<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

ડોનાલ્ડ ટ્રમ્પની વૈશ્વિક મંચ પર ફરી ફજેતી: હોર્મુઝની અખાતમાં હુમલા બંધ કરવા પાછળનું સાચું કારણ બહાર આવ્યું

બ્રિટન અને ફ્રાન્સે અમેરિકાને આપ્યો મોટો આંચકો: લશ્કરી અને રાજદ્વારી સમર્થન પાછું ખેંચતાં ટ્રમ્પ બેકફૂટ પર

નવી દિલ્હી: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક વિદેશી વલણ અને નિર્ણયોને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાની વધુ એક વખત ભારે ફજેતી થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે; સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હાલમુઝની સામુદ્રધુની) માં સતત વધી રહેલા તણાવ વચ્ચે અચાનક હુમલા અને સૈન્ય ગતિવિધિઓ બંધ કરવા પાછળનું મુખ્ય કારણ હવે સામે આવ્યું છે; અહેવાલો મુજબ, યુએસના પરંપરાગત સાથી દેશો બ્રિટન અને ફ્રાન્સે આ મામલે ટ્રમ્પ વહીવટીતંત્રને મોટો ઝટકો આપ્યો છે; બંને યુરોપિયન સત્તાઓએ હોર્મુઝ વિસ્તારમાં આક્રમક લશ્કરી કાર્યવાહીમાં ભાગ લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે અને પોતાનું રાજદ્વારી સમર્થન પાછું ખેંચી લીધું છે; સાથી દેશોના આ અણધાર્યા વલણ અને એકલા પડી જવાના ભયથી અમેરિકાએ આખરે પોતાના પગ પાછા ખેંચવાની ફરજ પડી છે, જેના કારણે વૈશ્વિક રાજકારણમાં ટ્રમ્પની વ્યૂહરચના સામે ફરી સવાલો ઊભા થયા છે.

અમેરિકન સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે તાજેતરમાં બ્રિટન અને ફ્રાંસના સંરક્ષણ મંત્રીઓ સાથે વાતચીત કરીને આ મિશનમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે અપીલ કરી હતી. જોકે, યુરોપિયન દેશો તરફથી કોઈ સ્પષ્ટ સંમતિ મળી નથી. તેમનું માનવું છે કે જ્યાં સુધી ઈરાન સાથે કાયમી યુદ્ધવિરામ કે તણાવ ઓછો થવાના સ્પષ્ટ સંકેતો ન મળે, ત્યાં સુધી આવા કોઈ સૈન્ય અભિયાનમાં જોડાવું જોખમી સાબિત થઈ શકે છે. બ્રિટને સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે ઈરાન સામેના કોઈ આક્રમક સૈન્ય અભિયાનનો ભાગ બનશે નહીં, પરંતુ દરિયાઈ માર્ગોની સુરક્ષા માટે સહયોગ આપવા માટે તૈયાર છે.

યુરોપિયન દેશોના આ સંકોચ પાછળ અમેરિકાની હાલની રણનીતિ જવાબદાર માનવામાં આવે છે. યુરોપિયન અધિકારીઓનું માનવું છે કે અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હવાઈ હુમલા કરતાં પહેલા પોતાના સાથી દેશો સાથે યોગ્ય સલાહ-મસલત કરી નહોતી. આ જ કારણે યુરોપિયન દેશોમાં ભારે નારાજગી છે. તેમનું માનવું છે કે જો તેમને પહેલા વિશ્વાસમાં લેવામાં આવ્યા હોત તો સ્થિતિ અલગ હોત, તેથી હવે તેઓ કોઈ સ્પષ્ટ રણનીતિ વગર આ મોટા સૈન્ય અભિયાનમાં જોડાવા માંગતા નથી.

આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથે વાતચીત આગળ વધી રહી છે અને કૂટનીતિક ઉકેલની આશા છે. બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે વાતચીત અને યુદ્ધવિરામ બંને એક સાથે શક્ય નથી. આ સિવાય યમનના હૂથી બળવાખોરો દ્વારા રેડ સીમાં નાકેબંધીની જાહેરાત બાદ જહાજોની અવરજવરમાં ભારે ઘટાડો નોંધાયો છે. હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વનો સૌથી મહત્ત્વપૂર્ણ ઓઇલ રૂટ માનવામાં આવે છે, પરંતુ હાલમાં ત્યાંથી વેપારી જહાજોનું પરિવહન ખૂબ ઘટી ગયું છે, જેનાથી ગ્લોબલ ટ્રેડ અને ઊર્જા પુરવઠા પર મોટું સંકટ ઊભું થયું છે.

(6:23 PM IST)