તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
પેરાગ્વેમાં 'ઉએનો બૅન્ક' કૌભાંડ બાદ રાતોરાત મહાભિયોગ: રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પદભ્રષ્ટ: ઘરમાં જ નજરકેદ
૩૦ લાખ લોકોની બચત ફસાતાં ભડકે બળ્યો જનઆક્રોશ: ૪૪-૦થી સત્તા છીનવાતા શાસકોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી: દક્ષિણ અમેરિકન દેશ પેરાગ્વેમાં ખાનગી 'ઉએનો બૅન્ક' અચાનક ડૂબી જતાં ૩૦ લાખ લોકોના પૈસા અટવાઈ જતાં આખો દેશ રોડ પર ઊતરી આવ્યો છે. રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પર સત્તાનો દુરુપયોગ કરી પેન્શન ફંડના નાણાં ખાનગી બૅન્કમાં ડાયવર્ટ કરવાનો આરોપ લાગતાં સેનેટે ૪૪-૦થી સર્વાનુમતે મહાભિયોગ મંજૂર કરી તેમને પદભ્રષ્ટ કર્યા છે. સત્તા છીનવાતાની સાથે જ પોલીસે ગણતરીના કલાકોમાં તેમને ઘરમાં નજરકેદ કરી ધરપકડનું વોરંટ જારી કરી દેતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભયાનક સનસનાટી મચી ગઈ છે.
પેરાગ્વેમાં 'ઉએનો બૅન્ક' (Ueno Bank) નામની એક ખાનગી ડિજિટલ બૅન્ક અચાનક ડૂબી ગઈ, જેના કારણે આશરે 30 લાખ સામાન્ય લોકોના પૈસા અને ખાતાઓ બ્લોક થઈ ગયા. તપાસમાં બહાર આવ્યું કે તત્કાલીન રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પહેલાં આ જ બૅન્કમાં શેરહોલ્ડર હતા અને તેમણે પોતાના પદનો દુરુપયોગ કરીને બૅન્કના જ એક પૂર્વ અધિકારીને બૅન્કિંગ રેગ્યુલેટર (સેન્ટ્રલ બૅન્ક)ના વડા બનાવી દીધા હતા. આટલું જ નહીં, કાયદાકીય મર્યાદા બહાર જઈને સરકારી પેન્શન ફંડના 35.5 કરોડ ડૉલર પણ નિયમો નેવે મૂકીને આ ખાનગી બૅન્કમાં જમા કરાવી દીધા હતા. જ્યારે બૅન્કનું સંકટ ઘેરું બન્યું અને લોકો રસ્તા પર આવ્યા, ત્યારે રાષ્ટ્રપતિએ કાનૂની રક્ષણ મેળવવા રાજીનામાનો દાવ ખેલ્યો; પરંતુ સેનેટે રાજીનામું ફગાવી 44-0થી મહાભિયોગ ચલાવી તેમને સત્તા પરથી હટાવી દીધા, તેમની આજીવન ઈમ્યુનિટી રદ કરી અને તેમને ઘરમાં નજરકેદ કર્યા, જ્યારે ઉપરાષ્ટ્રપતિ પેડ્રો અલિયાનાએ દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.
ઉએનો બૅન્ક સંકટ બાદ ઊભા થયેલા વિરોધ વચાળે પેરાગ્વેની સેનેટમાં પેના વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ 44 સેનેટરોએ તેમના વિરોધમાં અને પદ પરથી હટાવવાની તરફેણમાં એકમતથી મતદાન કર્યું હતું. જોકે, સેન્ટિયાગો પેનાએ પોતાનો બચાવ તૈયાર કરવા માટે વધારાના સમયની માગણી કરી હતી અને એવી દલીલ કરી હતી કે તેમને મહાભિયોગના આરોપોનું દસ્તાવેજ ગુરુવારે મોડી રાત્રે જ મળ્યું હતું. સેનેટે તેમની આ દલીલ ફગાવી દીધી હતી અને નોંધ્યું હતું કે પેના પોતે બચાવ રજૂ કરવા માટે નિર્ધારિત સમયે હાજર રહ્યા નહોતા. ત્યારબાદ સેનેટે સીધા પુરાવાઓની સમીક્ષા શરૂ કરી દીધી હતી. જોકે કાર્યવાહીના અંતિમ તબક્કામાં તેમના બચાવ પક્ષના વકીલો કોંગ્રેસમાં પહોંચ્યા હતા, પણ ત્યાં સુધીમાં નિર્ણય લેવાઈ ચૂક્યો હતો.
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
