<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

બલ્ગેરિયામાં મોતનું ભયાનક તાંડવ: ગાઢ ધુમ્મસમાં ૫૦થી વધુ વાહનો ધડાકાભેર અથડાયા: ૧૧ લોકોના કરૂણ મોત ને ૫૦ ઘાયલ

હાઈવે પર વિઝિબિલિટી શૂન્ય થતાં જ વાહનોનો કૂચડો બોલી ગયો: કાળજું કંપાવતા દ્રશ્યો જોઈને આખી દુનિયાના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:બલ્ગેરિયાના વ્યસ્ત હાઈવે પર આજે વહેલી સવારે એક અત્યંત કાળજું કંપાવી દેનારી અને સનસનાટીભરી દુર્ઘટના સામે આવી છે. ભયાનક અને કાળમુખા ગાઢ ધુમ્મસના કારણે હાઈવે પર વિઝિબિલિટી તળિયે બેસી જતાં એકપછી એક ૫૦થી વધુ વાહનો વચ્ચે ગોઝારી ટક્કર સર્જાઈ હતી. પૂરઝડપે દોડતી કારો, બસો અને ટ્રકો એકબીજામાં ભયાનક રીતે ઘૂસી જતાં હાઈવે પર રીતસરનું મોતનું તાંડવ ખેલાયું હતું.

આ ભીષણ અકસ્માત રાજધાની સોફિયાને પૂર્વીય શહેર બર્ગાસ સાથે જોડતા મુખ્ય A1 હાઈવે પર બન્યો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થાનિક મીડિયામાં સામે આવેલા દ્રશ્યો અનુસાર હાઈવેની છ લેન પર કાર અને ટ્રકોના ઢગલા જોવા મળ્યા હતા. અનેક વાહનો ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા, કેટલાક વાહનો પલટી ખાઈ ગયા હતા અને અમુક રોડની સાઈડમાં નીચે ઉતરી ગયા હતા.

બલ્ગેરિયાના ગૃહ મંત્રાલયે આપેલી વિગતો અનુસાર અકસ્માતમાં ઘવાયેલા 50 લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહત અને બચાવ દળના જવાનો ઘટનાસ્થળે ઈજાગ્રસ્તોને મદદ પહોંચાડવા અને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે સતત કામે લાગ્યા હતા.

યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેનની બલ્ગેરિયા મુલાકાત દરમિયાન વડાપ્રધાન રુમેન રાદેવે એક નિવેદન જારી કરીને આ ઘટનાને મોટી માનવ ત્રાસદી ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ગંભીર રીતે ઘવાયેલા લોકોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવા માટે વિશેષ વિમાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાને જાતે ઘટનાસ્થળની મુલાકાત લેવાની યોજના પણ જાહેર કરી છે.

 

(5:21 PM IST)