તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th August 2026
બેલ્જિયમમાં પાઇપલાઇન ખોદતાં ચમકી ગયું નસીબ: ભોંયરામાંથી મળ્યો રૂ. ૧૦૦ કરોડનો સોનાનો ગુપ્ત ખજાનો
૧૬મી સદીના દુર્લભ સોનાના સિક્કા અને બાર મળતાં ચકચાર: જમીન માલિક, મકાનમાલિક કે ખોદકામ કરનાર મજૂર: કડોદરા જેવો કિંમતી ખજાનો આખરે કોના ખાતામાં જશે?

નવી દિલ્હી :બેલ્જિયમમાં એક સામાન્ય પાઇપલાઇનનું ખોદકામ ચાલુ હતું ત્યારે અચાનક એવું કંઈક સામે આવ્યું જેણે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. જમીન હેઠળથી ૧૬મી સદીના અતિ કિંમતી અને દુર્લભ એવા સોનાના સિક્કા તથા સોનાના બાર (બિસ્કિટ) ભરેલો ગુપ્ત ખજાનો મળી આવ્યો છે. આ ખજાનાની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રૂ. ૧૦૦ કરોડથી પણ વધુ આંકવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, મકાનના ભોંયરામાંથી પાયા અને પાઇપલાઇનનું કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે મજૂરોના કોદાળી-પાવડા સાથે કોઈ ધાતુ અથડાવાનો અવાજ આવ્યો હતો. ઊંડું ખોદકામ કરતાં જ પ્રાચીન સમયના સોનાના સિક્કાઓથી ભરેલા વાસણો અને બાર મળી આવ્યા હતા. આ ખજાનો મળતાં જ આસપાસના વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી અને સ્થાનિક પુરાતત્વ વિભાગ તેમજ પોલીસની ટીમો સ્થળ પર દોડી આવી હતી.
બેલ્જિયમના પૂર્વ ફ્લેન્ડર્સ વિસ્તારમાં આવેલા ડેન્ડરમોન્ડે શહેરમાં એક જૂની મિલકતનું સમારકામ ચાલી રહ્યું હતું. બાંધકામ ટીમ ત્યાં નવી ગટર લાઇન નાખવા માટે ભોંયરાના પાયામાં ખોદકામ કરી રહી હતી. આ ટીમમાં 18 વર્ષનો એક યુવાન વિદ્યાર્થી કોબે પણ હતો, જે વેકેશન દરમિયાન ઉનાળુ નોકરી (સમર જોબ) કરી રહ્યો હતો.
કામ દરમિયાન અચાનક દિવાલમાંથી પીળી ચમકતી ધાતુ દેખાવા લાગી. શરૂઆતમાં કોબેને લાગ્યું કે આ માત્ર €1 ના સામાન્ય સિક્કા હશે, પરંતુ જેમ-જેમ વધુ ખોદકામ થયું તેમ-તેમ સોનાના બિસ્કિટ (ગોલ્ડ બાર) અને સિક્કાઓથી ભરેલી પ્લેટો બહાર આવવા લાગી. થોડી જ વારમાં સ્પષ્ટ થઈ ગયું કે આ કોઈ નાનો-સૂનો નહીં, પરંતુ અબજો રૂપિયાનો અઢળક ખજાનો છે. આટલી મોટી માત્રામાં સોનું જોઈને કામદારો અચંબિત થઈ ગયા. સાઇટ મેનેજર મારિયો અને યુવાન કોબેએ તરત જ સમજદારી દાખવી. મારિયોએ કહ્યું કે, ‘એટલા બધા સોનાના બિસ્કિટ અને સિક્કા બહાર આવી ગયા હતા કે તેને છુપાવવા અશક્ય હતા. તે રાખી લેવા એટલે સીધી ચોરી જ કહેવાય.’ કામદારોએ જરાય લાલચ રાખ્યા વગર તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો અને સમગ્ર ખજાનો કાયદાના રક્ષકોને સોંપી દીધો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર સોનું જપ્ત કરી સલામત સ્થળે ખસેડી લીધું છે. આ ઘટનાથી ઉત્સુક થયેલા સ્થાનિક લોકોને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ ખજાનાની શોધમાં આ નિર્માણ સ્થળની આસપાસ ન ભટકે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
