<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

હોર્મુઝમાં ‘ભારતીય જીવ’ જોખમમાં: ૨૦,૦૦૦ નાવિકો સમુદ્રની વચ્ચે ફસાયા, ભારત સરકારની ઉંઘ ઉડી

યુદ્ધના ભણકારા વચ્ચે ‘દરિયાઈ કટોકટી’: ઈરાન-અમેરિકાના વિવાદમાં ભારતીય સપૂત અટવાયા:પરિવારજનોમાં ફફડાટ: વિદેશ મંત્રાલય હરકતમાં, નાવિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ‘ઓપરેશન’ની તૈયારી?

નવી દિલ્હી: મધ્ય-પૂર્વમાં સર્જાયેલી અસ્થિરતાની સૌથી મોટી અને માઠી અસર ભારતીય નાવિકો પર પડી છે. હોર્મુઝની સામુદ્રધૂનીમાં સર્જાયેલી તણાવભરી સ્થિતિને કારણે વિવિધ જહાજો પર સવાર અંદાજે ૨૦,૦૦૦ જેટલા ભારતીય નાવિકો ફસાઈ ગયા હોવાના અહેવાલોએ ખળભળાટ મચાવી દીધો છે. એક તરફ તેલનો પુરવઠો અટક્યો છે અને બીજી તરફ હજારો ભારતીયોના જીવ તાળવે ચોંટ્યા છે.
મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝની ખાડીમાં ૨૦,૦૦૦થી વધુ ભારતીય નાવિકો ફસાયા છે. નેશનલ યુનિયન ઓફ સીફેયર્સ ઓફ ઈન્ડિયા (એનયુએસઆઈ) ના મહાસચિવ મિલિંદ કંદલગાંવકરે ચેતવણી આપી છે કે યુદ્ધ વધવાની સ્થિતિમાં જહાજો પર તૈનાત ભારતીય નાવિકો ભોજન, દવાઓ અને સલામત બહાર નહીં નિકળી શકવાના કારણે ફસાઈ ગયા છે. યુનિયને કેન્દ્ર સરકારને આ સ્થિતિને રાષ્ટ્રીય પ્રાથમિક્તા માનતા તાત્કાલિક નાવિકોને ત્યાંથી બહાર કાઢવાની માગણી કરી છે. ખાડી ક્ષેત્રોમાં કામ કરી રહેલા ભારતીય નાવિકો સતત મિસાઈલ, ડ્રોન હુમલા, સાઈબર જોખમો અને સુરક્ષા પ્રતિબંધો વચ્ચે કામ કરી રહ્યા છે, જેથી તેમના માનસિક તણાવ અને ભયમાં વધારો થયો છે.
ઈરાનની સરકારી સમાચાર એજન્સી મુજબ મધ્ય-પૂર્વમાં લેબેનોનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ સહિત દરેક મોરચા પર યુદ્ધનો અંત લાવવા અને તેના જહાજોના સુરક્ષિત પરિવહન માટે અમેરિકાએ આપેલા ૧૪ મુદ્દાના પ્રસ્તાવનો જવાબ પાકિસ્તાન મારફત આપી દેવાયો છે. આ સાથે મધ્ય-પૂર્વમાં યુદ્ધ શરૂ થયા બાદથી ક્યાંય જાહેરમાં નહીં દેખાયેલા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ સાથે ઈરાનના સશસ્ત્ર બળોની યુનિફાઈડ કમાન્ડના પ્રમુખ અલી અબ્દોલ્લાહીએ બેઠક કરી હતી અને ખાડી ક્ષેત્રમાં સુરક્ષાની સ્થિતિ, સૈન્ય તૈયારીઓ અને વર્તમાન તણાવ પર વિસ્તારથી ચર્ચા કરી હતી. ત્યાર પછી ઈરાની સેનાને નવા રણનીતિક નિર્દેશો અપાયા છે.

 

 

(6:33 PM IST)