<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

વૈશ્વિક મહાયુદ્ધના ભણકારા: ઈરાન પર અમેરિકાના હુમલાથી ભડકેલું રશિયા:સેર્ગેઈ લાવરોવે યુએસને વિશ્વ માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો

મોસ્કોએ વોશિંગ્ટન પર આંતરરાષ્ટ્રીય કરારો તોડવાનો લગાવ્યો ગંભીર આક્ષેપ: મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ:ક્રૂડ ઓઇલ બજારમાં પણ ભારે ઉથલપાથલ

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે અમેરિકી વાયુસેના દ્વારા ઈરાન સંબંધિત ઠેકાણાઓ પર કરવામાં આવેલા ભીષણ હુમલા બાદ વૈશ્વિક રાજકારણ ગરમાયું છે. અમેરિકાની આ આક્રમક સૈન્ય કાર્યવાહી પર રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવે મોસ્કો ખાતે પત્રકાર પરિષદ યોજીને અમેરિકા સામે આકરા પ્રહારો કર્યા હતા. લાવરોવે અત્યંત આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, અમેરિકા પોતાની સામ્રાજ્યવાદી નીતિઓ માટે કોઈ પણ હદ વટાવી શકે છે અને આવા અવિશ્વસનીય દેશ પર ભરોસો કરવો એ પોતાના પગ પર કુહાડી મારવા સમાન છે.

મોસ્કોમાં ચાડના વિદેશ મંત્રી સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સર્ગેઈ લાવરોવે કહ્યું કે, અમેરિકાની નવી સૈન્ય કાર્યવાહી એ સમજૂતીની ભાવના વિરુદ્ધ છે, જેના દ્વારા બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સૈન્ય કાર્યવાહી કોઈ પણ વિવાદનો ઉકેલ ન હોઈ શકે.

લાવરોવે દાવો કર્યો હતો કે, 'ઈરાનની સાથે-સાથે પર્શિયન ગલ્ફ સહયોગ પરિષદ (GCC)ના સભ્ય દેશોમાં પણ નાગરિકોના બુનિયાદી માળખાને નુકસાન પહોંચ્યું છે.' તેમણે ચેતવણી આપી કે, 'આ પ્રકારના હુમલા ક્ષેત્રમાં અસ્થિરતા વધારશે અને શાંતિ સ્થાપવાના પ્રયાસોને નબળા પાડશે.'

રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે, 'અમેરિકા સાથે ભવિષ્યમાં થનારા કોઈ પણ કરાર પર ભરોસો કરવો મુશ્કેલ છે.' તેમણે અલાસ્કામાં પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી વાતચીતનો હવાલો આપતા કહ્યું કે, 'અગાઉ પણ અનેક સમજૂતી કરારનું સંપૂર્ણપણે પાલન કરવામાં નથી આવ્યું.'

(4:51 PM IST)