<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

મધ્ય પૂર્વમાં યુદ્ધના ભીષણ ભણકારા: ઈરાન સામે અમેરિકાએ પ્રથમ વખત અત્યંત ઘાતક B-1 બોમ્બર વિમાન મેદાને ઉતાર્યું

વધતા તણાવ વચ્ચે વૈશ્વિક મહાયુદ્ધનું જોખમ ઘેરું બન્યું: સુપરસોનિક બોમ્બરની તૈનાતીથી વિશ્વભરમાં ભારે ખળભળાટ

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે સ્થિતિ વધુ વિસ્ફોટક બની રહી છે, જેમાં અમેરિકાએ ઈરાન સામે લશ્કરી સકંજો મજબૂત કરવાના હેતુથી પ્રથમ વખત પોતાના સૌથી ઘાતક અને સુપરસોનિક 'B-1 લેન્સર બોમ્બર' યુદ્ધવિમાનો તૈનાત કર્યા છે; આંતરરાષ્ટ્રીય સ્તરે આ પગલાને કારણે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા હોવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે B-1 બોમ્બર વિમાન વિપુલ પ્રમાણમાં બોમ્બ અને મિસાઈલો વહન કરીને દુશ્મનના ઠેકાણાઓને ક્ષણવારમાં તબાહ કરવાની અદભુત ક્ષમતા ધરાવે છે, અમેરિકાના આ આક્રમક વલણ સામે ઈરાન તરફથી પણ કડક પ્રતિક્રિયા આપવાની ચેતવણી આપવામાં આવી છે, જેને પગલે સમગ્ર મધ્ય પૂર્વ સહિત વૈશ્વિક રાજકારણ અને અર્થતંત્રમાં ભારે અસ્થિરતા તથા ચિંતાનો માહોલ સર્જાયો છે.

B-1 બોમ્બર અમેરિકન વાયુસેનાનું સૌથી શક્તિશાળી વિમાન છે, જે ઓછી ઊંચાઈ પર અવાજ કરતાં પણ વધુ ઝડપે ઉડીને સૌથી વધુ વજનના બોમ્બ લઈ જઈ શકે છે. આ વિમાન 2,000 પાઉન્ડના બે ડઝન જેટલા બોમ્બ અથવા ડઝનબંધ મિસાઇલ લઈ જવા માટે સક્ષમ છે અને તેણે બ્રિટનના એરબેઝ પરથી ઉડાન ભરી હતી. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, આ બોમ્બરે ઈરાનના સૈન્ય મથકો, ડ્રોન સ્ટોરેજ, વિમાન હેંગર અને દરિયાઈ ક્ષમતા વાળા ઠેકાણાઓ પર હુમલા કર્યા છે, જેથી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં જહાજો પર હુમલો કરવાની ઈરાનની તાકાતને નબળી પાડી શકાય.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે હજુ પણ મોટા સૈન્ય અભિયાન પર વિચાર કરી રહ્યા છે અને આગામી દિવસોમાં આ લડાઈ વધુ તીવ્ર બની શકે છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલા ચાલુ રાખ્યા, તો અમેરિકા તેહરાન સહિત ઈરાનના પુલો અને પાવર પ્લાન્ટ્સને નિશાન બનાવી શકે છે. બીજી તરફ, અમેરિકાના વ્યાપક હુમલા છતાં ઈરાનનું વલણ નરમ પડ્યું નથી અને તેણે પણ અમેરિકન સાથી ખાડી દેશોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાની ધમકી આપી છે.

બીજી તરફ, ઈરાનની ઉશ્કેરણીથી યમનના હૂથી બળવાખોરોએ રેડ સીમાં સાઉદી અરેબિયાના બંદરો પર નાકાબંધીની જાહેરાત કરીને સાઉદી જહાજો પર પહેલો હુમલો કરી દીધો છે. જેના કારણે અનેક કોમર્શિયલ જહાજોએ પોતાના રસ્તા બદલી નાખ્યા છે. આ દરમિયાન કતાર અને ઓમાનની મધ્યસ્થતાથી હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા અને યુદ્ધ રોકવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ ઈરાને નવો પ્રસ્તાવ સ્વીકાર્યો ન હોવાથી હજુ સુધી કોઈ નક્કર સફળતા મળી નથી. જોકે, પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનને ભારે નુકસાન થઈ રહ્યું છે અને તે બહુ જલ્દી સમજૂતી માટે તૈયાર થઈ જશે.

(4:28 PM IST)