તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 14th November 2026
દુનિયા પર તોળાતું મહાવિનાશકારી હવામાન સંકટ: ૨૦૨૭માં ગરમી અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખશે:૧૯૫૦ બાદ સૌથી ઘાતક 'અલ નીનો'ની ભયાનક ચેતવણી
૭૭ વર્ષનો ઇતિહાસ બદલાશે! પ્રશાંત મહાસાગરમાં ઉકળતા લાવા જેવી સ્થિતિથી દુષ્કાળ: ભીષણ હીટવેવ અને અનરાધાર તબાહીના ભણકારા વાગતા વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:સમગ્ર વિશ્વના માનવીઓ માટે અત્યંત સનસનાટીભરી અને રૂંવાડા ઊભા કરી દે તેવી હવામાનની આગાહી સામે આવી છે. આંતરરાષ્ટ્રીય હવામાન નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી ઉચ્ચારી છે કે આગામી વર્ષ ૨૦૨૭માં પૃથ્વી પર ગરમી અત્યાર સુધીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખશે. એટલું જ નહીં, વર્ષ ૧૯૫૦ બાદ એટલે કે છેલ્લા ૭૭ વર્ષના ઇતિહાસમાં સૌથી શક્તિશાળી અને ઘાતક 'અલ નીનો' (El Niño) સક્રિય થવાના ભણકારા વાગી રહ્યા છે, જેના કારણે દુનિયાભરમાં ભારે હાહાકાર મચી ગયો છે.
NOAAના તાજેતરના આંકડા મુજબ, ઓક્ટોબરથી ડિસેમ્બર અને નવેમ્બરથી જાન્યુઆરીના સમયગાળા દરમિયાન અલ નીનો 1950 પછીના તમામ રેકોર્ડ તોડી શકે તેવી શક્યતા લગભગ 60 ટકા સુધી પહોંચી છે. આ સમયગાળા દરમિયાન સમુદ્રની સપાટીનું સરેરાશ તાપમાન સામાન્ય કરતાં 2.5 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ વધી શકે છે. ઓક્ટોબર મહિનાથી જ ભૂમધ્યરેખીય પ્રશાંત મહાસાગરના પશ્ચિમી વિસ્તારોમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં 4 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ રહ્યું છે. 1950ના દાયકામાં આંકડાઓની નોંધણી શરૂ થયા પછી પહેલીવાર આટલો મોટો વધારો જોવા મળ્યો છે. વિશ્વ હવામાન સંગઠન (WMO)એ પણ આ વર્ષે ઓક્ટોબરમાં તાપમાન અસાધારણ સ્તરે પહોંચવાની આશંકા વ્યક્ત કરી હતી.
અલ નીનો એક કુદરતી હવામાન સંબંધિત ઘટના છે. તેમાં પ્રશાંત મહાસાગરના ભૂમધ્યરેખીય વિસ્તારમાં સમુદ્રનું પાણી સામાન્ય કરતાં વધુ ગરમ થાય છે. આ ઘટના અલ નીનો સાઉથર્ન ઓસિલેશન (ENSO) ચક્રના ત્રણ તબક્કામાંથી એક છે. જ્યારે નિનો 3.4 વિસ્તારમાં સમુદ્રની સપાટીનું સરેરાશ તાપમાન સતત ત્રણ મહિના સુધી સામાન્ય કરતાં 0.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહે છે, ત્યારે અલ નીનોની સ્થિતિ જાહેર કરવામાં આવે છે.
અલ નીનોની અસર માત્ર સમુદ્રના તાપમાન સુધી મર્યાદિત રહેતી નથી. તેના કારણે દુનિયાભરના હવામાન ચક્રમાં મોટા ફેરફાર થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ ઉપરાંત તાપમાનમાં ઝડપથી વધારો થવાની સાથે ગરમી અને લૂનું પ્રમાણ વધી શકે છે. જંગલોમાં આગ લાગવાની ઘટનાઓમાં પણ વધારો થવાનું જોખમ રહે છે. આમ, 2027માં અલ નીનોની સંભવિત અસરને કારણે દુનિયાના અનેક વિસ્તારોમાં હવામાનની સ્થિતિ પડકારજનક બની શકે છે. ખાસ કરીને તાપમાન, વરસાદ અને ગરમીના બદલાતા વલણ પર હવામાન એજન્સીઓની નજર રહેશે.
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
