<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

ફ્લોરિડામાં પાર્કિંગ વિવાદ દરમિયાન આર્મીના નિવૃત્ત જવાનની ગોળી મારીને હત્યા કરનાર મેલિસા પેન સામે નહીં ચાલે કોઈ કેસ, સ્ટેન્ડ યોર ગ્રાઉન્ડ કાયદા હેઠળ મળી મોટી રાહત

બ્રોવાર્ડ કાઉન્ટી સ્ટેટ એટર્ની કાર્યાલયે સ્પષ્ટ કર્યું છે કે મેલિસા પેને પોતાની સુરક્ષા માટે આત્મરક્ષણમાં ગોળીબાર કર્યો હતો, જેથી તેમની સામે કોઈ ફોજદારી ગુનો નોંધવામાં આવશે નહીં.

ફ્લોરિડા : ફ્લોરિડાની રહેવાસી મેલિસા પેનને જૂન મહિનામાં બનેલી એક હચમચાવતી ઘટનામાં મોટી કાનૂની રાહત મળી છે. બ્રોવાર્ડ કાઉન્ટી સ્ટેટ એટર્ની કાર્યાલયના વકીલોએ ગુરુવારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે મેલિસા પેન સામે આર્મીના વેટરન બાર્ટ ડિગુગ્લિયેલ્મોની ગોળી મારીને હત્યા કરવા બદલ કોઈ જ આરોપ મૂકવામાં આવશે નહીં. ફ્લોરિડાના જાણીતા 'સ્ટેન્ડ યોર ગ્રાઉન્ડ' કાયદા હેઠળ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત જો કોઈ વ્યક્તિને પોતાના જીવન પર ગંભીર જોખમ કે શારીરિક હુમલાની આશંકા હોય, તો તે સ્વબચાવમાં ઘાતક બળનો ઉપયોગ કરી શકે છે. આ ચૂકાદાની સાથે જ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર ફરીથી વાયરલ થઈ રહ્યો છે અને ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

આ સમગ્ર વિવાદ આ વર્ષે 30 જૂનના રોજ નોર્થ લાઉડરડેલ સ્થિત એક વોલમાર્ટના પાર્કિંગ લોટમાં સર્જાયો હતો. ઘટના સમયે મેલિસા પેન પોતાની ભત્રીજી અને તેની નાની બાળકી સાથે ત્યાં ઉપસ્થિત હતા અને એક જ પાર્કિંગની જગ્યા મેળવવા બાબતે તેમની બાર્ટ ડિગુગ્લિયેલ્મો સાથે બોલાચાલી થઈ હતી. મેલિસા પેન તે સમયે સફેદ રંગની શિવરોલે માલિબુ કાર ચલાવી રહ્યા હતા, જ્યારે આર્મીના નિવૃત્ત જવાન બાર્ટ ડિગુગ્લિયેલ્મો સફેદ રંગની કિયા એસયુવીમાં એકલા જ સવાર હતા. બંને વાહનચાલકો વચ્ચે પાર્કિંગની જગ્યાને લઈને ટકરાવ થયો અને મામલો ઉગ્ર બનવા લાગ્યો હતો.

પ્રાથમિક બોલાચાલી બાદ બાર્ટ ડિગુગ્લિયેલ્મો પોતાની એસયુવીને ડ્રાઇવિંગ લેનમાં જ રોકીને શોપિંગ કાર્ટ લઈને સ્ટોરની અંદર જતા રહ્યા હતા, અને તે જ તકનો લાભ લઈને મેલિસા પેને તે જગ્યા પર પોતાની કાર પાર્ક કરી દીધી હતી. થોડીવાર પછી જ્યારે બાર્ટ ડિગુગ્લિયેલ્મો પાછા આવ્યા ત્યારે તેમણે મેલિસા પેનની કારને નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આર્મીના પૂર્વ સૈનિકે તેમની કારને તોડી નાખવાની વાત કરી હતી અને ગુસ્સામાં વાહન હંકારીને બે આઈલ દૂર અપંગો માટેના આરક્ષિત સ્થાન પર કાર પાર્ક કરી દીધી હતી.

ત્યારબાદ તેઓ ગુસ્સામાં તે જ આઈલ તરફ આગળ વધ્યા જ્યાં મેલિસા પેન પોતાની કાર અને પરિવાર સાથે હતા. જેવું તેઓ નજીક આવ્યા, મેલિસા પેને એક હાથમાં મોબાઈલ ફોન અને બીજા હાથમાં બંદૂક પકડીને કારનું બારણું ખોલ્યું અને તેમને સ્પષ્ટ ચેતવણી આપી કે તેઓ તેમની કે વાહનની નજીક ન આવે. પ્રોસિક્યુટર ઓફિસના અહેવાલ મુજબ, આટલી ચેતવણીઓ છતાં બાર્ટ ડિગુગ્લિયેલ્મો સતત તેમની તરફ આગળ વધતા રહ્યા અને કારની આસપાસ તેમનો પીછો કરતા રહ્યા. એક તબક્કે તેમણે પોતાની કારની ચાવીઓ બતાવીને મેલિસા પેનની કારને નુકસાન પહોંચાડવાનો ઈશારો કર્યો અને અચાનક ફરીને સીધા મેલિસા પેન તરફ દોડી આવ્યા.

પોતાના પર તોળાતા ખતરાને જોઈને મેલિસા પેને સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું, જે સીધું બાર્ટ ડિગુગ્લિયેલ્મોના પેટમાં વાગ્યું. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ મેલિસા પેને બંદૂક કારની છત પર મૂકી દીધી હતી અને પોતાના પતિને ફોન કરીને પોલીસને બોલાવવા કહ્યું હતું, ત્યારબાદ બ્રોવાર્ડ શરિફ ઓફિસના ડેપ્યુટીઓએ તેમને કસ્ટડીમાં લીધા હતા. કેસની ઝીણવટભરી તપાસ કરનાર વકીલોએ અંતે તારણ કાઢ્યું હતું કે એવા કોઈ સ્પષ્ટ પુરાવા નથી મળ્યા કે જેનાથી સાબિત થઈ શકે કે મેલિસા પેનને પોતાના જીવનનું વાજબી જોખમ નહોતું, જેના કારણે તેમને કાયદાકીય રીતે મુક્ત કરી દેવામાં આવ્યા છે.

(8:59 PM IST)