News of Wednesday, 24th June 2026
ચાઈનાવાળા પણ જબરા હો! ગધેડાને કલર કરી ઝીબ્રા બનાવી પ્રાણી સંગ્રહાલયમાં ઊભું રાખી દીધું
આ મજેદાર કિસ્સો ચીનના વેઈફાંગ શહેરના આનકિયૂ વાઈલ્ડલાઈફ પાર્કનો છેઃ વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક ગધેડા પર ખૂબ જ ખરાબ રીતે કાળા રંગની ધારીઓ બનાવી છે

વેઈફાંગ તા.૨૪: ચીનના પ્રાણી સંગ્રહાલયમાંથી ઘણી વાર એવા એવા કિસ્સા સામે આવે છે જેને જોઈ દુનિયા આખી માથું પકડી લે. આ વખતે ચીનના એક વાઈલ્ડલાઈફ પાર્કે ચાલાકીની તમામ હદ પાર કરતા એક સીધાસાદા ગધેડાના શરીર પર કાળી પટ્ટી પેન્ટ કરી દીધી અને તેને ઝીબ્રા બનાવી પિજરામાં ઊભું રાખી દીધું. જોકે ઝૂ પ્રશાસનની આ ચાલાકી લાંબો સમય ચાલી નહીં અને પર્યટકોએ તેની પકડી પાડી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ આગની માફક વાયરલ થવા લાગ્યો અને ઈન્ટરનેટ પર આ અલ્ટ્રા પ્રો મેક્સ જુગાડની ખૂબ ઠેકડી ઉડાવી. જોકે પકડાઈ જતાં ઝૂ પ્રશાસને સ્પષ્ટતા આપી છે, જેને સાંભળી તમે પણ હસવાનું રોકી શકશો નહીં.
આ મજેદાર કિસ્સો ચીનના વેઈફાંગ શહેરના આનકિયૂ વાઈલ્ડલાઈફ પાર્કનો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક ગધેડા પર ખૂબ જ ખરાબ રીતે કાળા રંગની ધારીઓ બનાવી છે. જેને દૂરથી જોતા તે ઝીબ્રા જેવું દેખાય. જ્યારે ઈન્ટરનેટ પર ઝૂની મજાક થવા લાગી તો ત્યાંના કર્મચારીઓએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા આપતા જણાવ્યું કે, અમે તો ખાલી જાનવરોનો કોસપ્લે કરી રહ્યા હતા. અમે ક્યારેય દાવો નથી કર્યો કે આ અસલી ઝીબ્રા છે. અમે પિજરા બહાર આવું કોઈ બોર્ડ નથી લગાવ્યું. આ ખાલી એક મજાક હતી. જેથી આવનારા લોકો થોડું હસી શકે અને તેમનું મનોરંજન થઈ શકે. કર્મચારીઓએ એવું પણ સ્વીકાર્યું કે આ અગાઉ પણ કુતરાનો પણ આવો મેકઓવર કરી ચૂક્યા છે.
આપને જણાવી દઈએ કે, ચીનના ઝૂમાં જાનવરોની આવી અદલા-બદલી આ કોઈ પહેલો કિસ્સો નથી. ગત વર્ષે શૈનડોંગના ઝિબો સિટી અમ્યૂઝમેન્ટ પાર્કે એક ગધેડાને ઝીબ્રા બનાવીને રજૂ કર્યો હતો. જેની ભારે મજાક ઉડી હતી. આ ઉપરાંત ગત વર્ષે જ ચીનના તાઈઝોઉ ઝૂએ તો હદ કરી નાખી હતી. જ્યારે તેમણે બે સફેદ ચાઉ-ચાઉ નસલના કૂતરાને કાળા અને નારંગી રંગથી રંગીને તેને વાઘ બનાવી પાંજરામાં પૂરી દીધા હતા. તે સમયે લોકોએ પ્રાણી સંગ્રહાલય પર જાનવરો સાથે ક્રૂરતા કરવાનો આરોપ લગાવ્યો હતો, જેના પર ઝૂના પ્રતિનિધિઓએ વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે માણસ તો પોતાના વાળ ડાઈ કરે છે. જો કૂતરાના વાળ લાંબા હોય તો તેના પર નેચરલ કલરનો ઉપયોગ કરી શકાય, એમાં ખોટું શું છે.
આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ હસી હસીને લોટ પોટ થઈ ગયા અને ચીનની આવી સસ્તી ટેકનિક પર ખૂબ મજા લઈ રહ્યા છે. એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે ચીનનો માલ આમ પણ નકલી અને ગેરેન્ટી વિનાનો હોય છે. હવે તેમણે ઝીબ્રા પણ ડુપ્લીકેટ બનાવી દીધું. બીજા યુઝરે લખ્યું કે વીજળી વિના અને ઘાસ ખાધા વિના ચાલતું ઝીબ્રા, ચીનના એન્જાિનિયર્સને ૨૧ તોપની સલામ. વળી અમુકે લખ્યું કે મનોરંજનના નામ પર અબોલ જાનવરો પર કેમિકલવાળા પેન્ટ લગાવવા ખોટી વાત છે, ભલે તેઓ તેને મજાક કહે, પણ આ ક્રૂરતા છે.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
