<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

યુક્રેનની રાજધાની કિવ પર પરમાણુ કે મહાવિનાશક હુમલાનું કાઉન્ટડાઉન શરૂ: રશિયાનું વિદેશી નાગરિકોને આખરી અલ્ટિમેટમ:'તાત્કાલિક કિવ શહેર ખાલી કરો'

મોસ્કો તરફથી કિવને રાખના ઢગલામાં ફેરવી નાખવાની ખુલ્લી ધમકીથી દુનિયાભરમાં ભારે હડકંપ: દુતાવાસો ટપોટપ બંધ થવા લાગ્યા: એરપોર્ટ અને રસ્તાઓ પર નાસભાગ જેવો માહોલ:તમામ દેશોએ પોતાના નાગરિકો માટે ઈમરજન્સી એડવાઈઝરી જાહેર કરી

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા લોહિયાળ જંગમાં હવે અત્યાર સુધીનો સૌથી મોટો અને ભયાનક વળાંક આવી ગયો છે. ક્રેમલિન (રશિયાના રાષ્ટ્રપતિ ભવન) ના સત્તાવાર સૂત્રો અને સંરક્ષણ મંત્રાલય દ્વારા વૈશ્વિક સ્તરે એક સનસનાટીપૂર્ણ ઈમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રશિયાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે યુક્રેનની રાજધાની કિવ પર મોટો લશ્કરી હુમલો થવા જઈ રહ્યો છે, જેમાં પાવરફુલ મિસાઈલો અને ડ્રોન આર્મીનો ઉપયોગ કરાશે. આ ભયાનક સૈન્ય કાર્યવાહીને ધ્યાનમાં રાખીને રશિયાએ કિવમાં વસતા તમામ વિદેશી નાગરિકો, વિદ્યાર્થીઓ અને વિવિધ દેશોના રાજદ્વારી સ્ટાફને ૨૪ થી ૪૮ કલાકની અંદર જ તાત્કાલિક કિવ શહેર છોડી દેવા સખત અલ્ટિમેટમ ફટકારી દીધું છે.
રશિયાએ ચેતવણી આપી છે કે હવે પછીના હુમલાઓ યુક્રેનના મુખ્ય 'ડિસિઝન-મેકિંગ સેન્ટર્સ' એટલે કે સરકારી કચેરીઓ અને કમાન્ડ પોસ્ટ્સ પર કરવામાં આવશે, તેથી સામાન્ય નાગરિકો વહીવટી અને સૈન્ય ઈમારતોથી દૂર રહે.
શનિવાર અને રવિવારની આખી રાત રશિયાએ કિવ અને તેની આસપાસના વિસ્તારો પર સેંકડો ડ્રોન, બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલથી હુમલા કર્યા હતા. આ હુમલામાં રશિયાએ કિવથી માત્ર 90 કિલોમીટર દૂર આવેલા બિલા ત્સેર્કવા (Bila Tserkva) વિસ્તાર પર પોતાની અત્યંત ઘાતક હાયપરસોનિક 'ઓરેશ્નિક' મિસાઇલ પણ છોડી હતી. આ હુમલામાં કિવનું પ્રખ્યાત ચેર્નોબિલ મ્યુઝિયમ, નેશનલ આર્ટ મ્યુઝિયમ અને ઘણા રહેણાંક વિસ્તારો કાટમાળમાં ફેરવાઈ ગયા છે. ઝેલેન્સ્કીના મતે આ હુમલામાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ તણાવ વચ્ચે સોમવારે સાંજે રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને સીધો ફોન કરીને કિવની સ્થિતિ અંગે વાત કરી હતી. લાવરોવે માર્કો રુબિયોને સ્પષ્ટ કહી દીધું છે કે અમેરિકા પોતાના તમામ રાજદ્વારીઓ અને સ્ટાફને વહેલી તકે કિવમાંથી બહાર કરી લે, કારણ કે આગામી હુમલાઓ બહુ ભયાનક હશે. ફોન કોલ બાદ માર્કો રુબિયોએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમેરિકા આ યુદ્ધનો અંત લાવવા માટે જે પણ મદદની જરૂર પડશે તે કરવા તૈયાર છે.

 

(5:48 PM IST)