<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

અમેરિકામાં ભારતીય આઈટી (IT) કંપનીઓ પર મોટું સંકટ તોળાયું: H1-B વિઝા મામલે તપાસનો ગાળિયો કસાયો: લાખો ભારતીય ટેક પ્રોફેશનલ્સના શ્વાસ અધ્ધર

વિઝા નિયમોના ઉલ્લંઘન અને કથિત ગેરરીતિઓની આશંકાએ અમેરિકી તંત્રની લાલ આંખ:ભારતની દિગ્ગજ આઈટી કંપનીઓ રડાર પર આવતા કોર્પોરેટ જગત અને અમેરિકા જવાનું સપનું જોતા યુવાનોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:અમેરિકામાં જઈને નોકરી કરવાનું સપનું જોતા લાખો ભારતીય યુવાનો અને દેશની દિગ્ગજ આઈટી (IT) કંપનીઓ માટે એક અત્યંત ચિંતાજનક અને સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. H1-B વિઝા પ્રક્રિયામાં કથિત અનિયમિતતા અને નિયમોના ઉલ્લંઘન મામલે હવે ભારતીય આઈટી કંપનીઓ પર તપાસનો ગાળિયો મજબૂત રીતે કસવામાં આવ્યો છે. અમેરિકી વહીવટીતંત્ર અને તપાસ એજન્સીઓ દ્વારા વિઝા ફાળવણી, કર્મચારીઓના પગાર ધોરણ અને લોટરી સિસ્ટમની પારદર્શિતા અંગે કડક તપાસ શરૂ કરવામાં આવતા સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રીમાં ભારે ખળભળાટ અને ફફડાટ મચી ગયો છે.

અમેરિકાના લેબર ડિપાર્ટમેન્ટના ઇન્સ્પેક્ટર જનરલ એન્થની ડી'એસ્પોઝિટોએ ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, H-1B વિઝા કામચલાઉ વ્યવસ્થા છે. અમેરિકામાં તે જ કામ કરવા સક્ષમ અને તૈયાર કર્મચારી ઉપલબ્ધ ન હોય ત્યારે જ કંપનીઓએ વિદેશી કર્મચારીઓને આવા વિઝા પર નોકરી આપવી જોઈએ. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે વિઝા વ્યવસ્થાને બિઝનેસ મોડલ બનાવી શકાય નહીં.
આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે ઓક્ટોબરમાં ટ્રમ્પ વહીવટીતંત્રે માઇક્રોસોફ્ટ, એડોબી અને છ મોટી આઈટી આઉટસોસગ કંપનીઓને પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન કાર્યક્રમમાંથી સસ્પેન્ડ કરી હતી. આ લિસ્ટમાં ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો, એચસીએલ, કોગ્નિઝન્ટ અને કેપજેમિનીનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીથી આ કંપનીઓ દ્વારા વિદેશી કર્મચારીઓ માટે ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયા અટકી છે.
અમેરિકી અધિકારીઓનો આરોપ છે કે કેટલીક કંપનીઓ વિદેશી કર્મચારીઓને ઓછા પગારે નોકરી પર રાખીને અમેરિકાના સ્થાનિકોની જગ્યા લઈ રહી છે.
ડી'એસ્પોઝિટોએ સંકેત આપ્યો છે કે તપાસ આગળ વધતાં અન્ય કંપનીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સામે પણ આવી કાર્યવાહી થઈ શકે છે. તેમની ઓફિસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની વ્હાઇટ હાઉસ ફ્રોડ ટાસ્ક ફોર્સ સાથે મળીને કામ કરી રહી છે.

(5:02 PM IST)