<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

અંદમાન સાગરમાં મોતની ચીસિયારી: રોહિંગ્યા અને બાંગ્લાદેશી શરણાર્થીઓથી ભરેલી બોટ મધદરિયે ડૂબી: ૨૫૦થી વધુ લોકોના જળસમાધિની આશંકા

સમુદ્ર બન્યો કબ્રસ્તાન: વધુ સારા ભવિષ્યની શોધમાં નીકળેલા સેંકડો લોકો કાળના ખપ્પરમાં હોમાયા: લથબથ થતી બોટે તોડી દીધા સપના: બાળકો અને મહિલાઓના કરુણ મોતથી હચમચી ગયું ઈન્ટરનેશનલ મીડિયા: શું માનવ તસ્કરીનું મોટું રેકેટ લઈ ગયું ભોગ? બચાવ કામગીરીમાં અવરોધ અને મોજાઓના કહેર વચ્ચે લાશોનો ખડકલો થવાની ભીતિ

નવી દિલ્હી: અંદમાન સાગરના ઊંડા પાણીમાં આજે એક મોટી કરૂણાંતિકા સર્જાઈ છે. રોહિંગ્યા મુસ્લિમો અને બાંગ્લાદેશી શરણાર્થીઓને લઈને જતી એક ઓવરલોડેડ બોટ મધદરિયે પલટી મારી જતાં ૨૫૦થી વધુ લોકો ડૂબી ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ બોટ ગેરકાયદેસર રીતે સમુદ્રી માર્ગે અન્ય દેશમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે કુદરતનો પ્રકોપ અને ક્ષમતા કરતા વધુ ભાર હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું મનાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બોટમાં ક્ષમતા કરતા અનેકગણા લોકો સવાર હતા, જેમાં મોટી સંખ્યામાં નાના બાળકો અને મહિલાઓ પણ સામેલ હતી. દરિયાના ઉછળતા મોજા સામે બોટ ટકી શકી નહોતી અને જોતજોતામાં જળસમાધિ લઈ લીધી હતી. આસપાસના વિસ્તારોમાં કોસ્ટ ગાર્ડ અને બચાવ ટુકડીઓ દોડી ગઈ છે, પરંતુ દરિયો તોફાની હોવાને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર શરણાર્થીઓની વિકટ સ્થિતિ અને સમુદ્ર માર્ગે ચાલતા ખતરનાક માનવ તસ્કરીના રેકેટ તરફ આંગળી ચીંધી છે.

બચાવાયેલા લોકોએ માનવ તસ્કરી અને તે રુવાંડા ઉભા કરે તેવી સફર વિશે કંપાવી મૂકે તેવી વાતો જણાવી. રફીકુલ ઈસ્લામ, જે પોતે એક રોહિંગ્યા છે, તેને જણાવ્યું કે 2 એપ્રિલના રોજ કુતુપાલોંગ બજારમાં તેમને નોકરીની લાલચ આપીને ફસાવવામાં આવ્યા હતા. તેમને ટેકનાફના કછોપિયા યુનિયનના રાજારછારા વિસ્તારમાં એક ઘરમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને અન્ય 20 થી 25 લોકો સાથે કેદ કરી રાખવામાં આવ્યા હતા.

તેને આરોપ લગાવ્યો કે જ્યારે પણ કોઈ પીડિત ભાગવાનો પ્રયત્ન કરતો, ત્યારે તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવતું હતું. તેમણે એમ પણ જણાવ્યું કે તે વિસ્તારમાં અનેક ઘરોનો ઉપયોગ તસ્કરી કરીને લાવવામાં આવેલા લોકોને કેદ રાખવા માટે કરવામાં આવતો હતો. 4 એપ્રિલની રાત્રે તેમને રાજારછારા પાસે 'મરીન ડ્રાઈવ' ને અડીને આવેલા દરિયા કિનારે લઈ જવામાં આવ્યા અને નાની માછીમારીની હોડીઓમાં બેસાડી દેવામાં આવ્યા. એક જગ્યાએ તેમને પાસેની ઝાડીઓમાં છુપાવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા, કારણ કે તે સમયે બાંગ્લાદેશી સેનાની એક પેટ્રોલિંગ ટીમ ત્યાંથી પસાર થઈ રહી હતી.

(5:14 PM IST)