News of Monday, 27th July 2026
હોર્મુઝની ખાડીમાં મોટી આંતરરાષ્ટ્રીય હોનારત: ઈરાન દ્વારા ગોઠવાયેલી સી-માઈન્સ સાથે ટકરાતા ઓઈલ ટેન્કરમાં ભયાનક વિસ્ફોટ
વૈશ્વિક તેલ પુરવઠાના સૌથી મહત્વના દરિયાઈ માર્ગ પર સિક્યોરિટી એલર્ટ: ક્રૂડ ઓઈલ વાહક જહાજમાં ભારે આગ લાગતાં મોટું નુકસાન

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે મધ્ય પૂર્વના અત્યંત વ્યૂહાત્મક ગણાતા હોર્મુઝની ખાડી (Strait of Hormuz) વિસ્તારમાં એક વિશાળ ક્રૂડ ઓઈલ ટેન્કર ઈરાની સી-માઈન (દરિયાઈ બોમ્બ) સાથે ટકરાતાં ભીષણ વિસ્ફોટ થયો છે; વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે ટેન્કરમાં ક્ષણવારમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી અને જહાજના નીચલા ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું; વૈશ્વિક સ્તરે કાચા તેલના વહન માટે આ રસ્તો અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે, જ્યાંથી વિશ્વના કુલ તેલ પુરવઠાનો મોટો હિસ્સો પસાર થાય છે; આ ઘટના બાદ દરિયાઈ સુરક્ષા એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય નૌકાદળ દ્વારા વિસ્તારમાં હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે; જહાજ પર સવાર ક્રૂ મેમ્બર્સને બચાવવા માટે કોસ્ટ ગાર્ડની ટીમો રવાના કરવામાં આવી છે, જ્યારે આ લશ્કરી વળતા પ્રહાર અને સી-માઈન્સના કારણે વૈશ્વિક એનર્જી માર્કેટ અને ક્રૂડના ભાવ પર ગંભીર અસરો પડવાની આશંકા સેવાઈ રહી છે.
અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન પર હુમલા કરવામાં આવ્યા તે બાદ ઇરાને હોર્મુઝ ખાડીમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે સમુદ્રમાં જ માઇન્સ લગાવી દીધા હતા. આ માઇન્સ બહુ જ ભારે હોય છે પરંતુ જેવુ કોઇ જહાજ તેની સાથે ટકરાય કે તુરંત જ બ્લાસ્ટ થઇ જાય છે. ઇરાને આ અંગે ચેતવણી પણ જારી કરી હતી. હાલ જ્યારે અમેરિકા અને ઇરાન વચ્ચે હોર્મુઝ પર દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે ક્યા રૂટ પરથી જહાજ ચલાવવા તેને લઇને સંકટ જેવી સ્થિતિ પેદા થઇ ગઇ છે.
ગાઝાનો ડાટ વાળનારુ ઇઝરાયેલ હજુ પણ વેસ્ટ બેન્કમાં મોટું ઓપરેશન પાર પાડવાની ફિરાકમાં છે, ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ તેની જાહેરાત કરી હતી. મીડિયા સાથે વાતચીતમાં નેતન્યાહુએ કહ્યું છે કે સુરક્ષાદળો વેસ્ટ બેન્કમાં ગામડાઓમાં જવા, તપાસ કરવા, હથિયારો જપ્ત કરવા સહિતના આદેશ આપવામાં આવ્યા છે. હાલમાં વેસ્ટ બેન્ક પર પોતાનું વર્ચસ્વ વધારવા પર ઇઝરાયેલ ધ્યાન આપી રહ્યું છે. હાલમાં ઇરાન અને અમેરિકાની વચ્ચે જમીની સ્તર પર યુદ્ધની સ્થિતિ હતી જે હવે સમુદ્રમાં પહોંચી ગઇ છે. હવે સમુદ્રમાં જ ઇરાન અને અમેરિકા સામસામે હુમલા કરી રહ્યા છે. ઇરાન તરફ જતા જહાજો પર અમેરિકા નજર રાખી રહ્યું છે અને નિયમો તોડવા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ અમેરિકાએ કહ્યું છે. ૨૫ જુલાઇ સુધીમાં ઇરાન તરફ આગળ વધી રહેલા ૧૨ વેપારી જહાજોનો રસ્તો બદલવો પડયો હતો.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
