<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

ઈરાનની ધરતી પર ભારતની પ્રચંડ કૂટનીતિક જીત:૧૦ મહિના બાદ ભારતીય નાવિકો જેલમુક્ત: વિદેશ મંત્રાલયના સચોટ પ્રયાસોથી ૧૦ નાવિકોની વતન વાપસીનો માર્ગ મોકળો

પરિવારજનોમાં ભારે ખુશીની લહેર અને આંખમાં હર્ષના આંસુ: દરિયાઈ સરહદ ઉલ્લંઘનના કેસમાં ફસાયેલા માતૃભૂમિના લાલ હવે ટૂંક સમયમાં ભારતની ધરતી પર પગ મૂકશે

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે ભારતની મજબૂત કૂટનીતિ અને વિદેશ નીતિનો વધુ એક ડંકો વાગ્યો છે. પશ્ચિમ એશિયાના તણાવપૂર્ણ માહોલ વચ્ચે ઈરાનની જેલમાં પાછલા ૧૦ મહિનાથી બંધ એવા ૧૦ ભારતીય નાવિકોને મુક્ત કરાવવામાં ભારત સરકારને મોટી અને અભૂતપૂર્વ સફળતા મળી છે. તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ હવે આ નાવિકો પોતાના વતન ભારત પરત ફરવા માટે એકદમ તૈયાર છે.
જહાજ ટ્રેક કરતી વેબસાઇટ્સના રિપોર્ટ મુજબ, આ ઓઇલ ટેન્કર પલાઉ દેશના ધ્વજ સાથે ક્રૂડ ઓઇલ અને અન્ય પેટ્રોલિયમ વસ્તુઓ લઈને જઈ રહ્યું હતું. ભારત અને ઈરાન વચ્ચે વર્ષો જૂના રાજદ્વારી અને ઊર્જા સંબંધો છે, પરંતુ ઈરાનની સેના ખાડી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઈંધણ લઈ જતા જહાજોને અવારનવાર પકડી લેતી હોય છે. આ સંવેદનશીલ બાબતમાં ભારતે જાહેરમાં કોઈ બિનજરૂરી નિવેદનો આપવાને બદલે શાંત વ્યૂહનીતિ અને મજબૂત કૂટનીતિ વાપરીને ઈરાન સરકાર સાથે સતત વાતચીત ચાલુ રાખી હતી, જેના કારણે જ આ નાવિકોની મુક્તિ શક્ય બની છે.
અત્યારે ઈરાને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' દરિયાઈ માર્ગ પરથી પસાર થતા જહાજો પર કડક નિયંત્રણો અને પાબંદીઓ લગાવી દીધી છે. આ એ જ વ્યૂહાત્મક દરિયાઈ રસ્તો છે, જ્યાંથી આખી દુનિયાના કુલ વપરાશનો અંદાજે 5મો ભાગ (20%) ક્રૂડ ઓઇલ અને એલએનજી સપ્લાય થાય છે. 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા શરૂ કરાયેલા હુમલા બાદ ઈરાને આ દરિયાઈ માર્ગ પર પોતાની સખ્તાઈ વધારી દીધી છે.
દુનિયામાં ક્રૂડ ઓઇલ ખરીદવામાં ભારત ત્રીજા ક્રમે આવે છે. ભારત પોતાની જરૂરિયાતનું અંદાજે અડધું ક્રૂડ ઓઇલ આ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'ના દરિયાઈ માર્ગેથી જ આયાત કરે છે. વિશ્વના મર્ચન્ટ નેવી વર્કફોર્સમાં ભારતીય નાવિકોની સંખ્યા ઘણી મોટી છે અને હજારો ભારતીયો ખાડી વિસ્તારના આ દરિયાઈ રસ્તાઓ પર રાત-દિવસ કામ કરે છે. ભારતનો સત્તાવાર સ્ટેન્ડ પણ એ જ રહ્યો છે કે મિડલ ઈસ્ટમાં વહેલી તકે શાંતિ સ્થપાય અને હોર્મુઝ દરિયાઈ માર્ગેથી કોઈ પણ અડચણ વગર વૈશ્વિક વ્યાપાર ચાલતો રહે.

 

(5:51 PM IST)