<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક પરમાણુ-શાંતિ ડીલ: મધ્ય પૂર્વમાં નવા યુગની શરૂઆત: વૈશ્વિક શાંતિ સ્થાપવાનો ક્રેડિટ લેવા પાકિસ્તાન કૂદી પડ્યું:વડાપ્રધાન શરીફના દાવાથી ડિપ્લોમેટિક વર્લ્ડ આશ્ચર્યચકિત

પોતાનો દેશ આર્થિક કટોકટીમાં હોવા છતાં ગ્લોબલ સ્ટેજ પર મધ્યસ્થી હોવાનો પાકિસ્તાનનો દાવો: વડાપ્રધાન ઇસ્લામાબાદના પડદા પાછળના રોલ અંગે આપેલા નિવેદનથી ભારે ચર્ચા

નવી દિલ્હી: વૈશ્વિક જિઓપોલિટિક્સના ઈતિહાસમાં સદીનો સૌથી મોટો સત્તાવાર શાંતિ કરાર અમેરિકા (US) અને ઈરાન (Iran) વચ્ચે સંપન્ન થતા સમગ્ર વિશ્વમાં શાંતિ અને આર્થિક રાહતની લહેર દોડી ગઈ છે. દાયકાઓ જૂની પરમાણુ દુશ્મનાવટ અને પ્રતિબંધોનો અંત આણતી આ ઐતિહાસિક ડીલ પર બંને દેશોના વડાઓએ હસ્તાક્ષર કર્યા છે. જોકે, આ આંતરરાષ્ટ્રીય મહાસંધિની સશાહી હજુ સુકાઈ નથી ત્યાં જ પાકિસ્તાન આ ડીલનો તમામ શ્રેય (Credit) લેવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ પર કૂદી પડ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે એક સત્તાવાર પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો છે કે વોશિંગ્ટન અને તેહરાનને વાટાઘાટોના ટેબલ પર લાવવામાં પાકિસ્તાની રાજદ્વારીઓએ પડદા પાછળ અત્યંત ગુપ્ત અને મહત્વપૂર્ણ મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાનના આ અણધાર્યા અને મસમોટા નિવેદનથી અમેરિકન વ્હાઇટ હાઉસ અને ઈરાનના ટોચના નેતાઓ પણ ચોંકી ઉઠ્યા છે અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં આ ક્રેડિટ વોર અંગે ભારે ચકચાર જાગી હોવાનું અકિલના ગ્લોબલ અફેર્સ ડેસ્ક રિપોર્ટમાં બહાર આવ્યું છે.
પાકિસ્તાનના વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, 'મને આ જાહેરાત કરતા ગર્વ થઈ રહ્યો છે કે આજે અમેરિકા અને  ઈરાન વચ્ચે ઐતિહાસિક MoU પર ડિજિટલ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર પર બંને દેશોના રાષ્ટ્રપ્રમુખોએ હસ્તાક્ષર કર્યા છે અને મધ્યસ્થ તરીકે મેં પણ મારી મંજૂરી આપી છે. બંને સરકારોના સર્વોચ્ચ સ્તરે આ કરાર થવો એ દર્શાવે છે કે બંને પક્ષો વિવાદને વાતચીત દ્વારા ઉકેલવા માટે કેટલા ગંભીર છે.'
પાકિસ્તાનના વડાપ્રધાને આગળ કહ્યું કે, આ MoU તાત્કાલિક અસરથી લાગુ થઈ જશે. આ કરારના પ્રથમ પગલા તરીકે ઈરાન તાત્કાલિક હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલી દેશે અને અમેરિકા પણ તાત્કાલિક તેની દરિયાઈ નાકાબંધી હટાવી લેશે. હું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું, જેમની વાતચીત અને શાંતિપૂર્ણ ઉકેલ માટેની જીદના કારણે વધુ એક વખત એવા વિવાદનો અંત આવ્યો છે જે સમગ્ર વિસ્તાર માટે અત્યંત જોખમી સાબિત થઈ શકતો હતો. હું અમેરિકાની વાટાઘાટો કરનારી ટીમ (જેમાં જે.ડી. વેન્સ, સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર સામેલ છે)ની મહેનત અને સતત પ્રયાસોની પણ પ્રશંસા કરું છું.'

 

(5:23 PM IST)