<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

મધ્ય પૂર્વમાં ભારે યુદ્ધના ભયાનક એંધાણ: ઇરાને કુવૈતના વોટર પ્લાન્ટ અને એમેઝોનના ડેટા સેન્ટર પર કર્યો ભીષણ હુમલો

વૈશ્વિક સપ્લાય ચેઈન અને ઈન્ટરનેટ સેવાઓ ઠપ થવાની ભીતિ: ખાડી દેશોમાં ભારે તંગદિલી વચ્ચે વૈશ્વિક સ્તરે ચિંતાનું મોજું

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઇરાને અત્યંત આક્રમક વલણ અપનાવીને કુવૈતના અતિ મહત્વના વોટર ડિસેલિનેશન પ્લાન્ટ તેમજ દિગ્ગજ ટેકનોલોજી કંપની એમેઝોનના ડેટા સેન્ટરને નિશાન બનાવી ભીષણ હુમલો કર્યો છે; આ સાયબર અને મિસાઈલ હુમલાને કારણે સમગ્ર વિસ્તારમાં પીવાના પાણી પુરવઠા પર ગંભીર અસર પડવાની સાથે એમેઝોનના ડેટા સેન્ટરને નુકસાન પહોંચતાં વૈશ્વિક ક્લાઉડ નેટવર્ક અને ઈન્ટરનેટ સેવાઓ ખોરવાઈ જવાની ભીતિ સર્જાઈ છે, મહત્વપૂર્ણ નાગરિક સુવિધાઓ અને આંતરરાષ્ટ્રીય આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થયેલા આ સીધા પ્રહાર બાદ ખાડી દેશોમાં ભારે અફરાતફરી અને યુદ્ધનો ભય વ્યાપી ગયો છે, આ ઘટનાને પગલે આંતરરાષ્ટ્રીય સમુદાય અને વૈશ્વિક બજારોમાં ભારે સળવળાટ જોવા મળી રહ્યો છે.

કુવૈતના વીજળી, પાણી અને રીન્યુએબલ એનર્જી મંત્રાલયે જણાવ્યું હતું કે સોમવારે ઇરાને સળંગ ચોથા દિવસે આ પ્લાન્ટને નિશાન બનાવ્યા. હુમલાના લીધે કેટલાય સ્થળોએ આગ લાગી અને પ્લાન્ટને નુકસાન થયું. મંત્રાલયે જણાવ્યું હતું કે પ્લાન્ટના નુકસાન પામેલા હિસ્સાનું રિપેરિંગ શરૂ કરી દેવાયું છે. કુવૈતમાં પીવાના પાણીનો મોટો હિસ્સો સમુદ્રના પાણીને સાફ કરીને પૂરો પડાય છે. દેશની લગભગ ૯૦ ટકા પીવાના પાણીની જરૂરિયાત ડિસેલિનેશન પ્લાન્ટથી પૂરી થાય છે. તેથી આ પ્લાન્ટ પર હુમલાને અત્યંત ગંભીર માનવામાં આવે છે.
ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઇઆરજીસી)એ દાવો કર્યો છે કે તેણે બહેરીનમાં એમેઝોનના એક મોટા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ પર ક્રુઝ મિસાઇલો વડે હુમલો કર્યો છે. કોઈપણ કંપનીના ડેટા સેન્ટર પર હુમલો થાય છે ત્યારે ફક્ત તેનું જ નુકસાન થતું નથી, પરંતુ તે કંપનીઓ પર પણ અસર પડે છે જે એડબલ્યુએસની સર્વિસનો ઉપયોગ કરી રહી છે.
તેના પહેલા પણ અમેરિકા અને ઇઝરાયેલે ઇરાન પર હુમલો કર્યો હતો ત્યારે વળતી કાર્યવાહી કરતાં ઇરાને ઘણી અમેરિકન ટેકનોલોજી કંપનીઓને નિશાન બનાવી હતી. આ હુમલા અંગે બહરીન સરકાર, અમેરિકા અને એમેઝોન તરફથી કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી. આઇઆરજીસી મુજબ તેની એરોસ્પેસ ફોર્સે બહરીનમાં એમેઝોનના સેન્ટ્રલ ડેટા ઇન્ફ્રાસ્ટ્રકચરને નિશાન બનાવ્યું. ઇરાનનો દાવો છે કે આ હુમલામાં ડેટા સેન્ટરને નુકસાન પહોંચ્યું છે. ઇરાને તેની સાથે બહેરીનના મુહર્રક અને રિફા વિસ્તારમાં અમેરિકાની એર ડિફેન્સ અને રડારને પણ નિશાન બનાવવાની વાત કરી છે. બહેરીન એમેઝોન વેબ સર્વિસ માટે મહત્ત્વનું સ્થળ છે. તેથી જો ઇરાનનો દાવો સાચો હોય તો તેને જબરદસ્ત નુકસાન થયું કહી શકાય.

(6:02 PM IST)