<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

ગ્લોબલ ઓઇલ રૂટ પર યુદ્ધના વાદળો: હોર્મુઝમાં ઈરાની સ્પીડ બોટ્સની આક્રમક ઘેરાબંધી; ટ્રમ્પની છેલ્લી ચેતવણી — '૨૪ કલાકમાં પીછેહઠ કરો, નહીં તો અંજામ ભોગવો'

વૈશ્વિક તેલ સપ્લાયનો ૨૦% માર્ગ જોખમમાં; અમેરિકાના પાંચમા નૌકાદળ (US 5th Fleet) ને આક્રમક પ્રહારના આદેશ; સેન્ટ્રલ કમાન્ડ એક્ટિવ

નવી દિલ્હી: તેહરાનમાં લશ્કરી થાણાઓ પર થયેલા શંકાસ્પદ બ્લાસ્ટ્સના જવાબમાં ઈરાની નૌસેના (IRGC Navy) એ પર્સિયન ગલ્ફને ઓમાનની ખાડી સાથે જોડતી વ્યૂહાત્મક 'હોર્મુઝની સમુદ્રધુની' (Strait of Hormuz) માં મોટા પાયે સૈન્ય જહાજો અને ગન-બોટ્સ તૈનાત કરીને આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ઓઇલ ટેન્કર્સનો માર્ગ રોકવાનો અથવા તેમને ડરાવવાનો પ્રયાસ કર્યો છે. ઈરાનની આ દરિયાઈ દાદાગીરી સામે અમેરિકાએ કડક વલણ અપનાવ્યું છે.

આ વખતે આખી લડાઈ હોર્મુઝના દરિયાઈ માર્ગો પર વર્ચસ્વ જમાવવા માટેની છે. ઈરાને હોર્મુઝની અંદર એક અલગ દરિયાઈ રસ્તો બનાવી દીધો છે અને તેનો દાવો છે કે તમામ જહાજોએ તેના નિયંત્રણ હેઠળના આ જ રસ્તેથી પસાર થવું પડશે, જ્યારે અમેરિકા ત્યાં એક અલગ કોરિડોર ચલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આમ, બંને દેશો વચ્ચે ખરી લડાઈ હોર્મુઝની અંદર અલગ-અલગ રૂટને લઈને શરૂ થઈ છે.

અમેરિકા દ્વારા સૂચવવામાં આવેલા રસ્તા પરથી જ્યારે કોઈ વ્યાપારી જહાજ પસાર થાય છે, ત્યારે ઈરાન તેના પર હુમલો કરી દે છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપતા 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. ટ્રમ્પે ધમકી આપી છે કે ઈરાન સત્તાવાર અને સાર્વજનિક રીતે હોર્મુઝના માર્ગને બધા માટે ખુલ્લો જાહેર કરે, જો આગામી 24 કલાકમાં આવું કરવામાં નહીં આવે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.

અહીં નોંધવું મહત્ત્વનું છે કે, આ જ હોર્મુઝના માર્ગેથી આખી દુનિયાના કુલ ઓઇલ સપ્લાયનો પાંચમો હિસ્સો પસાર થાય છે. અગાઉ 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલા યુદ્ધ પછી જ્યાં સુધી બંને પક્ષે સમજૂતી નહોતી થઈ, ત્યાં સુધી આ દરિયાઈ માર્ગમાં હજારો જહાજો ફસાયેલા રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિશ્વમાં ઊર્જા સંકટ ઊભું થયું હતું.

(5:09 PM IST)