તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
અંતરિક્ષમાંથી ઝળહળતું ભારત: NASAએ જાહેર કરી પૃથ્વીની લેટેસ્ટ તસવીરો:દુનિયાના સૌથી તેજસ્વી વિસ્તારોમાં ઉત્તર ભારત અને બિહાર મોખરે
વિકાસની નવી રોશની: ૨૦૧૪ થી ૨૦૨૨ વચ્ચે ભારતના પ્રકાશમાં ૩૪%નો અધધ વધારો: NASAના નાઈટ મેપમાં ગોલ્ડન શેડમાં ચમક્યું યુપી-બિહાર: ઈલેક્ટ્રિફિકેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની હરણફાળ જોઈ દુનિયા આશ્ચર્યચકિત

નવી દિલ્હી: અમેરિકી સ્પેસ એજન્સી NASAએ પૃથ્વીના રાત્રિના સમયના જે લેટેસ્ટ ફોટા અને મેપ જાહેર કર્યા છે, તેમાં ભારતે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. અંતરિક્ષમાંથી લેવાયેલી આ હાઈ-ટેક તસવીરોમાં પૃથ્વી પરના સૌથી વધુ ચમકતા (Brightest) વિસ્તારોમાં ભારતનો ઉત્તર-પૂર્વીય પટ્ટો, ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર ટોપ પર જોવા મળી રહ્યા છે. NASAના જણાવ્યા મુજબ, છેલ્લા એક દાયકામાં ભારતના નાઈટ લાઈટ્સમાં ધરખમ વધારો થયો છે.
આ તસવીરોમાં ઉત્તર ભારતનો વિશાળ વિસ્તાર સોનેરી અને સફેદ રોશનીથી ઝળહળતો દેખાય છે, જે આ વિસ્તારમાં થયેલા વીજળીકરણ, શહેરીકરણ અને ઉદ્યોગોના વિકાસની સાક્ષી પૂરે છે. જ્યારે યુરોપના કેટલાક દેશોમાં એનર્જી સેવિંગના કારણે રોશનીમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે ભારતના આ 'Unexpected Glow' એ વૈજ્ઞાનિકોને પણ વિચારતા કરી દીધા છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો વાયરલ થતા જ ભારતીયોમાં ગર્વની લાગણી જોવા મળી રહી છે. લોકો કહી રહ્યા છે કે, આ માત્ર રોશની નથી પણ નૂતન ભારતની વિકાસગાથાનો જીવંત પુરાવો છે.
NASAએ તાજેતરમાં 2014 અને 2022 વચ્ચે પૃથ્વી પર રાત્રિના સમયે પ્રકાશમાં થયેલા ફેરફારો દર્શાવતો વૈશ્વિક નકશો બહાર પાડ્યો છે. આ નકશો લાખો સેટેલાઈટ્સ તસવીરોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. તેને બનાવવા માટે વૈજ્ઞાનિકોએ વિશ્વના વિવિધ ભાગોમાં રાત્રિના સમયે પ્રકાશ કેવી રીતે વિકસિત થયો છે તે સમજવા માટે આશરે 16 લાખ તસવીરનું વિશ્લેષણ કર્યું હતુ. આ ડેટા ખાસ કરીને શહેરો, ગામડાઓ અને ઔદ્યોગિક ક્ષેત્રોની ચમક પ્રદર્શિત કરે છે.
આ તસવીર બનાવવા માટે વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારના યંત્રનો ઉપયોગ કર્યો છે, જેને VIIRS(વિઝિબલ ઇન્ફ્રારેડ ઇમેજિંગ રેડિયો મીટર સ્યુટ) કહેવામાં આવે છે. VIIRS એ દરેક રાત્રે ધરતીની તસવીર લે છે, તે નાની-નાની લાઈટ્સને પણ પકડી પાડે છે. આ તસવીરને એક નવા એલ્ગોરિથમની મદદથી જોડવામાં આવી છે અને પછી નક્કી કરવામાં આવ્યું હતું કે કયા વિસ્તારોમાં લાઇટિંગ વધી રહી છે અને ક્યાં ઘટી રહી છે.
NASAએ શેર કરેલી અદભૂત તસવીરોમાં ભારત જ નહીં, પરંતુ આખી દુનિયાની તસવીર સામે આવી છે. જેમાં ચીન, મધ્ય પૂર્વ અને સેન્ટ્રલ અમેરિકાના અનેક વિસ્તારોમાં ચમકદાર નજારો જોવા મળે છે. જ્યારે યુરોપના કેટલાક વિસ્તારોમાં લાઈટ્સ ઓછી થતી જોવા મળે છે. અમેરિકાના પણ અલગ-અલગ વિસ્તારોમાં વિવિધ તસવીર દેખાઈ, જેમાં કેટલીક જગ્યાએ અત્યંત વધુ ચમક તો ક્યાંક લાઈટ્સ ઓછી જોવા મળી હતી.
રાત્રિના સમયે જોવા મળતી લાઈટ્સ વાળા વિસ્તારોમાં વિસ્તારોમાં સામાન્ય રીતે ઉદ્યોગો, રસ્તાઓ, બજારો અને શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ હોય છે. પ્રકાશનું સ્તર વધતું જવું એ ઉચ્ચ વસ્તી ગીચતા અથવા વીજળીના વપરાશમાં ઝડપી વધારો પણ સૂચવી શકે છે. પરિણામે વૈજ્ઞાનિકો આ ડેટાનો ખૂબ સાવધાની સાથે ઉપયોગ કરે છે, તેનું વિશ્લેષણ અન્ય આંકડાકીય સૂચકાંકો સાથે કરે છે.
(5:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
