તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
વેનેઝુએલામાં ભયાનક ભૂકંપ બાદ મોટો ભૂગોળીય ફેરફાર: સમગ્ર જમીન ૨ ફૂટ ખસી ગઈ હોવાનો ISRO અને NASA ની સેટેલાઈટ તસવીરોમાં સન્સનીખેજ ખુલાસો
અંતરિક્ષ એજન્સીઓના રડાર ઈમેજિંગ ડેટા પરથી પૃથ્વીના પોપડામાં થયેલું ટેક્ટોનિક ડિસ્પ્લેસમેન્ટ સાબિત થયું: વૈજ્ઞાનિક આલમમાં ભારે ચર્ચા

નવી દિલ્હી: દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં તાજેતરમાં આવેલા વિનાશક ભૂકંપના કારણે ભૌગોલિક સ્તરે અભૂતપૂર્વ અને આશ્ચર્યજનક પરિવર્તન નોંધાયું છે; ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) અને અમેરિકી સ્પેસ એજન્સી (NASA) ના અદ્યતન સેટેલાઈટ દ્વારા લેવામાં આવેલી હાઈ-રિઝોલ્યુશન તસવીરો અને ડેટા વિશ્લેષણમાં ખુલાસો થયો છે કે ભયાનક આંચકા બાદ વેનેઝુએલાની મુખ્ય જમીન પોતાની મૂળ જગ્યાએથી આશરે ૨ ફૂટ જેટલી ખસી ગઈ છે; ભૂકંપના કેન્દ્રબિંદુ આસપાસની ટેક્ટોનિક પ્લેટોમાં થયેલા તીવ્ર ઘર્ષણ અને હલનચલનના કારણે આ મોટું ડિસ્પ્લેસમેન્ટ (સ્થાનાંતરણ) સર્જાયું છે; સેટેલાઈટ રડાર ઈમેજિંગના સરખામણીત્મક અભ્યાસ પરથી વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી છે કે આટલા મોટા પાયે જમીન ખસી જવાની ઘટના વિરલ છે અને તેનાથી વિસ્તારના ભૂગર્ભજળ તથા ભૌગોલિક માળખા પર લાંબા ગાળાની અસર પડી શકે છે.
વૈજ્ઞાનિકોએ 24 જૂને આવેલા ભૂકંપ પહેલાં અને પછી NISAR સેટેલાઈટ દ્વારા લેવાયેલી પૃથ્વીની તસવીરોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. આ માટે 13 અને 18 જૂનના ડેટાની સરખામણી 25 અને 30 જૂને મેળવેલા ડેટા સાથે કરવામાં આવી હતી, જેથી ભૂકંપના કારણે પૃથ્વીની સપાટી પર થયેલા ભૌગોલિક ફેરફારોને સચોટ રીતે સમજી શકાય.
ઉલ્લેખનીય છે કે 24 જૂને ઉત્તરીય વેનેઝુએલામાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેના માત્ર 39 સેકન્ડ બાદ 7.5ની તીવ્રતાનો બીજો શક્તિશાળી આંચકો અનુભવાયો હતો. આ હોનારતમાં 5000થી વધુ લોકોના મોત થયા હતા અને 16,700થી વધુ લોકો ઘાયલ થયા હતા. કરાકસ અને લા ગુએરા ઉપરાંત ત્રુજિલો, યારાકુય, કારાબોબો, અરાગુઆ અને મિરાન્ડા જેવા રાજ્યોમાં પણ આ ભીષણ ભૂકંપની વ્યાપક અસર જોવા મળી હતી.
જમીનની સપાટીમાં થયેલા અત્યંત સૂક્ષ્મ ફેરફારોને માપવા માટે વૈજ્ઞાનિકોએ 'ઈન્ટરફેરોમેટ્રિક સિન્થેટિક અપર્ચર રડાર' (InSAR) ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. આ ટેક્નોલોજીમાં સેટેલાઈટ જ્યારે વારંવાર એક જ સ્થળ પરથી પસાર થાય છે, ત્યારે જમીન અને સેટેલાઈટ વચ્ચેના અંતરમાં થતા ફેરફારને ચોકસાઈથી નોંધવામાં આવે છે. આ પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ મોટો ભૂકંપ આવ્યા બાદ જમીન પર થયેલા ફેરફારોનું મેપિંગ કરવા માટે NISARની 'અર્જન્ટ રિસ્પોન્સ સિસ્ટમ'નો ઉપયોગ કરવામાં આવ્યો હોય.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
