તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
ગોઝારો અકસ્માત: ૧૧ વર્ષના અણસમજુ છોકરાએ તીર્થયાત્રીઓ પર બેફામ ટ્રક ચડાવી દીધી: ૮ ભિક્ષુકોના કચડાઈ જતાં કરૂણ મોત
ભારે વાહન પરથી કાબૂ ગુમાવતા સ્ટીયરિંગ સીધું રસ્તા કિનારે સૂતેલા અસહાય લોકો પર ફરી વળ્યું: ગોઝારી ઘટનાથી પંથકમાં અરેરાટી સાથે ભારે રોષ: માસૂમ બાળકના હાથમાં ટ્રક આપનાર માલિક સામે પોલીસનો સકંજો

નવી દિલ્હી : ડ્રાઇવિંગના નિયમોના ધજાગરા ઉડાવતી અને કાયદા પ્રત્યેની ઘોર બેદરકારી દર્શાવતી એક અત્યંત કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક ૧૧ વર્ષના સગીર બાળકે રોડ કિનારે આરામ કરી રહેલા તીર્થયાત્રીઓ અને ભિક્ષુકો પર આખી ટ્રક ફેરવી દીધી છે. આ ભયાનક અકસ્માતમાં ૮ જેટલા નિર્દોષ ભિક્ષુકોના ઘટનાસ્થળે જ કચડાઈ જવાથી કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થતાં વિસ્તારમાં ચીસાચીસ અને લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા.
અધિકારીઓની માહિતી મુજબ, મુકદહન પ્રાંતના ઉત્તર-પૂર્વ વિસ્તારમાંથી આશરે 35 બૌદ્ધ ભિક્ષુઓનો એક સંઘ ઉબોન રત્ચાથાની પ્રાંત તરફ 260 કિલોમીટર લાંબી ધાર્મિક પદયાત્રા માટે રવાના થયો હતો. જોકે, આ પ્રવાસ શરૂ થયાની માંડ 30 મિનિટ થઈ હશે ત્યાં જ એક બેકાબૂ બનેલા ટ્રકે આ આખા સમૂહને કચડી નાખ્યો હતો, જેના કારણે પદયાત્રામાં ભારે હોબાળો અને ચીસાચીસ મચી ગઈ હતી.
મુકદહનના ગવર્નરે અકસ્માતની વિગતો આપતા જણાવ્યું કે, આ ભયાનક ટક્કરમાં 5 ભિક્ષુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 3 ભિક્ષુઓએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ દુર્ઘટનામાં કુલ 14 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 4 ભિક્ષુઓની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. સ્થાનિક બચાવ સંગઠન દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ભિક્ષુઓ રોડની કિનારે એક લાઈનમાં શાંતિપૂર્વક ચાલી રહ્યા હતા, ત્યારે જ અચાનક એક પીકઅપ ટ્રક અનિયંત્રિત થઈને રોડથી નીચે ઉતરી ગયો અને સીધો આ સમૂહ સાથે અથડાયો હતો.
સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માત સર્જનાર 11 વર્ષના બાળકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. બાળ સંરક્ષણ અધિકારીઓની હાજરીમાં તેની કાયદેસરની પૂછપરછ કરવામાં આવશે. અકસ્માત નજરે જોનારા ભિક્ષુઓએ જણાવ્યું કે, આ પીકઅપ ટ્રક પહેલેથી જ રોડ પર બેકાબૂ થઈને લહેરાતો આવી રહ્યો હતો, જેના કારણે આ મોટી હોનારત સર્જાઈ હતી. હાલ પોલીસ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે અને સાથે જ એ પણ તપાસવામાં આવી રહ્યું છે કે આટલી નાની ઉંમરના બાળકને વાહન ચલાવવા કોણે આપ્યું અને અકસ્માત સમયે ગાડી તેની પાસે કેવી રીતે આવી.
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
