<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

હુથી બળવાખોરોનો રિયાધ એરપોર્ટ પર ભયાનક મિસાઈલ હુમલો: આખું શહેર હચમચી ગયું: ૩ ક્રૂઝ મિસાઈલો આકાશમાં જ ફૂંકી માર્યાનો સાઉદીનો દાવો

મધ્યપૂર્વના આકાશમાં ફરી એકવાર મોતના ગોળા વરસતાં અફરાતફરી:ભીષણ હુમલાના અહેવાલોથી આખી દુનિયાના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:મધ્યપૂર્વમાં ચાલી રહેલા ભયાનક તણાવ વચ્ચે યમનના હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધના મુખ્ય એરપોર્ટને નિશાન બનાવીને અત્યંત સનસનાટીભર્યો મિસાઈલ હુમલો કરતા ભારે હાહાકાર મચી ગયો છે. આ ભીષણ હુમલાના ધડાકાથી આખું રિયાધ શહેર હચમચી ઊઠ્યું હતું અને એરપોર્ટ પર મુસાફરોમાં ભારે અફરાતફરી તેમજ જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી.

અગાઉ હુથી બળવાખોરો દ્વારા કરવામાં આવેલા સતત હુમલાઓને પગલે આ એરપોર્ટ થોડા દિવસો માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. થોડા દિવસો પહેલા જ ફરીથી શરૂ થયેલા આ એરપોર્ટના હાલમાં માત્ર ગણતરીના ટર્મિનલ જ કાર્યરત છે.

બીજી તરફ, હુથી સંગઠનના પ્રવક્તાએ જણાવ્યું કે, લાલ સમુદ્રના કિનારે વસેલા યાનબુ શહેરના બંદર પર આવેલા ઓઈલ પમ્પિંગ સ્ટેશનને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, તેમણે પવિત્ર મક્કા શહેર પર હુમલો કરવાના પ્રયાસ અંગેના સાઉદી અરેબિયાના દાવાને પાયાવિહોણો ગણાવીને ફગાવી દીધો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, સાઉદી અરેબિયા યુદ્ધની શરૂઆતથી જ આવા ખોટા દાવાઓ કરી રહ્યું છે.

આ તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે સાઉદી પ્રશાસને તાઈફ, યાનબુ અને ખામિસ મુશૈત શહેરો માટે જોખમનું એલર્ટ જાહેર કર્યું છે અને ત્યાં વસતા નાગરિકોને અત્યંત સાવચેતી રાખવા માટે સૂચના આપી છે.

સાઉદી અરેબિયાની સેનાએ દાવો કર્યો છે કે, તેમની એર ડિફેન્સ સિસ્ટમે સતત બીજા દિવસે હૂતી બળવાખોરો દ્વારા છોડવામાં આવેલી ત્રણ ક્રૂઝ મિસાઈલોને હવામાં જ તોડી પાડીને નિષ્ફળ બનાવી છે, જ્યારે સામે પક્ષે હુથી સંગઠને સાઉદીના અનેક મહત્વપૂર્ણ ઠેકાણાઓને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો છે.

 

(5:29 PM IST)