News of Wednesday, 7th October 2026
પેશાબ પીવડાવતોઃ ન્યૂડ ફોટા માગતો! પેરિસમાં ભારતીય યુવક પર સગીરાઓને ટોર્ચર કરવાનો આરોપ
પેરિસમાં એક ભારતીય યુવક વિરુદ્ધ બંધ બારણે કેસની સુનાવણી શરૃ થઈ

પેરિસ તા.૭: ફ્રાન્સની રાજધાની પેરિસમાં સગીર છોકરીઓને ઓનલાઈન બ્લેકમેલ કરીને જાતીય શોષણ કરવાના આરોપી ભારતીય યુવક સામે ટ્રાયલ શરૃ થઈ છે. આ આરોપીએ છોકરીઓને પોતાને નુકસાન પહોંચાડવા માટે પણ મજબૂર કરી હતી. ફ્રેન્ચ મીડિયા અહેવાલો અનુસાર, આરોપીની ઓળખ રોહન રાણે (ઉં.વ.૨૯) તરીકે થઈ છે. રોહન મૂળ ભારતનો છે અને ફ્રાન્સના એન્ટિબ્સની એક બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કરવા ગયો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે ફિટનેસ કોચ તરીકે કામ કરવા લાગ્યો હતો. રોહન રાણે પર સગીરાઓને ટોર્ચર કરવા, ખંડણી અને બાળકોના જાતીય શોષણ સાથે જોડાયેલી સામગ્રી (CSAM) પ્રસારિત કરવા સહિતના અનેક આરોપો નોંધવામાં આવ્યા છે.
ફ્રેન્ચ પોલીસે તેની વર્ષ ૨૦૨૧માં ધરપકડ કરી હતી. પેરિસની એક વિશેષ ક્રિમિનલ કોર્ટમાં આ કેસની સુનાવણી સોમવારથી શરૃ થઈ છે, જે શુક્રવાર સુધી ચાલવાની શકયતા છે. ખાસ વાત એ છે કે આરોપીની ટ્રાયલ સંપૂર્ણપણે બંધ બારણે (ઇન-કેમેરા) ચાલી રહી છે. જો કોર્ટમાં આરોપો સાબિત થાય છે, તો રોહનને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે.
નવેમ્બર ૨૦૨૦માં અમેરિકન સંસ્થા 'નેશનલ સેન્ટર ફોર મિસિગ એન્ડ એકસપ્લોઇટેડ ચિલ્ડ્રન' (NCMEC)એ ઓનલાઈન પ્લેટફોર્મ પર ૧૨ વર્ષની એક બાળકી સાથે જોડાયેલી વાંધાજનક સામગ્રીની જાણકારી આપી હતી. તપાસ એજન્સીઓ અનુસાર, રોહન રાણે 'ડિસ્કોર્ડ' મેસેજિગ પ્લેટફોર્મ પર CsT નામના એક ગુપ્ત ઓનલાઈન ગ્રુપ સાથે જોડાયેલો હતો અને તેનું નેતૃત્વ કરતો હતો. આ ગ્રુપના સભ્યો નિયો-નાઝી, જાતિવાદી અને યહૂદી વિરોધી વિચારો ધરાવતા હતા અને નબળી તથા કિશોર વયની છોકરીઓને નિશાન બનાવતા હતા.
લે મોન્ડ અખબારના અહેવાલ મુજબ, આ ગેંગ છોકરીઓની ન્યૂડ તસવીરો મેળવવા માટે સેકસટોર્શન એટલે કે જાતીય બ્લેકમેલનો સહારો લેતી હતી. ત્યારબાદ તસવીરો જાહેર કરવાની ધમકી આપીને અને ડરાવી-ધમકાવીને પીડિત છોકરીઓને જાતીય કૃત્યો કરવા માટે મજબૂર કરવામાં આવતી હતી. આ ગેંગ તેમને પોતાને શારીરિક નુકસાન પહોંચાડવા માટે પણ મજબૂર કરતી હતી.
ન્યાય વિભાગે પોતાના દસ્તાવેજમાં જણાવ્યું કે, આ ગેંગ પીડિતોને પોતાના વાળ કાપીને ખાવા માટે કહેતી હતી. આરોપી છોકરીઓને પોતાનો પેશાબ પીવા, પોતાને મુક્કા મારવા, પોતાને જાતિવાદી ગાળો આપવા અને રેઝર બ્લેડથી પોતાની ચામડી પર CsTના સભ્યોના નામ ચિતરાવવા માટે મજબૂર કરતો હતો.
આ આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનું નેટવર્ક અનેક દેશો સુધી ફેલાયેલું હતું. તપાસમાં અમેરિકા, બ્રિટન, ડેનમાર્ક, ઓસ્ટ્રેલિયા, કેનેડા, એસ્ટોનિયા અને નેધરલેન્ડ્સ સહિત અનેક દેશોમાં લગભગ ૧૦૦ પીડિતોની ઓળખ કરવામાં આવી છે. આ ટ્રાયલમાં અમેરિકાની ૧૮થી ૨૧ વર્ષની વયની ૫ યુવતીઓ સિવિલ પક્ષકાર તરીકે સામેલ થઈ છે, જેમની વીડિયો લિક દ્વારા જુબાની લેવાની શકયતા છે.
અમેરિકન અધિકારીઓની વિશેષ વિનંતી પર પેરિસની કોર્ટે આ કેસની સુનાવણી બંધ બારણે કરવાનો આદેશ આપ્યો હતો. તેની પાછળનું કારણ જણાવવામાં આવ્યું છે કે આરોપીના આ ગેંગે અગાઉ પણ પીડિતો અને સાક્ષીઓને ડરાવવા-ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો અને અમેરિકન સરકારી વકીલોને પણ ધમકીઓ આપવામાં આવી હતી.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
