<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

અમેરિકાની એરસ્ટ્રાઇક સામે ઈરાનનો વળતો ઘાતક પ્રહાર: જોર્ડનમાં યુએસના મુખ્ય સૈન્ય બેઝ પર ભીષણ હુમલો: અનેક સૈનિકો ઘાયલ

મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધુ તંગ: સૈન્ય મથક પર ડ્રોન અને મિસાઈલ હુમલાથી ભારે તબાહી: વૈશ્વિક સ્તરે યુદ્ધના ભણકારા

નવી દિલ્હી: અમેરિકા દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઇકનો બદલો લેવા માટે ઈરાન પ્રેરિત સંગઠનો દ્વારા જોર્ડન સરહદ નજીક આવેલા અમેરિકાના એક મુખ્ય લશ્કરી સૈન્ય બેઝને નિશાન બનાવીને અત્યંત ઘાતક અને મોટો હુમલો કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે; આ ભીષણ ડ્રોન અને રોકેટ હુમલામાં અમેરિકાના અનેક સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે તેમજ સૈન્ય મથકની સિક્યોરિટી લાઇન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું નુકસાન પહોંચ્યું છે, જેને પગલે અમેરિકી સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોન દ્વારા સ્થિતિની ગંભીરતાને જોતાં હાઇ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વળતા પ્રહાર માટેની વ્યુહરચના ઘડવામાં આવી રહી છે, ત્યારે આ ઘટનાના પગલે મધ્ય પૂર્વના દેશોમાં સંપૂર્ણ યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે વૈશ્વિક સુરક્ષા વ્યવસ્થા પણ કટોકટીભરી સ્થિતિમાં મુકાઈ ગઈ છે.
ખાનગી ન્યૂઝને અમેરિકન અધિકારીઓએ જણાવ્યું કે આ અઠવાડિયે ઈરાને જોર્ડનમાં ઓછામાં ઓછા બે સૈન્ય મથકો પર હુમલો કર્યો જેમાં ઘણા અમેરિકન સૈનિકો ઘાયલ થઈ ગયા. જોકે આ હુમલાની વિગતો હજી સુધી આવી નથી. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે શુક્રવારે દાવો કર્યો કે તેમણે મધ્ય પૂર્વમાં અમેરિકાના સૈન્ય મથકો પર નવા હુમલા કર્યા છે. IRGCએ સીરિયા, કુવૈત, ઓમાન, બહેરીન અને જોર્ડનમાં આવેલા મથકો પર હુમલાનો દાવો કર્યો છે.
અમેરિકન અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે અમેરિકન સેના દ્વારા ઉપયોગમાં લેવાતા જોર્ડનના ઓછામાં ઓછા બે મથકો પર થયેલા હુમલામાં ઘણા અમેરિકન સૈનિકો ઘાયલ થયા. કોઈ સૈનિકના મોતની ખબર નથી, ઘાયલ સૈનિકોની સંખ્યા અને તેમની ઈજાઓની ગંભીરતા વિશે હજી સ્પષ્ટ માહિતી નથી.
અમેરિકન સંરક્ષણ વિભાગે હજી સુધી આ ઈજાઓની પુષ્ટિ કરી નથી અને ન તો આ અહેવાલ પર કોઈ પ્રતિક્રિયા આપી છે. અમેરિકન લડાયક વિમાનો અવારનવાર જોર્ડનના સૈન્ય મથકો પરથી ઉડાન ભરે છે, પરંતુ અમેરિકા પોતાની સેના દ્વારા ઉપયોગમાં લેવાતા તમામ મથકોની માહિતી જાહેર કરતું નથી. જોર્ડનમાં અમેરિકાની મુખ્ય સૈન્ય હાજરી મુવફ્ફાક સાલ્તી એર બેઝ(Muwaffaq Salti Air Base)માં છે જે રોયલ જોર્ડનિયન એર ફોર્સનું બેઝ છે પરંતુ અમેરિકાએ તેને ઘણું અપગ્રેડ અને વિસ્તૃત કર્યું છે. અહીં અમેરિકન ફાઇટર જેટ્સ, ડ્રોન્સ અને સપોર્ટ ફોર્સીસ તૈનાત રહે છે અને તાજેતરના સમયમાં તેનો ઈરાન પર સંભવિત કાર્યવાહીના હબ તરીકે પણ ઉપયોગ કરવામાં આવ્યો. આ સિવાય ટાવર 22 નામની એક નાની આઉટપોસ્ટ ઉત્તર પૂર્વી જોર્ડનમાં સીરિયા બોર્ડર પાસે છે. આ ઉપરાંત પ્રિન્સ હસન એર બેઝ, કિંગ ફૈઝલ એર બેઝ અને અન્ય કેટલીક ટ્રેનિંગ તથા બોર્ડર પોસ્ટ્સ પર પણ અમેરિકન સૈનિકો હાજર છે.

 

(5:16 PM IST)