<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

વિશ્વભરમાં ‘ક્રૂડ’નો કકળાટ: હોર્મુઝની સામુદ્રધૂની બંધ રહેતા હાહાકાર:ટ્રમ્પનો પારો સાતમા આસમાને

ઈરાનની ઓફર ‘રિજેક્ટ’: ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ, કહ્યું— ‘અમને આવી શરતો મંજૂર નથી!’ ક્રૂડ ઓઈલના ભાવ ભડકે બળવાની દહેશત, વૈશ્વિક શેરબજારોમાં ફફડાટ: હોર્મુઝના દરવાજા ક્યારે ખુલશે? સમગ્ર વિશ્વની નજર વ્હાઈટ હાઉસ પર

નવી દિલ્હી: વૈશ્વિક રાજનીતિમાં અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. હોર્મુઝની સામુદ્રધૂની, જ્યાંથી વિશ્વનો ૨૦% તેલનો પુરવઠો પસાર થાય છે, તે બંધ રહેવાના અહેવાલોએ ક્રૂડ ઓઈલના બજારમાં ભૂકંપ લાવી દીધો છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. ઈરાન દ્વારા મુકવામાં આવેલી સમજૂતીની ઓફરને ટ્રમ્પે સદંતર ફગાવી દેતા તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
અમેરિકાએ વાટાઘાટો શરૂ કરવા માટે જે ઓફર આપી હતી, તેના જવાબમાં રવિવારે ઈરાને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ઈરાનના આ પ્રસ્તાવમાં મુખ્યત્વે નીચેની માંગણીઓ કરવામાં આવી હતી. ખાસ કરીને લેબનોનમાં, જ્યાં અમેરિકાના સાથી દેશ ઇઝરાયલ અને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ વચ્ચે ભીષણ જંગ ચાલી રહ્યો છે. ઈરાને યુદ્ધમાં થયેલા નુકસાન માટે આર્થિક વળતરની માંગ કરી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર પોતાની સાર્વભૌમત્વ જાળવી રાખવાની જીદ કરી છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલી નૌકાદળની નાકાબંધી હટાવવી, સંપત્તિઓ અનફ્રીઝ કરવી અને ઈરાની તેલના વેચાણ પરનો પ્રતિબંધ દૂર કરવો.
ઈરાનનો આ પ્રસ્તાવ સામે આવ્યાના ગણતરીના કલાકોમાં જ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, મને આ પસંદ નથી. તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. ટ્રમ્પે આ અંગે કોઈ વિસ્તૃત વિગતો આપી નથી, પરંતુ અમેરિકાની શરત સ્પષ્ટ છે કે, ઈરાને તેના પરમાણુ કાર્યક્રમ સહિતના ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરતા પહેલા યુદ્ધવિરામ કરવો પડશે. બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ ટ્રમ્પના વલણની ટીકા કરતા જણાવ્યું હતું કે, અમારી માંગણીઓ કાયદેસર છે. અમે યુદ્ધનો અંત, ચાંચિયાગીરી અને નાકાબંધી રોકવાની માંગ કરી છે, જે પ્રાદેશિક સુરક્ષા માટે એક ઉદાર ઓફર છે.

 

(6:32 PM IST)