<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

ડ્રેગનની દરિયામાં દાદાગીરી: ઈરાન-અમેરિકાના વિવાદ વચ્ચે હવે ચીને વધાર્યું ટેન્શન: બે શક્તિશાળી યુદ્ધજહાજો રવાના કરતા ખળભળાટ

યુદ્ધના વાદળો વધુ ઘેરાયા: એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ:ચીને સમુદ્રમાં બે જંગી યુદ્ધજહાજો મોકલીને પાડોશી દેશોની ઊંઘ હરામ કરી: અમેરિકાની નજર મધ્ય પૂર્વ પર છે ત્યારે ચીનનો આ નવો દાવ:શું દક્ષિણ ચીન સાગરમાં નવો મોરચો ખુલશે? સેનાને એલર્ટ રહેવા આદેશ: દુનિયામાં ત્રીજા વિશ્વયુદ્ધનો ફફડાટ

નવી દિલ્હી: વિશ્વ અત્યારે રશિયા-યુક્રેન અને ઈરાન-ઈઝરાયેલના સંઘર્ષમાં અટવાયેલું છે, ત્યારે ચીને ફરી એકવાર પોતાની વિસ્તારવાદી નીતિનો પરચો આપ્યો છે. ચીને વિવાદિત દરિયાઈ વિસ્તારમાં પોતાના બે અત્યાધુનિક યુદ્ધજહાજો રવાના કર્યા છે, જેનાથી પડોશી દેશો અને અમેરિકી સૈન્ય છાવણીઓમાં દોડધામ મચી ગઈ છે. ચીનનો આ આક્રમક અભિગમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે આખું વિશ્વ અમેરિકા અને ઈરાન વચ્ચેના વાકયુદ્ધ પર નજર રાખીને બેઠું છે.

તાઇવાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પેંઘુ દ્વીપ સમૂહના દક્ષિણ-પશ્ચિમ જળ વિસ્તારમાં ચીનનું એક ડિસ્ટ્રોયર અને એક ફ્રિગેટ જહાજ ઘૂસી આવ્યા હતા. આ ચીની જહાજોની દેખરેખ માટે તાઇવાનની નૌકાદળ અને વાયુસેનાને તહેનાત કરી દેવામાં આવી છે. તાઇવાની સશસ્ત્ર દળોએ ચીની હિલચાલ પર કડક નજર રાખીને યોગ્ય વળતો જવાબ પણ આપ્યો છે. મંત્રાલયે આ યુદ્ધ જહાજોની આકાશી માર્ગે લેવાયેલી તસવીરો પણ જાહેર કરી છે, જોકે સુરક્ષાના કારણોસર ચોક્કસ લોકેશન જાહેર કર્યું નથી. નોંધનીય છે કે ચીન તાઇવાનને પોતાનો જ ભાગ ગણાવે છે અને અવારનવાર તેના જળ અને વાયુ ક્ષેત્રમાં સૈન્ય ઘૂસણખોરી કરતું રહે છે. તાઇવાન સરકારની વારંવારની નિંદા છતાં ચીન પોતાની આક્રમક વ્યૂહનીતિ બદલવા તૈયાર નથી. ચીનનું કહેવું છે કે તેની આ સૈન્ય પ્રવૃત્તિઓ 'ન્યાયસંગત' છે અને તણાવ માટે તે તાઇવાનને જ જવાબદાર ગણાવે છે. બીજી તરફ, તાઇવાને ચીનના સાર્વભૌમત્વના દાવાને સ્પષ્ટપણે ફગાવી દીધો છે અને કહ્યું છે કે તાઇવાનનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર માત્ર ત્યાંના લોકો પાસે જ છે.

(5:17 PM IST)