News of Thursday, 14th May 2026
કંગાળિયતની પરાકાષ્ઠા: પાકિસ્તાનમાં હવે મરવું પણ મોંઘું થયું, અંતિમ ક્રિયા પણ ગરીબોની પહોંચ બહાર
મોંઘવારીનો આ તે કેવો માર?: કફન, લાકડાં અને કબરની જગ્યાના ભાવ આસમાને:સગા વ્હાલાના અંતિમ સંસ્કાર માટે લોકો કરજ લેવા મજબૂર: આર્થિક તબાહી વચ્ચે પાકિસ્તાની જનતાની લાચારી જોઈને દુનિયા સ્તબ્ધ

નવી દિલ્હી: આર્થિક દેવા તળે ડૂબેલા પડોશી દેશ પાકિસ્તાનમાંથી મોંઘવારીની એક એવી કમકમાટીભરી અને આઘાતજનક તસવીર સામે આવી છે, જેણે આખા વિશ્વને હચમચાવી દીધું છે. પાકિસ્તાનમાં ચાલી રહેલા આર્થિક સંકટ અને ફુગાવાના કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓની સાથે હવે અંતિમ સંસ્કારની સામગ્રીના ભાવો પણ એટલા વધી ગયા છે કે સામાન્ય અને ગરીબ માણસ પોતાના પરિવારજનના મૃત્યુ બાદ તેની અંતિમ ક્રિયા સન્માનપૂર્વક કરી શકે તેવી સ્થિતિમાં પણ રહ્યો નથી.
ઉલ્લેખનીય છે કે વર્ષો સુધી રાવલપિંડીમાં તે પરંપરા ચાલતી હતી કે મૃતકનાં કુટુમ્બીજનોની સહાય માટે આજુબાજુના યુવાનો પહોંચી જતા હતા અને કબર ખોદી તેની બાજુઓ ઉપર ઈંટો પણ જડી દેતા હતા. પરંતુ હવે તે પ્રથા જ દૂર થઈ ગઈ છે. હવે તો દફનક્રિયાનું વ્યાપારીકરણ થઈ ગયું છે, તે માટે કબ્રસ્તાનના વહીવટકર્તાઓ કડક નિયમો અમલી કરી રહ્યાં છે.
રાવલપિંડીમાં તો કબ્રસ્તાન માટે જગ્યા જ રહી નથી. કેટલાંયે મોટા કબ્રસ્તાનોએ તો નોટીસ લગાડી દીધી છે કે હવે કબર માટે જગ્યા જ નથી. કબર માટે જગ્યા મેળવવા માટે મૃતકનાં કુટુમ્બોને ભારે રકમ ચૂકવવી પડે છે તે પછી કબર ખોદવાનો ખર્ચ થાય છે તે ઉપરાંત કબરની બાજુઓ ઉપર ઈંટો જડવાનો ખર્ચ થાય છે. આ બધો ખર્ચ મળી તે (પાકિસ્તાની) રૂા. ૪૦ થી ૪૫ હજાર જેટલો પહોંચે છે. ફુગાવો એટલી હદે હાથ બહાર ગયો છે કે, દફન સમયે મૃતકને વીંટાળવાનું કાપડ ૩ થી ૪ હજાર રૂપિયા જેટલું મોંઘુ થઈ ગયું છે. તેમજ મૃતદેહને કબરમાં મુક્યા પછી તેની ઉપર પાથરવામાં આવતાં પુષ્પો, ગુલાબજળ, ધૂપ સળીઓ, કપૂર વગેરેનો ખર્ચ રૂા. ૨૦૦૦ જેટલો થાય છે તે દફન ક્રિયા પચી કબર ઉપર ઈંટનું જે સ્ટ્રકચર બનાવવું પડે છે, તેનો ખર્ચ આશરે ૧૫૦૦૦ રૂપિયા જેટલો થાય છે. જો ચારસનું સ્ટ્રકચર રચવું હોય તો તેનો ખર્ચ તો રૂા. ૩૦ હજાર જેટલો પહોંચે છે. આમ પાકિસ્તાનમાં ફુગાવાએ માઝા મુકતા મૃત્યુ પણ મોંઘું બની ગયું છે.
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
