<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

અમેરિકાના દરિયામાં મોતનો તાંડવ: ક્રૂઝ શિપ અને વિશાળ ઓઈલ ટેન્કર જહાજ વચ્ચે ભયાનક ટક્કર:૧૮૦ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

મધદરિયે બે મહાકાય જહાજો અથડાતા અફરાતફરી અને ચીસાચીસ: સદનસીબે ૧૮૦ લોકોનો આબાદ બચાવ થતાં તંત્ર અને પરિવારજનોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:અમેરિકાના દરિયાઈ વિસ્તારમાં એક અત્યંત સનસનાટીભરી અને કાળજું કંપાવી દેનારી જળદુર્ઘટના સર્જાઈ છે. મુસાફરોથી ખચોખચ ભરેલા એક ક્રૂઝ શિપ અને વિશાળ ઓઈલ જહાજ (ટેન્કર) વચ્ચે મધદરિયે જોરદાર ટક્કર થતાં ભારે હાહાકાર મચી ગયો હતો. આ ભયાનક અકસ્માત એટલો ગંભીર હતો કે જહાજમાં સવાર ૧૮૦ જેટલા લોકો ડૂબવાની અણી પર આવી ગયા હતા, પરંતુ સમયસૂચકતા અને બચાવ કામગીરીને પગલે તમામ લોકોનો આબાદ બચાવ થયો છે.

મેયર હેલેના મોરેનોએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, મિસિસિપી નદી પર આ એક ખરેખર ચમત્કાર છે. કોઈ પણ વ્યક્તિ ગુમ નથી. તેમણે જણાવ્યું કે 32 લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ કોઈની પણ હાલત ગંભીર નથી.

વિડિયોમાં જોવા મળ્યું કે, એક મોટું ટેન્કર (એટલાન્ટિક એસ્ફાલ્ટ) ડોક પર ઊભેલી ક્રૂઝ બોટ સાથે અથડાયું હતું. ધાતુ અને કાચના ટુકડાઓ ચારેય તરફ વેરાઈ ગયા હતા. ટગબોટ ઓપરેટર્સ, પોલીસ, નજીકના મજૂરો અને બચાવકર્મીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. અનેક લોકો અને બે પોલીસ અધિકારીઓને 19 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા નદીના ઠંડા પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

રેસ્ક્યુ ઓપરેશન ચાલુ હતું તે દરમિયાન જ બોટમાં પાણી ભરાઈ ગયું અને તે પલટી ગઈ. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, ત્યાં ભારે અફરા-તફરી મચી ગઈ હતી. મદદ માટે અનેક જહાજો ત્યાં આવી પહોંચ્યા હતા.

કોસ્ટ ગાર્ડના કેપ્ટન મેલાની બર્નમે જણાવ્યું કે, એવું લાગે છે કે ટેન્કરનું સ્ટિયરિંગ કંટ્રોલ બહાર થઈ ગયું હતું, પરંતુ તેનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફટી બોર્ડ આ મામલાની તપાસ કરશે, પરંતુ દેશભરમાં ઉડાનો અટકી જવાના કારણે તપાસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી શકી નહોતી.

ક્રૂઝ કંપનીએ રોલ કોલ દ્વારા તમામની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરી હતી. આ દુર્ઘટનામાં ઘણા લોકોના ઓળખપત્રો, ફોન અને ચાવીઓ ખોવાઈ ગયા હતા. મોટાભાગના મુસાફરો બહારગામના હતા. મેયરે જણાવ્યું કે તેમના માટે ચાર્જર, ભોજન, હોટેલ અને વાહનવ્યવહારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

(5:51 PM IST)