<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

બાંગ્લાદેશમાં ઈદની ખુશીઓ માતમમાં ફેરવાઈ, રક્તરંજિત અકસ્માત!: શ્રમિકોથી ભરેલી ટ્રક પલટી જતાં ૧૫ના કમકમાટીભર્યા મોત, હોસ્પિટલોમાં ચિચિયારીઓ!

૧૦ થી વધુ લોકો લોહીલુહાણ, મૃતાંક વધવાની ભીતિ!: તહેવાર મનાવવા વતન જઈ રહેલા ગરીબ મજૂરો કાળનો કોળિયો બન્યા—ચાલકે સ્પીડ પરથી કાબૂ ગુમાવતા સર્જાઈ ભયાનક તારાજી!

નવી દિલ્હી: પડોશી દેશ બાંગ્લાદેશમાં સોમવારે ઈદના પવિત્ર તહેવારની ઉજવણી વચ્ચે એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સર્જાતા સમગ્ર દેશમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. અલગ-અલગ ફેક્ટરીઓ અને બાંધકામ સાઇટ પર કામ કરતા દૈનિક શ્રમિકો ઈદની રજાઓમાં પોતાના પરિવાર સાથે તહેવાર મનાવવા માટે એક મોટા ટ્રકમાં સવાર થઈને વતન જઈ રહ્યા હતા. આ દરમિયાન મુખ્ય માર્ગ પરથી પસાર થતી વખતે કાળમુખી ટ્રકના ચાલકે ઓવરસ્પીડના કારણે સ્પીડ પરથી કાબૂ ગુમાવી દીધો હતો.
અહેવાલો અનુસાર, આ અકસ્માત ઢાકાથી આશરે 83 કિલોમીટર દૂર આવેલા ટાંગૈલ જિલ્લાના સોરાટોઇલ વિસ્તારમાં સોમવારે વહેલી સવારે અંદાજે 5 વાગ્યાની આસપાસ સર્જાયો હતો. હાઇવે પરથી પસાર થઈ રહેલી ટ્રકના ચાલકે અચાનક જ વાહન પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેના કારણે લોખંડના સળિયાથી ભરેલી આ આખી ટ્રક રોડ પર પલટી ગઈ હતી.
ટ્રકમાં સવાર શ્રમિકો ઈદના પવિત્ર તહેવાર નિમિત્તે રજાઓ ગાળવા માટે ઢાકાથી ઉત્તરીય પ્રદેશ તરફ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. વતન પહોંચવા માટે તેઓએ હાઇવે પર લોખંડના સળિયા ભરીને જતી આ ટ્રક પાસે લિફ્ટ માંગી હતી અને તેમાં સવાર થયા હતા. પરંતુ રસ્તામાં અકસ્માત સર્જાતા 15 શ્રમિકોના મોત નીપજ્યા હતા. દુર્ઘટના બાદ બચાવકર્મીઓએ ઘટનાસ્થળે દોડી જઈને ટ્રક નીચે ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
અકસ્માતને પગલે હાઇવે પર વ્યાપક હોબાળો અને અફરાતફરી મચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, 17 કરોડથી વધુ વસ્તી ધરાવતા બાંગ્લાદેશમાં ટ્રાફિક નિયમોના નબળા અમલીકરણ, ખરાબ રસ્તાની સ્થિતિ અને અકુશળ ડ્રાઇવરોને કારણે દર વર્ષે હજારો લોકો માર્ગ અકસ્માતોમાં પોતાની જાન ગુમાવે છે.

 

(5:55 PM IST)