<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

મોંઘવારીના ખપ્પરમાં કેન્યા ભડકે બળ્યું: પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં જનતાનો પ્રચંડ આક્રોશ, ભીષણ તોફાનોમાં ૪ નાં મોત

આફ્રિકાના આ દેશમાં આર્થિક કટોકટીનો જ્વાળામુખી ફાટ્યો: ઇંધણના ભાવ આસમાને પહોંચતા હજારો લોકો રસ્તા પર ઉતર્યા:સરકારી મિલકતો અને વાહનો ફૂંકી માર્યા: પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ

નવી દિલ્હી: આફ્રિકાના અગ્રણી દેશ કેન્યામાંથી કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતા અને આર્થિક મંદીની ભયાનકતા દર્શાવતા અત્યંત ચોંકાવનારા આંતરરાષ્ટ્રીય સમાચાર સામે આવ્યા છે. કેન્યા સરકાર દ્વારા તાજેતરમાં જ પેટ્રોલિયમ પેદાશો (પેટ્રોલ-ડીઝલ) ના ભાવમાં ધરખમ અને કમરતોડ વધારો જાહેર કરવામાં આવતા જ આખી જનતાનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. રાજધાની નૈરોબી સહિત દેશના મુખ્ય શહેરોમાં હિંસક પ્રદર્શનો અને આંદોલનની આગ લાગી ગઈ છે, જેમાં અત્યાર સુધીમાં ૪ લોકોના મોત થતાં સમગ્ર વૈશ્વિક મંચ પર આ ચિંતાનો વિષય બન્યો છે.

કેન્યાનાં પાટનગર નાઈરોબી ઉપરાંત બીજાં મોટાં શહેરોમાં પણ લોકો સડક ઉપર ઉતરી આવ્યા છે. ગાડીઓ અટકાવી દીધી છે. ચારે તરફ આગજની થઇ રહી છે. સંપૂર્ણ પબ્લિક ટ્રાન્સપોર્ટ લગભગ ઠપ્પ થઇ ગયું છે. પરિસ્થિતિ એટલી બધી બગડી છે કે આ તોફાનો દરમિયાન ચારનાં તો મૃત્યુ થયાં છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. ઇંધણના વધતા ભાવ અને તે સાથે વધતી મોંઘવારીને લીધે લોકો સરકાર સામે ઝનૂને ચઢ્યા છે.

ખાડી દેશોમાંથી થતી તેલની આયાત ઉપર મોટાભાગના આફ્રિકી દેશો નિર્ભર છે. તેમની જેમ જ કેન્યા પણ આથી અત્યંત મુશ્કેલીમાં છે. ઇરાને હોર્મુઝ સ્ટ્રેઇટસ બંધ કરતાં તેલની સપ્લાય ઉપર ભારે અસર થઇ છે. દુનિયાનું ૨૦ ટકા તેલ આ સ્ટ્રેઇટસમાંથી પસાર થાય છે. કેન્યાની સરકારે તેલની કિંમતમાં પેટ્રોલમાં ૨૦ ટકા અને ડીઝલમાં તો સીધો જ ૪૬ ટકાનો વધારો કરી દેતાં પરિવહન કર્મચારીઓએ હડતાલ પાડી દીધી છે. તે પછી નાઈરોબીમાં બહારના વિસ્તારોનાં લોકોએ બેરીકેડ ઊભાં કરી દીધા હતા અને ઠેકઠેકાણે આગ લગાડી દીધી હતી. દેખાવકારો મોટરો અને મોટરસાઇકલો રોકવાના પ્રયત્નો કરતા હતા. ગૃહમંત્રી, કીપપુમ્બા, મુરકોમેને પત્રકારોને કહ્યું કે તે દુ:ખદ છે કે આજની હિંસામાં આપણે ચાર કેન્યાઇ લોકોને ગુમાવ્યા છે, અને ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

(5:07 PM IST)