<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

મેડિકલ જગતમાં 'ડિજિટલ' વિસ્ફોટ: નોવો નોર્ડિસ્ક અને OpenAI વચ્ચે ઐતિહાસિક સોદો: હવે રોબોટિક મગજ શોધશે અસાધ્ય રોગોની દવા

દવાના સંશોધનથી લઈને સપ્લાય સુધી 'AI'ની આણ: ડાયાબિટીસ અને મેદસ્વીતાની નવી દવાઓ હવે મિનિટોમાં થશે તૈયાર:ચીનને પાછળ છોડવા અમેરિકી ટેકનોલોજીનો માસ્ટરપ્લાન: વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં આખી કંપનીનું થશે 'ડીજીટલાઇઝેશન': શું લેબોરેટરીમાં હવે વૈજ્ઞાનિકોની જગ્યા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેશે? સપ્લાય ચેઈન અને ઉત્પાદનમાં આવશે ક્રાંતિકારી પરિવર્તન

નવી દિલ્હી: વિશ્વની દિગ્ગજ ફાર્મા કંપની નોવો નોર્ડિસ્ક અને ChatGPT બનાવતી કંપની OpenAI વચ્ચે એક મસમોટો વ્યૂહાત્મક કરાર થયો છે. આ કરાર મુજબ, નોવો નોર્ડિસ્ક હવે દવાઓના સંશોધન (R&D), ઉત્પાદન અને સપ્લાય ચેઈન મેનેજમેન્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વ્યાપક ઉપયોગ કરશે. આ સમાચારથી ફાર્મા અને ટેકનોલોજી બંને ક્ષેત્રમાં હલચલ મચી ગઈ છે.

સામાન્ય રીતે એક નવી દવાને બજારમાં લાવવામાં વર્ષોનો સમય અને અબજો ડોલરનો ખર્ચ થાય છે, પરંતુ AIની મદદથી ડેટા એનાલિસિસ કરીને દવાના મોલેક્યુલ્સને ઝડપથી ઓળખી શકાશે. નોવો નોર્ડિસ્કના CEO ના જણાવ્યા મુજબ, AI માત્ર દવા શોધવામાં જ નહીં, પણ ફેક્ટરીમાં ઉત્પાદન વધારવા અને વિશ્વભરમાં દવા પહોંચાડવાની સપ્લાય ચેઈનને વધુ સ્માર્ટ બનાવવા માટે પણ ઉપયોગી થશે. ઓપનએઆઈના સેમ ઓલ્ટમેને આ કરારને માનવ જીવન બચાવવા માટેનો મોટો માઈલસ્ટોન ગણાવ્યો છે. ૨૦૨૬ના અંત સુધીમાં કંપનીના તમામ ૨૧,૦૦૦ થી વધુ કર્મચારીઓને AI થી સજ્જ કરવામાં આવશે.

વજન ઘટાડવાના ક્ષેત્રમાં યુરોપની અગ્રણી દવા કંપની નોવો નોર્ડિસ્કે મંગળવારે જણાવ્યું કે તે દવાના સંશોધન, ઉત્પાદનથી લઈને કોમર્શિયલ ઓપરેશન સુધીની કામગીરીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ વધારવા તૈયાર છે. આ માટે કંપનીએ એઆઈ કંપની ઓપનએઆઈ સાથે જોડાણ કર્યું છે.

વજન ઘટાડવાના ક્ષેત્રમાં નોવો નોર્ડિસ્ક લોકપ્રિય વેઈટ-લોસ ડ્રગ્સ વીગોવી અને ઓઝેમ્પિક બનાવે છે. આ ક્ષેત્રમાં તેની પ્રતિસ્પર્ધક કંપનીઓ એલી લિલી જેવી કંપનીઓને તીવ્ર સ્પર્ધા પૂરી પાડવા નોવો નોર્ડિસ્ક એઆઈની ટેક્નોલોજીની મદદથી પોતાની સ્થિતિ મજબૂત કરવા માગે છે.

કંપનીના સીઈઓ માઈક ડુસ્ટરે કહ્યું કે, આ ભાગીદારીનું લક્ષ્ય વૈજ્ઞાાનિક ટીમોને બદલવાનું નહીં 'સુપરચાર્જ' કરવાનું છે. એઆઈ ઈન્ટીગ્રેશનથી કર્મચારીઓની ઉત્પાદક્તા અને પ્રભાવશીલતા વધશે, જેથી ભવિષ્યમાં ભરતીની ગતિ ધીમી થઈ શકે છે, પરંતુ નોકરીઓ નહીં જાય. ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને પણ ઉદ્યોગોને બદલવા અને વૈજ્ઞાાનિક શોધને ઝડપી કરવામાં એઆઈની ભૂમિકા પર ભાર આપ્યો છે. 

(5:15 PM IST)