તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
અમેરિકામાં ફેક યુનિવર્સિટીની ભયાનક જાળમાં ફસાયા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ: હવે કોર્ટે પણ આપ્યો સૌથી મોટો ઝટકો
ઉજ્જવળ ભવિષ્યના સપના સાથે વિદેશ ગયેલા વિદ્યાર્થીઓના વિઝા અને કારકિર્દી પર તલવાર લટકતાં પરિવારજનોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્યના સપના લઈને અમેરિકા ગયેલા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ પર અચાનક આભ તૂટી પડ્યું હોય તેવા અત્યંત સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. અમેરિકામાં ચાલતી એક નકલી એટલે કે 'ફેક યુનિવર્સિટી' ની ભયાનક જાળમાં ફસાઈ ગયેલા ભારતીય વિદ્યાર્થીઓને હવે અમેરિકી કોર્ટ તરફથી પણ મોટો અને કમરતોડ ઝટકો લાગ્યો છે. કોર્ટે આ મામલે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની રાહત આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દેતા તેમના માથે ડિપોર્ટેશન એટલે કે દેશનિકાલની ભયાનક તલવાર લટકી રહી છે.
5 ભારતીય વિદ્યાર્થીઓએ કોર્ટ સમક્ષ એવી દલીલ કરી હતી કે, તેમણે 'યુનિવર્સિટી ઓફ ફાર્મિંગ્ટન'ને એક અસલી અને માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થા માનીને તેમાં પ્રવેશ મેળવ્યો હતો અને લાખો રૂપિયાની ટ્યુશન ફી ચૂકવી હતી. પરંતુ પાછળથી ખબર પડી કે આ યુનિવર્સિટી કોઈ શૈક્ષણિક સંસ્થા નહીં, પરંતુ અમેરિકી સરકાર દ્વારા વિઝા ફ્રોડ પકડવા માટે બિછાવવામાં આવેલી એક જાળ હતી. આથી, વિદ્યાર્થીઓએ પોતાની મહેનતની કમાણી એટલે કે ટ્યુશન ફી પરત અપાવવાની માગ કરી હતી.
જોકે, કોર્ટે આ દલીલને નકારી કાઢતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આ યુનિવર્સિટીમાં પ્રવેશ લેનારા દરેક વિદ્યાર્થીને નિર્દોષ પીડિત માની શકાય નહીં. કોર્ટના અવલોકન મુજબ, ઘણા વિદ્યાર્થીઓને એ વાતની સ્પષ્ટ જાણ હતી કે આ સંસ્થા માત્ર અમેરિકન સ્ટુડન્ટ વિઝા પર ગેરકાયદે રીતે દેશમાં રોકાઈ રહેવા માટેનું એક નકલી માધ્યમ છે.
સામાન્ય રીતે અમેરિકામાં એવા અનેક વિદેશી વિદ્યાર્થીઓ હોય છે, જેમનું વર્ક ઓથોરાઈઝેશન પૂર્ણ થવાના આરે હોય છે. અમેરિકામાં પોતાનું રોકાણ લંબાવવા માટે આવા વિદ્યાર્થીઓ કોઈ પણ માસ્ટર્સ કોર્સમાં પ્રવેશ લઈ લેતા હોય છે, જેથી તેમને વધુ બે વર્ષ માટે સ્ટુડન્ટ વિઝા મળી રહે. આ સમગ્ર પ્રકરણ પણ આ જ પ્રકારની 'પે-ટુ-સ્ટે' (પૈસા ચૂકવો અને અમેરિકામાં રહો) વ્યવસ્થા સાથે જોડાયેલું છે.
યુએસ કોર્ટ ઓફ ફેડરલ ક્લેમ્સના ન્યાયાધીશે ચુકાદો આપતા નોંધ્યું કે, આ મામલો 'ક્લાસ-એક્શન' (સામૂહિક) સુનાવણી માટે બિલકુલ યોગ્ય નથી. ન્યાયાધીશના મતે, આ કેસમાં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે યુનિવર્સિટીમાં અરજી કરતી વખતે, પ્રવેશ મેળવતી વખતે અને ફી ચૂકવતી વખતે દરેક વિદ્યાર્થીને આ નકલી વ્યવસ્થાની જાણ હતી કે નહીં?
જજે વધુમાં જણાવ્યું કે, જો તમામ વિદ્યાર્થીઓને એક જ સામૂહિક સુનાવણી હેઠળ લાવવામાં આવે, તો નિર્દોષ અને દોષિત બંને પ્રકારના વિદ્યાર્થીઓ એક જ હરોળમાં આવી જશે. આમ કરવાથી જે લોકોએ જાણીજોઈને કાયદાનો ભંગ કર્યો છે તેમને પણ ખોટો ફાયદો મળશે, જ્યારે ખરેખર નિર્દોષ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થશે. કોર્ટ માટે અજાણતા ફસાયેલા વિદ્યાર્થીઓને અને જાણીજોઈને વિઝા ફ્રોડમાં સામેલ થયેલા વિદ્યાર્થીઓને એકસાથે અલગ તારવવા અશક્ય છે.
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
