગર આ પક્ષીઓ માટે પ્રજનન કરવું કે જીવન ટકાવવું અશક્ય છે. એન્ટાર્કટિકામાં જોવા મળતું આ પરિવર્તન આખી પૃથ્વી માટે એક મોટું ખતરાનું નિશાન છે, જે દર્શાવે છે કે આપણે પ્રકૃતિ સાથે કેટલા મોટા ચેડાં કરી રહ્યા છીએ.
સંશોધકોના મતે ૧૯૯૯ બાદ આ પેંગ્વિનની વસતીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. થોડા વર્ષો પહેલાં તેમને અસ્તિત્વ ઉપર જોખમ ધરાવતી પ્રજાતિ જાહેર કરવામાં આવી હતી. તેમને સાચવવા અને બચાવવા પ્રયાસ કરાઈ રહ્યા છે પણ તે પૂરતા પ્રમાણમાં નથી. ૨૦૨૨માં તેમને યુએસ સ્ટેટ એન્ડેન્જર્સ સ્પિસિસ એક્ટ ૧૯૭૩ હેઠળ વિલુપ્તતાના આરે પહોંચેલી પ્રજાતિ જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ ૨૦૦૦ના વર્ષ બાદ એન્ટાર્કટિક ફર સીલ અને એલિફન્ટ સીલની પ્રજાતિ પણ સતત ઘટી રહી છે. એન્ટાર્કટિક ફર સીલની પ્રજાતિમાં ૫૦ ટકા જેટલો તોતિંગ ઘટાડો નોંધાયો છે. બીજી તરફ એલિફન્ટ સીલને પણ સતત ઘટી રહેલી વસતીને પગલે હવે વિલુપ્ત થવાના આરે પહોંચલી પ્રજાતિ જાહેર કરવામાં આવી છે. આ પ્રજાતિમાં વકરેલા રોગચાળાને પગલે તેમની વસતીમાં વ્યાપક ઘટાડો થયો છે.
સંશોધકો માને છે કે, હાલમાં પૃથ્વી ઉપર જેટલી પક્ષીની પ્રજાતિઓ વિલુપ્ત થવાના આરે છે અથવા તો જેમના અસ્તિત્વ ઉપર જોખમ છે તેમાં સૌથી મોખરે આવે છે. એમ્પરર પેંગ્વિન લુપ્તપ્રાય: સ્થિતિમાં આવી જાય તે સૌથી મોટી ચેતવણી છે કે, ગ્લોબલ વૉર્મિંગની સ્થિતિ કાબુ બહાર જતી રહી છે. ક્લાઈમેટ ચેન્જ સમુદ્રી બરફને વ્યાપક અસર કરી રહ્યા છે અને તેના કારણે પેંગ્વિનની વસતીમાં મોટો ઘટાડો થયો છે. દુનિયાભરના દેશોએ પોતાના અર્થતંત્રને ગતિમાન રાખવાની સાથે સાથે કાર્બન મુક્ત બનાવવા ઉપર તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
