<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

જાપાનમાં પરમાણુ આફતનો મોટો ફફડાટ: ન્યુક્લિયર પ્લાન્ટમાં રેડિયોએક્ટિવ સ્ટીમ લીક થતાં હાઈ-ઍલર્ટ

મોટી હોનારત ટળી?: રિએક્ટરમાં ગરબડ થતાં તાબડતોબ સિસ્ટમ કરાઈ બંધ:સમગ્ર દેશમાં મચ્યો ભારે હડકંપ: સત્તાવાળાઓ દોડતા થયા, આસપાસના વિસ્તારમાં સઘન ચેકિંગ અને સિક્યોરિટી એલર્ટ

નવી દિલ્હી: ટેકનોલોજીના કિંગ ગણાતા જાપાનમાંથી વિશ્વને ચિંતામાં મૂકી દે તેવા અત્યંત ગંભીર સમાચાર સામે આવ્યા છે. જાપાનના એક કાર્યરત ન્યુક્લિયર પાવર પ્લાન્ટના રિએક્ટરમાંથી અચાનક અત્યંત જોખમી રેડિયોએક્ટિવ સ્ટીમ (કિરણોત્સર્ગી વરાળ) લીક થવાની ઘટના સામે આવતા આખું જાપાન હાઈ-ઍલર્ટ મોડ પર આવી ગયું છે. પ્લાન્ટમાં ખામી સર્જાતા જ ઈમરજન્સી એલાર્મ વાગી ઉઠ્યા હતા.
આ ઘટના એટલા માટે ચિંતાજનક છે કારણ કે આ નં. 2 રિએક્ટર નિયમિત તપાસ માટે લાંબા સમયથી બંધ હતું અને તેને આ સોમવારે જ ફરીથી ચાલુ કરવામાં આવ્યું હતું. આગામી 9 જૂનથી આ પ્લાન્ટમાંથી વ્યાપારી ધોરણે વીજળીનું ઉત્પાદન શરૂ થવાનું હતું, પરંતુ તે પહેલા જ આ ખામી સામે આવી છે. આ ઓનાગાવા પ્લાન્ટ માર્ચ 2011માં આવેલા વિનાશક ભૂકંપ અને સુનામી બાદથી બંધ હતો અને નવેમ્બર 2024માં તેને પહેલીવાર ફરીથી વીજ ઉત્પાદન માટે શરૂ કરાયો હતો. આ પ્લાન્ટના ત્રણેય રિએક્ટર ફુકુશિમા દાઇચી ન્યુક્લિયર પ્લાન્ટ જેવા જ 'બોઇલિંગ વોટર' પ્રકારના છે, જ્યાં 2011માં દેશની સૌથી ભયાનક પરમાણુ હોનારત સર્જાઈ હતી.
જાપાનમાં પરમાણુ પ્લાન્ટમાં લીકેજની આ કંઈ પહેલી ઘટના નથી. આ પહેલા 8 મેની સવારે સેન્ટ્રલ જાપાનના ફુકુઇ પ્રીફેક્ચરમાં આવેલા મિહામા ન્યુક્લિયર પાવર પ્લાન્ટના નં. 3 રિએક્ટરમાં પણ વરાળ લીક થવાની ઘટના સામે આવી હતી. હાઇ-પ્રેશર ટર્બાઇન પાસે વરાળ લીક થતાં જ સવારે 4:10 વાગ્યે એલર્ટ જાહેર કરાયું હતું અને 15 મિનિટમાં જ રિએક્ટરને મેન્યુઅલી (હાથથી) બંધ કરી દેવાયું હતું. જોકે, કન્સાઇ ઇલેક્ટ્રિક પાવર કંપનીના જણાવ્યા અનુસાર, મિહામા પ્લાન્ટની વરાળમાં કોઈ રેડિયોએક્ટિવ પદાર્થ નહોતો અને બહારના પર્યાવરણ પર તેની કોઈ અસર થઈ નથી. મિહામાનું આ રિએક્ટર 1976થી કાર્યરત છે અને ફુકુશિમા હોનારત બાદ બંધ રહ્યા પછી 2021માં ફરી શરૂ થયું હતું.

 

(6:06 PM IST)