<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

લાઓસની કાળમુખી ગુફામાં મોતનો લાઈવ ખેલ: સોનાની કાળી લાલચમાં જીવનું જોખમ: છેલ્લા ૯ દિવસથી અંધારી ગુફામાં ફસાયા ૭ નિર્દોષ ગ્રામીણો

ભૂગર્ભમાં ઓક્સિજન ખૂટવાની ભીતિ વચ્ચે આંતરરાષ્ટ્રીય રેસ્ક્યુ ઓપરેશન શરૂ: થાઈલેન્ડની ગુફા જેવી ભયાનક હોનારતનું પુનરાવર્તન થવાની આશંકા, સમગ્ર વિશ્વની નજર લાઓસ પર

નવી દિલ્હી: અતિશય લોભ અને કુદરતના જોખમી ખજાનાને વગર વિચારે ખોદવાની લાલચ માણસને કેવી ભયાનક આફતમાં મૂકી શકે છે, તેનો એક અત્યંત ચોંકાવનારો અને શ્વાસ અધ્ધર કરી દેતો કિસ્સો લાઓસ દેશમાંથી સામે આવ્યો છે. અહીં આવેલા એક અંતરિયાળ પહાડી વિસ્તારની ઊંડી ગુફામાં સોનાની શોધમાં ગયેલા સ્થાનિક ગામના ૭ ગ્રામીણો છેલ્લા ૯ દિવસથી કાળમીંઢ પથ્થરો અને અંધકાર વચ્ચે ફસાયા છે. ગુફામાં અચાનક પાણી ભરાઈ જવાથી અથવા માટી ધસી પડવાના કારણે બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો હોવાની પ્રાથમિક કડક વિગતો મળી રહી છે.
ગુફામાં જીવતા મળેલા 5 લોકો બહાર નીકળવાના રસ્તાથી આશરે 300 મીટર દૂર એક સાંકડી જગ્યા પર આશરો લઈને બેઠા છે. ત્યાં હવા મળી રહી હોવાથી તેઓ અત્યાર સુધી બચી શક્યા છે, પરંતુ તેમને બહાર કાઢવાનું કામ અત્યંત મુશ્કેલ છે. ગુફામાં જવાનો રસ્તો ખૂબ જ સાંકડો અને ખતરનાક ઢોળાવવાળો છે, જ્યાં બચાવ ટીમે પેટે ઘસડાઈને આગળ વધવું પડે છે. કેટલીક જગ્યાએ તો રસ્તો માત્ર 60 સેન્ટીમીટર જેટલો જ પહોળો છે અને અંદર લપસણા પથ્થરો તેમજ અંદર 4-5 મીટર ઊંડી ખીણ હોવાના કારણે આ રેસ્ક્યુ ઓપરેશન ભારે જોખમી બની ગયું છે.
આ રેસ્ક્યુ ઓપરેશન કેટલું ગંભીર અને મુશ્કેલ છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે આ મિશનમાં વિદેશી એક્સપર્ટ્સ પણ જોડાયા છે. આ ટીમમાં ફિનલૅન્ડના એવા બે અનુભવી ગોતાખોરો (ડાઇવર્સ) સામેલ છે, જેમણે વર્ષ 2018માં થાઈલૅન્ડની પૂરગ્રસ્ત ગુફામાંથી બાળકોની ફૂટબોલ ટીમને આબાદ બચાવી હતી. તેમની સાથે મલેશિયા, જાપાન, ફ્રાન્સ, ઇન્ડોનેશિયા અને થાઇલૅન્ડના નિષ્ણાતો પણ મદદ કરી રહ્યા છે. થાઇલૅન્ડ મિશનનો હિસ્સો રહી ચૂકેલા ડાઇવર મિક્કો પાસીએ આ સ્થળને 'અવાવરુ સોનાની ખાણ' ગણાવીને કહ્યું છે કે બચાવ ટીમ અત્યારે સમય સામે જંગ લડી રહી છે.

 

(5:26 PM IST)