News of Wednesday, 27th May 2026
અમેરિકાના વોશિંગ્ટનમાં હૃદયદ્રાવક મહા વિસ્ફોટ: પેપર મિલમાં સર્જાઈ મોટી હોનારત: કેમિકલ ટેન્ક ફાટતાં અનેક મજૂરોના કમકમાટીભર્યા મોત: આખું કૅમ્પસ ધણધણી ઉઠ્યું
૯ જેટલા શ્રમિકો લાપતા થતાં કાટમાળ નીચે શોધખોળનો ધમધમાટ: બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસનો વિસ્તાર ધુમાડાના ગોટેગોટાથી ભરાઈ ગયો:અમેરિકન રેસ્ક્યુ ટીમો ઘટનાસ્થળે તૈનાત

નવી દિલ્હી: અમેરિકાના વોશિંગ્ટન સ્ટેટમાં આવેલી એક વિશાળ પેપર મિલ (કાગળના કારખાના) માં મોડીરાત્રે ફેક્ટરીની અંદર આવેલી કેમિકલ સંગ્રહ કરવાની પ્રેશર ટેન્ક અચાનક પ્રચંડ ધડાકા સાથે ફાટતાં મોટી ઔદ્યોગિક હોનારત સર્જાઈ છે. આ ભયાનક બ્લાસ્ટમાં કામ કરી રહેલા અનેક શ્રમિકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હોવાના અત્યંત માઠા સમાચાર આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ દર્દનાક અકસ્માત દક્ષિણ-પશ્ચિમ વોશિંગ્ટનમાં સ્થિત 'નિપ્પોન ડાયનાવેવ પેકેજિંગ કંપની'માં મંગળવારે સવારે સ્થાનિક સમય મુજબ આશરે 7:15 વાગ્યે થયો હતો. મિલની અંદર આવેલી એક વિશાળ કેમિકલ ટેન્કમાં અચાનક જોરદાર ધડાકો થયો હતો, જે એટલો શક્તિશાળી હતો કે જોતજોતામાં આખી યુનિટ મલબાના ઢગલામાં તબદીલ થઈ ગઈ હતી.
બ્લાસ્ટની માહિતી મળતાની સાથે જ આશરે 40 જેટલા ફાયર ફાઇટર્સ, પેરામેડિક્સ અને પ્રાદેશિક જોખમી પદાર્થોની ખાસ સ્પેશિયલ ટીમ (Hazmat Team) ઘટનાસ્થળે દોડી આવી હતી. મલબા હેઠળ દબાયેલા અને લાપતા થયેલા 9 કર્મચારીઓની શોધખોળ માટે કલાકો સુધી મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. કાયદા અમલીકરણ અધિકારીઓ અને કંપની દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદન અનુસાર, આ અકસ્માતમાં ઘણા લોકોના જીવ ગયા છે અને મોટી સંખ્યામાં શ્રમિકો ગંભીર રીતે દાઝી જવાથી તેમજ ઝેરી ગેસ શ્વાસમાં જવાને કારણે ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે ખસેડાયા છે.
વોશિંગ્ટન સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોલોજીના જણાવ્યા અનુસાર, આ લિક્વિડ પેકેજિંગ પ્લાન્ટ અને પેપર મિલ ખૂબ જ મોટા પાયે કાર્યરત છે, જ્યાં અંદાજે 1,000 જેટલા કર્મચારીઓ કામ કરે છે. આ પ્લાન્ટમાં મુખ્યત્વે ટિશ્યુ પેપર, પ્રિન્ટિંગ પેપર, કાર્ટન અને કપ-પ્લેટ બનાવવા માટેના મટીરિયલનું ઉત્પાદન કરવામાં આવે છે. આ મોટી હોનારતને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને તંત્ર દ્વારા બ્લાસ્ટના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
