News of Monday, 22nd June 2026
કતારના હાઇટેક બરજાન ગેસ પ્લાન્ટમાં પ્રચંડ ગેસ લીકેજ બાદ ભીષણ વિસ્ફોટ:આખો પ્લાન્ટ આગની ઝપેટમાં આવતા મચી ભારે નાસભાગ: ૫૪ જેટલા શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા:૧૮ લોકો હજુ પણ લાપતા હોવાથી મોટો ફફડાટ
આગના તોતિંગ ગોળા આકાશમાં દેખાતા રેસ્ક્યૂ ટીમો અને એર એમ્બ્યુલન્સની મદદથી બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ: ગ્લોબલ એનર્જી માર્કેટમાં સપ્લાય ચેઈન ખોરવાવાની આશંકાથી ક્રૂડ અને ગેસના ભાવોમાં ચહલપહલ

નવી દિલ્હી: મિડલ ઈસ્ટના સૌથી ધનાઢ્ય અને ગેસ ઉત્પાદક દેશ કતારના પ્રતિષ્ઠિત બરજાન ગેસ પ્લાન્ટમાં અચાનક એક ભયાનક અને કાળજું કંપાવી મૂકે તેવો વિસ્ફોટ સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં પ્લાન્ટની અંદર કામ કરી રહેલા ૫૪ થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને ૧૮ લોકોની હજુ સુધી કોઈ ભાળ ન મળતા અરેરાટી વ્યાપી ગઈ છે. વૈશ્વિક લોજિસ્ટિક્સ અને મિડલ ઈસ્ટ ક્રાઇમ ડેસ્ક રિપોર્ટ મુજબ, બરજાન નેચરલ ગેસ પ્રોજેક્ટના મેઇન યુનિટમાં ઓવર પ્રેશર અથવા શોર્ટ સર્કિટના કારણે આ બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે પ્લાન્ટનું તોતિંગ માળખું ધરાશાયી થઈ ગયું હતું અને મોટાભાગના ગ્રાઉન્ડ સ્ટાફ તેની અંદર ફસાઈ ગયા હતા. કતારના ઇમરજન્સી સેફ્ટી વિભાગે તાત્કાલિક સેંકડો ફાયર ફાઇટરોની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે, પરંતુ પ્લાન્ટમાં હજુ પણ વાયુ ગેસનું દબાણ હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં ભારે કટોકટી સર્જાઈ રહી છે.
વાસ્તવમાં આ અકસ્માત ત્યારે થયો જ્યારે કર્મચારીઓ ગેસ ટર્મિનલ ફરીથી શરૂ કરી રહ્યા હતા. ઈરાને કરેલા બોમ્બમારા અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દેવાને કારણે કતાર બહારના દેશોને ગેસ મોકલી શકતું ન હતું, જેથી કતારે ગેસનું ઉત્પાદન બંધ કરવું પડ્યું હતું. જો કે, યુદ્ધનો કાયમી અંત લાવવા માટે ચાલી રહેલી શાંતિ મંત્રણા વચ્ચે ઈરાને આ દરિયાઈ માર્ગ પરથી પોતાનો પ્રતિબંધ હળવો કર્યો હતો. આ તકનો લાભ લઈને કતારે પોતાનું નિકાસ ટર્મિનલ ફરી ચાલુ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે જ સમયે આ ભયાનક બ્લાસ્ટ થઈ ગયો.
દુનિયાના અગ્રણી કુદરતી ગેસ ઉત્પાદક દેશોમાં કતારનું નામ ટોચ પર છે. કતારના આ મુખ્ય નિકાસ કેન્દ્રમાં થયેલા અકસ્માતના કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે ઉથલપાથલ મચી શકે છે. સરકારી કંપની 'કતાર એનર્જી'એ પુષ્ટિ કરી છે કે રવિવારે રાત્રે પ્લાન્ટ શરૂ કરતી વખતે થયેલા વિસ્ફોટ અને આગના કારણે 54 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને 18 લોકો હજી પણ લાપતા છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
