તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
વૈશ્વિક ખાદ્ય સંકટ ઘેરાયું: વિશ્વમાં ૬૪ કરોડથી વધુ લોકો ભૂખમરાનો સામનો કરવા મજબૂર: સંયુક્ત રાષ્ટ્રનો ચોંકાવનારો અહેવાલ
યુદ્ધ, આબોહવા પરિવર્તન અને આર્થિક મંદી મુખ્ય કારણો: ગરીબ અને વિકાસશીલ દેશોમાં કુપોષણનું પ્રમાણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે માનવતા સામે મોટો ખતરો ઉભો થયો છે, જેમાં વિશ્વભરમાં અંદાજે ૬૪ કરોડથી વધુ લોકો ભીષણ ભૂખમરા અને ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો આંતરરાષ્ટ્રીય અહેવાલમાં થયો છે; સંયુક્ત રાષ્ટ્ર (UN) અને વિશ્વ ખાદ્ય કાર્યક્રમ (WFP) ના તાજેતરના રિપોર્ટ અનુસાર, વિવિધ દેશો વચ્ચે ચાલતા સશસ્ત્ર સંઘર્ષો અને યુદ્ધો, વારંવાર આવતી કુદરતી આપદાઓ, આબોહવામાં ફેરફાર (ક્લાઈમેટ ચેન્જ) તેમજ આર્થિક અસ્થિરતાના કારણે ખાદ્ય સામગ્રીના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના પરિણામે લાખો કુટુંબોને બે ટંકનું ભોજન પણ નસીબ થઈ રહ્યું નથી; ખાસ કરીને આફ્રિકન દેશો, મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયાના કેટલાક વિસ્તારોમાં બાળકો અને મહિલાઓમાં અતિશય કુપોષણનું પ્રમાણ વધ્યું છે; આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ચેતવણી આપી છે કે જો વૈશ્વિક સ્તરે અન્ન સુરક્ષા અને મદદ માટે તાત્કાલિક નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ભૂખમરાની આ સ્થિતિ વધુ વિકરાળ અને માનવતાવાદી સંકટમાં પરિણમશે.
આફ્રિકામાં આશરે ૩૦.૯ કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે જે ત્યાંની કુલ વસતીના ૨૦ ટકા લોકો છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે વૈશ્વિક સ્તર પર ખાદ્ય સુરક્ષા સામેના પડકારો હજુ ઘણા છે. રિપોર્ટમાં પૌષ્ટિક ભોજન અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે જે મુજબ ૨૦૨૫માં દુનિયાના આશરે ૨૬૯ કરોડ લોકો સ્વસ્થ અને સંતુલિત કે પૌષ્ટિક ભોજન ખરીદવા સક્ષમ નથી. જે વિશ્વભરની કુલ વસતીનો ત્રીજો હિસ્સો છે. આ રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૧૭ બાદ પૌષ્ટિક ભોજન પાછળનો ખર્ચ આશરે ૪૫ ટકા વધી ગયો છે. આ રિપોર્ટમાં ભારત માટે કોઇ અલગ વિશ્લેષણ નથી પરંતુ ભારતમાં પહેલાથી જ અનિયમિત ચોમાસું, વધી રહેલી ગરમી, પૂર, દુષ્કાળ, જળવાયુ પરિવર્તન વગેરેનો સામનો કરી રહ્યો છે. એવામાં નિષ્ણાતોનું માનવું છે કે હવામાનની અનિયમિતતાની અસર ખેતી, ઉત્પાદન કે કૃષિ પેદાશો પર થતી હોય છે, આ અસર બાદમાં ખાદ્ય સામગ્રી કે અનાજ પર પણ જોવા મળી શકે છે તેનાથી લોકોના અન્ન પાછળના ખર્ચા પર પણ અસર પહોંચી શકે છે. હાલના આ રિપોર્ટ મુજબ વિશ્વભરમાં દર ત્રણમાંથી એક વ્યક્તિ પૌષ્ટિક ભોજન નથી મેળવી શકતો.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
