<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

ઓડિશાના બારીપદામાં કરોડો વર્ષ જૂના મહાકાય અશ્મિઓ મળતા ખળભળાટ:રહસ્ય પરથી પરદો ઊંચકાયો: ૧.૫ કરોડ વર્ષ જૂનાં તોતિંગ હાડકાંને સ્થાનીક લોકો 'અસુરોના અવશેષ' ગણાવતા ભારે કૌતુક

પુરાતત્વવિદોના મતે આ પૌરાણિક દૈત્ય નહીં પરંતુ લુપ્ત થઈ ગયેલા તોતિંગ પ્રાગૈતિહાસિક જીવોના અશ્મિઓ (Fossils) હોવાનો વૈજ્ઞાનિક દાવો: જમીનમાંથી નીકળેલા તોતિંગ માળખાને જોવા લોકોની ભારે ભીડ

નવી દિલ્હી: ભારતની પવિત્ર અને ઐતિહાસિક ધરતીના પેટાળમાંથી અવારનવાર એવા રહસ્યો બહાર આવે છે જે માનવ સભ્યતાને વિચારવા પર મજબૂર કરી દે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ઓડિશાના બારીપદા પંથકમાંથી સામે આવ્યો છે. મળતી બિલકુલ પાકી વૈજ્ઞાનિક અને પુરાતત્વીય વિગતો મુજબ, અહીં ચાલી રહેલા ઉત્ખનન (ખોદકામ) દરમિયાન આશરે ૧.૫ કરોડ વર્ષ જૂના અત્યંત વિશાળકાય હાડકાં મળી આવ્યા છે. આ હાડકાંનું કદ એટલું અસામાન્ય અને મોટું છે કે સ્થાનિક ગ્રામજનો તેને સતયુગ કે ત્રેતાયુગના 'અસુરો અથવા દૈત્યોના હાડકાં' માનીને પૂજા-અર્ચના અને કૌતુક કરી રહ્યા છે. જો કે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) અને ભૂસ્તરશાસ્ત્રીઓના મતે આ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. કરોડો વર્ષ પહેલાં જ્યારે પૃથ્વી પર મનુષ્યોનું અસ્તિત્વ ન હતું, ત્યારે મયુરભંજ અને બારીપદાનો આ આખો વિસ્તાર દરિયાની અંદર અથવા ઘનઘોર જંગલોથી ઘેરાયેલો હતો, જ્યાં રાક્ષસી કદના સસ્તન પ્રાણીઓ (Mammals) કે દરિયાઈ જીવો વસવાટ કરતા હતા. આ હાડકાં એ જ લુપ્ત જીવોના જીવાશ્મિ (Fossils) હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ અવશેષોને વધુ લેબ ટેસ્ટિંગ અને કાર્બન ડેટિંગ માટે મોકલવામાં આવ્યા હોવાનું અકિલના નેશનલ સાયન્સ એન્ડ આર્કિયોલોજી ડેસ્ક રિપોર્ટમાં જણાવાયું છે.

આ મહત્ત્વપૂર્ણ શોધ મયૂરભંજ જિલ્લાના બારીપદામાં થઈ છે. આ સંશોધન દર્શાવે છે કે એક સમયે આજના મયૂરભંજના મોટા ભાગના વિસ્તાર પર એક વિશાળ અને છીછરો સમુદ્ર ફેલાયેલો હતો. સંશોધકોના મતે, આ ફોસિલ આશરે 1.5 કરોડ વર્ષ પહેલાંના ‘માયોસીન યુગ’ દરમિયાન અહીં વિકસેલી સમૃદ્ધ દરિયાઈ જીવસૃષ્ટિના પાકા પુરાવા પૂરા પાડે છે.

આ ફોસિલ બારીપદાના પ્રખ્યાત 'ફોસિલ બેડ'માંથી મળી આવ્યા છે, જે કુલિયાણા બ્લોકના ડેરા ગામથી લઈને બડાસાહી બ્લોકના પ્રતાપપુર સુધી વિસ્તરેલો છે. મહારાજા શ્રીરામ ચંદ્ર ભંજા દેવ (MSCB) યુનિવર્સિટીના GIS વિભાગના સંશોધક અને પ્રોફેસર ડૉ. દેવવ્રત નંદીએ જણાવ્યું કે, આ શોધ અચાનક જ વિદ્યાર્થીઓ સાથેની એક ફિલ્ડ વિઝિટ દરમિયાન થઈ હતી.

ડૉ. નંદીએ વિગતો આપતા કહ્યું, “હું જ્યારે વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસે લઈ ગયો હતો, ત્યારે મારું ધ્યાન ફોસિલ જેવા કેટલાક અવશેષો પર ગયું. અમે જ્યારે સ્થાનિક ગ્રામજનોને આ અંગે પૂછ્યું, ત્યારે તેમણે આશ્ચર્યજનક રીતે આને અસુરોના હાડકાં કહ્યા. ત્યારબાદ અમારી ટીમે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી તો ત્યાંથી શાર્કના દાંત અને શાર્કની કરોડરજ્જુ જેવા અનેક માઇક્રોફોસિલ્સ મળી આવ્યા. આ સિવાય કેટલાક એવા અવશેષો પણ મળ્યા છે, જેની વૈજ્ઞાનિક ઓળખ મેળવવાની પ્રક્રિયા હજુ ચાલુ છે.”

(5:38 PM IST)