<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

ડોનાલ્ડ ટ્રમ્પનો અજીબોગરીબ દાવો, કહ્યું- ઈરાનના લોકો બાથરૂમમાં જાય તો પણ અમેરિકાને ખબર પડી જાય છે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે પરમાણુ શસ્ત્રોના ઉપયોગનો ઇનકાર કરતા દાવો કર્યો છે કે ઈરાન લશ્કરી રીતે હારી ચૂક્યું છે અને અમેરિકાની બાજ નજરથી તેની કોઈ પણ હિલચાલ બચી શકતી નથી.

વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા ભારે તણાવની સ્થિતિ વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભાઈએ એક ચોંકાવનારું નિવેદન આપીને વૈશ્વિક રાજકારણમાં મોટો ખળભળાટ મચાવી દીધો છે. ઓવલ ઓફિસ ખાતે પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ ભાઈએ દાવો કર્યો હતો કે ઈરાનની દરેક હિલચાલ પર અમેરિકાની તીક્ષ્ણ નજર છે અને ઈરાનીઓ જો બાથરૂમમાં પણ જાય છે, તો પણ તેની માહિતી તેમના સુધી પહોંચી જાય છે.

આ વાતચીતમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે અમેરિકા ઈરાન સામે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ બિલકુલ નહીં કરે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઈરાન લશ્કરી રીતે સંપૂર્ણપણે હારી ચૂક્યું છે અને વ્યુહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર હવે અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ સ્થપાઈ ગયું છે. તેમના જણાવ્યા મુજબ, આ દરિયાઈ માર્ગેથી કોઈ પણ મોટી અડચણ વગર દરરોજ લાખો બેરલ તેલ લઈને જહાજો પસાર થઈ રહ્યા છે.

ઈરાન પર તાજેતરમાં કરાયેલા નવા હુમલાઓનું કારણ આપતાં અમેરિકી પ્રમુખે જણાવ્યું હતું કે ઈરાન પોતાની રડાર સિસ્ટમ, મિસાઈલ સિસ્ટમ અને દરિયામાં દરિયાઈ સુરંગો (માઈન્સ) નાખવા માટેના રોકેટને ફરીથી લોન્ચ કરવાની પેરવીમાં હતું. ઈરાન એવું રોકેટ બનાવી રહ્યું હતું જે દરિયામાં માઈન્સ ફેંકી શકે, અને તે રોકેટ જેવું તૈયાર થવાની તૈયારીમાં હતું કે તરત જ અમેરિકાએ તેને સંપૂર્ણપણે તબાહ કરી નાખ્યું હતું.

હાલમાં પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિ અત્યંત ગંભીર તબક્કે પહોંચી ગઈ છે. તાજેતરમાં અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા સૈન્ય હુમલા બાદ ઈરાને પણ વળતો પ્રહાર કરતાં બહરીન અને કુવૈતમાં આવેલા અમેરિકી લશ્કરી મથકોને નિશાન બનાવ્યા છે. બંને દેશો વચ્ચે થયેલો અગાઉનો સીઝફાયર કરાર પણ તૂટી ચૂક્યો છે, જેના કારણે સમગ્ર મધ્ય પૂર્વ વિસ્તારમાં ભારે અનિશ્ચિતતા અને ભયનો માહોલ છવાયો છે.

(1:55 PM IST)