તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
લાલ સમુદ્રમાં માનવ તસ્કરીનું મોતનું તાંડવ: જિબૂતીથી યમન જતી કાળમુખી બોટ પલટી જતાં 15 માસૂમ બાળકો સહિત 139 શરણાર્થીઓ ડૂબી ગયા
ક્ષમતા કરતાં વધુ શરણાર્થીઓને મધ્યદરિયે ધકેલી દેતાં સર્જાયી ભયાનક હોનારત: આફ્રિકન શરણાર્થીઓની કારમી ચીસાચીસ વચ્ચે જળસમાધિ થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે અરેરાટી

નવી દિલ્હી:આફ્રિકાના જિબૂતી દેશમાંથી લાલ સમુદ્ર માર્ગે યમન તરફ જઈ રહેલી શરણાર્થીઓની એક કાળમુખી બોટ મધ્યદરિયે રાક્ષસી મોજાંઓમાં પલટી જતાં ૧૫ માસૂમ બાળકો સહિત ૧૩૯ જેટલા અભાગી શરણાર્થીઓ દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે હડકંપ મચી ગયો છે. ક્ષમતા કરતાં અનેક ગણા વધુ લોકોને ખીચોખીચ ભરીને ગેરકાયદેસર રીતે ઘૂસાડવાના કાળા કારસ્તાનમાં કાળી મંજિલ સુધી પહોંચે તે પહેલાં જ બોટ ઊંધી વળી ગઈ હતી. અંધારામાં અને ઊંડા પાણીમાં મદદ માટે કારમી ચીસાચીસ પાડતા બાળકો અને મહિલાઓ જોતજોતામાં જળસમાધિ લઈ લેતાં ચોંકાવનારી દ્રશ્યાવલી સર્જાઈ હતી. આ હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દેનારી હોનારત બાદ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં કિંમતી જિંદગીઓ હોમાઈ જતાં માનવ તસ્કરીના કાળા કારોબાર સામે સમગ્ર વિશ્વમાં ભારે અરેરાટી સાથે ભારે આક્રોશ વ્યાપી ગયો છે.
IOMના અહેવાલ મુજબ, આ બોટમાં કુલ 305 લોકો સવાર હતા અને આ અકસ્માત 8 અને 9 ઓક્ટોબરની મધ્યરાત્રિએ થયો હતો. ઘટના બની તે બાદ ચલાવવામાં આવેલા બચાવ અભિયાનમાં અત્યાર સુધીમાં આશરે 82 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી લેવાયા છે, જ્યારે 84 જેટલા લોકો હજુ પણ લાપતા છે. સ્થાનિક સત્તાધીશો અને રાહત ટીમો દ્વારા દરિયામાં લાપતા લોકોની શોધખોળ માટે સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
જિબૂતીમાં IOMના મિશન ચીફ એલેક્ઝાન્ડ્રે કોઇસેકે જણાવ્યું હતું કે, અમારી ટીમો સ્થાનિક સત્તાધીશો સાથે મળીને ગ્રાઉન્ડ લેવલ પર ઈમરજન્સી મદદ પૂરી પાડી રહી છે. આ અકસ્માત દર્શાવે છે કે આર્થિક તકો અને સારા ભવિષ્યની શોધમાં આ રૂટ પરથી પસાર થતાં માઇગ્રન્ટ્સને કેટલું મોટું જોખમ ઉઠાવવું પડે છે. સ્થાનિક સત્તાધીશો જીવિત બચેલા લોકોને તબીબી સારવાર પૂરી પાડી રહ્યા છે અને મૃતકોના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, આ તમામ માઇગ્રન્ટ્સ જિબૂતીથી બોટ મારફતે યમન તરફ જઈ રહ્યા હતા, જેથી તેઓ ત્યાંથી સમૃદ્ધ ગલ્ફ (ખાડી) દેશો સુધી પહોંચી શકે. એકતરફ ખુદ યમનના નાગરિકો પોતાનો દેશ છોડીને ભાગી રહ્યા છે, કારણ કે વર્ષ 2022ના યુએન-મધ્યસ્થતા વાળા યુદ્ધવિરામ બાદ પણ ત્યાં સાઉદી અરેબિયા સમર્થિત સરકારી દળો અને ઈરાન સમર્થિત હૂથી બળવાખોરો વચ્ચેની લડાઈ અત્યંત ગંભીર સ્તરે પહોંચી ગઈ છે. છતાં પણ અન્ય દેશોના લોકો સારો રોજગાર મેળવવાની આશામાં પોતાના જીવના જોખમે આ ક્રોસિંગ કરી રહ્યા છે.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
